નવતર પ્રયોગ:ગોંડલના ખેડૂતે 12 ભાષામાં એપ લોન્ચ કરી, 123 દેશમાં ખેત ઉત્પાદક વસ્તુઓ એક્સપોર્ટ કરી બિઝનેસ કરે છે

રાજકોટએક વર્ષ પહેલા
ખેતીકામ કરતા રમેશભાઈ રૂપારેલિયા. - Divya Bhaskar
ખેતીકામ કરતા રમેશભાઈ રૂપારેલિયા.
  • ઓર્ગેનિક ખેતી અને ડેરી ઉત્પાદનો માટે એપ્લિકેશન લોન્ચ કરી

'સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય' આ યુક્તિને ગોંડલ પંથકના એક ખેડૂતે ખરા અર્થમાં સાર્થક કરી છે. ગોંડલના કોટડાસાંગાણી તાલુકામાં આવેલા સાંઢવાયા ગામના વતની છે રમેશભાઈ રૂપારેલિયા. જે હાલ ખેતીનો વ્યવસાય કરે છે. રમેશભાઈએ ખેડૂતો માટે 12 અલગ અલગ ભાષામાં એક એપ્લિકેશન લોન્ચ કરી છે. આ સાથે જ 123 દેશમાં ખેત ઉત્પાદક વસ્તુઓ એક્સપોર્ટ કરીને બિઝનેસ કરી રહ્યા છે.

રમેશભાઈએ માત્ર 7 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે
રમેશભાઈ રૂપારેલિયાએ 7 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. જેથી અલગ અલગ વ્યાપાર-ધંધામાં હાથ અજમાવ્યો, પરંતુ સફળતા ન મળી. છેવટે તેમણે ખેતીના વ્યવસાયમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરી જમીનમાં સંપૂર્ણપણે ફર્ટિલાઇઝર છોડ અને ગોબર-ગૌમૂત્રથી ખેતી કરવાનો નિયમ લીધો. પોતાનાં ઓર્ગેનિક ખેતી-ડેરી ઉત્પાદનો માટે એપ્લિકેશન વિકસિત કરી 123 દેશમાં જૈવિક ખેતીનાં ઉત્પાદનો અને ડેરી ઉત્પાદનોનું વેચાણ કરી રહ્યાં છે.

14 વર્ષ પહેલાં ગોબર અને ગૌમૂત્રમાંથી ખેતી કરવાનું શરૂ કર્યું હતું
રમેશભાઈ એ જણાવ્યું હતું કે મેં લગભગ 14 વર્ષ પહેલાં ફક્ત ગોબર અને ગૌમૂત્રથી ખેતી કરવાનું કામ શરૂ કર્યું હતું અને ધીરે ધીરે તે ખૂબ સફળ રહ્યું હતું. 2010માં અમે 25 વીઘા જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું, જેમાં 3.5 મિલિયન ડુંગળીનું ઉત્પાદન થયું. ધીમે ધીમે ખૂબ જ સફ્ળતા મળી. તેમને ગુજરાત સરકાર દ્વારા પણ ઘણા બધા અવોર્ડ મળેલા છે. અત્યારે ડોક્ટર, લેખક, પાયલોટ, વૈજ્ઞાનિક જેવા લોકો મારે ત્યાં ગૌપાલનની ટ્રેનીંગ લેવા આવે છે અને હું તેમને ભણાવું છું.

રમેશભાઈ પાસે 150થી વધુ ગીર ગાય છે
ગૌપ્રેમી રમેશભાઈ આજે 12 ભાષામાં એપ્લિકેશન તૈયાર કરી છે. આ એપ્લિકેશન દ્વારા સજીવ ખેતી, ગાયની ખેતીમાં આવતી સમસ્યાઓ અને તેનાં નિરાકરણો અને ખેડૂતોને તાલીમ વિશે માહિતી આપશે. અમે આધુનિક ટેકનોલોજીને એક સાધન બનાવીને ડેરી કાર્ય પણ શરૂ કર્યું છે. આજે અમારી પાસે 150થી વધુ ગીર ગાય છે.

123 દેશમાં કાર્બનિક ખેતીની પેટાપ્રોડક્ટ્સ સપ્લાય કરે છે
આધુનિક ખેડૂત હેઠળ રમેશભાઈ કોલસેન્ટર ચલાવે છે. આ કોલસેન્ટરમાં 40થી વધુ લોકોને રોજગારી મળે છે. 123 દેશમાં કાર્બનિક ખેતીની પેટાપ્રોડક્ટ્સ સપ્લાય કરે છે. ખેડૂતોને કાર્બનિક ખેતી પર તાલીમ આપે છે. રમેશભાઈ પાસે લોકો દૂરથી જૈવિક ખેતી અને ગાય ઉછેરની તાલીમ લેવા આવે છે. 2015માં ગુજરાત સરકારે શ્રેષ્ઠ ખેડૂતનો અવોર્ડ આપ્યો હતો. રમેશભાઈએ ગુજરાતી, હિંદી, સંસ્કૃત, અંગ્રેજી, બંગાળી, ઊડિયા, પંજાબી, મરાઠી, કન્નડ, તમિળ, તેલુગુ અને મલયાલમ ભાષામાં એપ તૈયાર કરી છે.

(દેવાંગ ભોજાણી-ગોંડલ)