વાઇરલ વીડિયો:ગોંડલ ST ડેપોમાં ખિસ્સાકાતરૂને પકડીને ઓફિસમાં પૂર્યો, લાજવાને બદલે ગાજ્યો, અર્ધનગ્ન થઈ પોતોના શરીર પર બ્લેડના છરકા માર્યા

રાજકોટ6 મહિનો પહેલા
  • ઓફિસમાં પકડીને રાખ્યાના બે કલાક બાદ પણ પોલીસે આવવાની તસ્દી ન લીધી

રાજ્ય સરકાર અને એસટી નિગમ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરી ગોંડલમાં નવા એસટી બસનું નિર્માણ કરી આપવામાં આવ્યુ છે, જેનું ઉદઘાટન બે દિવસ પહેલા જ થયું હતું. પરંતુ પોલીસ પ્રોટેક્શન કે સિક્યુરિટીના અભાવે ખિસ્સાકાતરૂને અહીં મોકળું મેદાન મળી ગયું છે. જેનાથી લોકોના અવારનવાર ખિસ્સાઓ હળવા થઈ રહ્યા છે. ત્યારે આજે એક ખિસ્સાકાતરૂને ઝડપીને ડેપોની ઓફિસમાં પૂરી દીધો હતો. પરંતુ તે લાજવાને બદલે ગાજ્યો હતો અને પોતાના જ શરીર પર બેલ્ડના છરકા મારવા લાગ્યો હતો.

ખિસ્સાકાતરૂ પકડાયાના બે કલાક બાદ પણ પોલીસ આવી નહીં
ગોંડલ એસટી ડેપોમાં અવારનવાર મુસાફરોના ખિસ્સા હળવા થતા હોવાથી અનેક ફરિયાદો ઉઠી રહી છે. છતાં પણ પોલીસ ધ્યાન આપતી નથી તેવો મુસાફરોએ રોષ વ્યક્ત કર્યો હતો. આજે એક ખિસ્સાકાતરૂને એસટી ડેપોના કેટલાક કર્મચારીઓએ ઝડપી લઇ પોલીસનો સંપર્ક કર્યો હતો. પરંતુ પોલીસે પણ બે કલાક સુધી આવવાની તસ્દી ન લેતાં આખરે એસ.ટી.નાં કર્મચારીઓ પણ થાક્યા હતા.

ખિસ્સાકાતરૂએ પોતાના શરીર પર જ છરકા મારવા લાગ્યો.
ખિસ્સાકાતરૂએ પોતાના શરીર પર જ છરકા મારવા લાગ્યો.

ખિસ્સાકાતરૂએ એસટીના કર્મચારીઓને ધમકી આપી
આ દરમિયાન આ ખિસ્સાકાતરૂએ લાજવાના બદલે ગાજી પોતાના હાથે જ પોતાના શરીરે બ્લેડના છરકા મારવાના શરૂ કરતા કર્મચારીઓ પણ ગભરાય ગયા હતા. ખિસ્સાકાતરૂએ રીતસરની એસટી કર્મચારીઓને ધમકી આપી હતી કે, હું શરીરે બ્લેડના છરકા મારું છું અને પોલીસમાં તમારા વિરૂદ્ધ ખોટી ફરિયાદ નોંધાવીશ, તમને બધાને ફીટ કરાવી દઈશ તેઓ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

એસટી કર્મચારીઓને ધમકી આપી.
એસટી કર્મચારીઓને ધમકી આપી.

(હિમાંશુ પુરોહિત, ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...