શબ્દકોષના આધારે ચુકાદો:ગોંડલમાં વકીલે ભગવદ્ગોમંડલના અર્થના આધારે રજૂઆત કરી, કોર્ટે સાવકી પુત્રીને પિતાની ખેતીની જમીનમાંથી ચોથો ભાગ આપવા હુકમ કર્યો

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મત તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મત તસવીર.
  • માતાને છૂટાછેટા આપી બીજા લગ્ન કરનાર પિતા સામે વડીલોપાર્જીત મિલકતમાં ભાગ માટે કોર્ટમાં દાવો માંડ્યો હતો

ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના મોહનભાઈ જસમતભાઈ વોરાએ તેની પ્રથમ પત્ની લાભુબેનને 1972માં છૂટાછેડા આપ્યા હતા. પ્રથમ લગ્નજીવનથી સંતાનમાં એક દીકરી ભાનુબેન તથા બે દીકરાઓ રમેશભાઈ અને ગોપાલભાઈ છે. પરંતુ છૂટાછેડા વખતે જ મોહનભાઈએ તેના પ્રથમ લગ્નજીવનથી ત્રણેય સંતાનોનો કબજો તેના પ્રથમ પત્નીને આપ્યો હતો. ત્યારબાદ મોહનભાઈએ બીજા લગ્ન સરોજબેન સાથે કરતા તેનાથી એક પુત્રી પારુલબેનનો છે. વડીલોપાર્જીત ખેતીની જમીનમાંથી મોહનભાઈની દીકરી ભાનુબેને ભાગ મળવા માગણી કરતા મોહનભાઈએ ભાગ આપવાનો ઈન્કાર કર્યો હતો. જેનો કેસ ગોંડલ કોર્ટમાં ચાલતો હોય આજે કોર્ટે સાવકી પુત્રીને ખેતીની જમીનમાંથી ચોથો ભાગ આપવા હુકમ કર્યો છે. આ કેસમાં ભાનુબેનના વકીલે ગુજરાતી મહાશબ્દકોષ ભગવદ્રોમંડલમાં વડીલોપાર્જીત મિલકત અને સ્વપાર્જીત મિલકત કોને કહેવાય તેની ઉપર આધાર રાખી રજુઆત કરી હતી.

પિતાએ દાવાવાળી જમીનનો અમુક ભાગ વેચી દીધો હતો
ગોંડલ કોર્ટમાં વડીલોપાર્જીત મિલકતનુ પાર્ટીશન કરી ભાગ મળવા ભાનુબેને તેના પિતા સામે કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જેમાં ચાલુ દાવે મોહનભાઈએ દાવાવાળી મિલકત ખેતીની જમીનના અમુક ભાગનુ અન્યને વેચાણ કરી નાખતા તેને પક્ષકાર જોડી દસ્તાવેજ રદ કરવાની દાદ માગવામા આવી હતી. બાકી રહેતી મિલકતનું મોહનભાઈએ તેના બીજા લગ્નથી થયેલી દિકરી પારુલબેનની તરફેણમાં વીલ કરી આપી તે વીલ દાવામા ૨જૂ થતા તે વીલ પણ ભાનુબેનને બંધનકર્તા નથી તેવુ ઠરાવી આપતી દાદ દાવામા જરૂરી સુધારો કરી માંગવામા આવ્યું હતું.

ભાનુબેનનો કેસ લડનાર વકીલ નિરંજય એસ. ભંડેરી (ફાઇલ તસવીર)
ભાનુબેનનો કેસ લડનાર વકીલ નિરંજય એસ. ભંડેરી (ફાઇલ તસવીર)

દાવાવાળી મિલકત વડીલોપાર્જીત હોય જેથી તેનુ વીલ થઈ શકે નહીં
આ દાવો ચાલી જતા ભાનુબેન ૨મણીકભાઈ રાદડિયાના વકીલ નિરંજય એસ. ભંડેરીએ દલિલો કરી જણાવ્યું હતું કે, દાવો હિન્દુ વારસા ધારામાં સને 2005માં સુધારો આવ્યા બાદ દાખલ કરવામાં આવ્યો છે અને તે સુધારા મુજબ દીકરીને પણ દીકરાની માફક વડીલોપાર્જીત મિલકતમાથી હક્કો પ્રાપ્ત થાય છે. દાવાવાળી મિલકત વડીલોપાર્જીત હોય જેથી તેનુ વીલ થઈ શકે નહીં. આ સિવાય હિન્દુ વારસા ધારા ઉપર ગત વર્ષે 2020માં નામદાર સર્વોચ્ય અદાલતે આપેલ ચુકાદો તથા અન્ય ઉચ્ચ ન્યાયાલયોના ચુકાદાઓ ઉપર આધાર રાખ્યો હતો. તેમજ ગુજરાતી મહાશબ્દકોષ ભગવદ્રોમંડલમાં વડીલોપાર્જીત મિલકત અને સ્વપાર્જીત મિલકત કોને કહેવાય તેની ઉપર આધાર રાખી રજુઆત કરતા ગોંડલના એડી. સિનિયર સિવિલ જજ એમ.વી.ચોક્સીએ ભાનુબેનનો દાવો મંજૂર કરી દાવાવાળી મિલકતમાંથી 1/4 ભાગ ભાનુબેનને આપવાનો હુકમ કર્યો છે.

(હિમાંશુ પુરોહિત, ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...