રાજકોટ મનપામાં ગોકુલનગર આવાસ યોજનામાં ટેક્નિકલ આવાસ વિભાગના તત્કાલીન સિટી એન્જિનિયર અલ્પના મિત્રા તેમજ પૂર્વ કોર્પોરેટર ગેલા રબારીએ કરેલા આવાસ કૌભાંડમાં માત્ર બદલી કરીને સંતોષ માની લેવાયો છે. હજુ કોઇ સામે પગલાં તો દૂર ફ્લેટમાં પહેલા જે કબજો હતો તે પણ હટાવવામાં રસ લેવાયો નથી. કોઇ કાર્યવાહી ન લેવાતા આખરે જેમના નામ લાભાર્થીઓમાંથી હટાવી પૂર્વ કોર્પોરેટરના મળતિયાઓને આપી દીધા હતા તે અરજદારોએ સીધા પીએમ કાર્યાલય અને મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરતા આખરે મનપાના અધિકારીઓને રેલો આવ્યો છે.
રાજકોટના ગોકુલનગર આવાસમાં રહેતા પણ આવાસ ફાળવાયો નથી તે ભરત ચણિયારા, ભીમા ભરવાડ, લાલજી ચણિયારા, લાલજી ઝાલા અને રૂખેશ બાંભવાએ વડાપ્રધાન, મુખ્યમંત્રી, મંત્રી તેમજ ધારાસભ્યોને લેખિત ફરિયાદ કરી છે કે, ગોકુલનગર આવાસ યોજનામાં પૂર્વ કોર્પોરેટર ગેલા રબારી ઉર્ફે મામા અને રાણા કારેઠાએ ફ્લેટ પર ગેરકાયદે કબજો કરી અન્યોને ભાડે આપી દીધા હતા.
આ કૌભાંડ બહાર આવ્યું છતાં મનપાએ કોઇ પગલાં લીધા નથી જેથી હજુ પણ ઘણા ફ્લેટ પર કબજો છે અને ભાડું પણ લેવાઈ રહ્યું છે. મહાનગરપાલિકા ડરતી હોવાથી ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે જેથી કૌભાંડ કરનારા અધિકારીઓ અને ફ્લેટ તેમજ આવાસની જગ્યામાં દબાણ કરનારાઓ સામે પગલાં લેવાય અને જે ખરા અર્થમાં લાભાર્થીઓ છે તેમને ફાળવણી કરવામાં આવે.
આવાસ બની ગયા ઢોર ડબ્બા
આવાસ યોજનામાં કૌભાંડ બહાર આવ્યા બાદ તુરંત જ જેટલા દબાણ છે તે હટાવી આવાસ સાફ કરાવી રિપેર કરાવી ફાળવવાની તૈયારી મ્યુનિસિપલ કમિશનર અને મેયરે બતાવી હતી પણ હજુ સુધી કોઇ કાર્યવાહી થઈ નથી ફ્લેટમાં હજુ પણ દબાણ છે તેમજ પશુઓ અને ચારો રાખીને ઢોર ડબ્બા જેવા બનાવીને રખાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.