શંકા:કૌભાંડને છુપાવવા ગોકુલનગર આવાસની ફાઈલ ગુમ કરી દીધી

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘મામા’ સાથે મનપાના જ અધિકારીઓ-પદાધિકારીઓની સાઠગાંઠનો પુરાવો
  • આવાસ સેલના ઈજનેરોએ કરેલો સરવે, રિપોર્ટ, બાંધકામની વિગત, લાભાર્થીઓની પાત્રતા સહિતની ફાઈલ ગાયબ, સેલ તરફ જ શંકાની સોય

શહેરના સંતકબીર રોડ પર આવેલી ગોકુલનગર આવાસ યોજનામાં ‘મામા’ નામની વ્યક્તિ અને આવાસ યોજનામાં જવાબદાર અધિકારીઓ અને ઈજનેરોએ એક બે નહિ પણ 3 કૌભાંડ આચર્યા છે. આ તમામનો પર્દાફાશ દિવ્ય ભાસ્કરે કરતા ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતું અને તપાસના આદેશ થયા હતા. આ દરમિયાન જ મેયરે કેટલાક શંકાસ્પદ લાભાર્થીઓની તપાસ કરાવવા સરવે તેમજ તેને લગતા દસ્તાવેજોમાં ખરાઈ કરી 3 જ દિવસમાં રિપોર્ટ કરવા હુકમ કર્યો હતો પણ બીજા જ દિવસે આવાસ યોજનાની ફાઈલ જ ગુમ કરી દેવાઈ હોવાનું સામે આવ્યું છે.

ગોકુલનગર આવાસ યોજના મનપાના આવાસ સેલે બનાવી છે ત્યારે આ જ સેલના અધિકારીઓ અને ઈજનેરોએ લાભાર્થીઓનો સરવે કર્યો, પુરાવા લીધા, પાત્રતા ચકાસી હતી, ડિમોલિશન કર્યું હતું અને બાંધકામ કરીને તમામ ફ્લેટ તૈયાર કર્યા હતા. ત્યારબાદ સેલના આસિસ્ટન્ટ મેનેજરને ડ્રો કરવા માટે આપ્યા હતા.

આસિસ્ટન્ટ મેનેજરે ડ્રો કર્યો તે તમામ નામ અને ફ્લેટ નંબર હાલ મનપા પાસે છે પણ જે ફાળવણી માટે મહત્ત્વના દસ્તાવેજ છે તેવા 203 ફ્લેટની મુખ્ય ફાઈલ ગાયબ કરી દેવાઈ છે જેમાં આવાસ સેલના જ અધિકારી અથવા ઈજનેરોની સંડોવણીની શંકા છે કારણ કે, આ ફાઈલ પર બીજા કોઇની નજર જ છેલ્લા 3 વર્ષથી પડી નથી જે લોકોએ કૌભાંડ આચર્યું છે તેમને જ ફાઈલ ક્યા છે તે ખબર હતી.

અત્યાર સુધી મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને હોકી લઈને ફ્લેટ ખાલી કરાવવા નીકળેલા નાયબ મ્યુનિસિપલ કમિશનર એ. આર. સિંઘે અત્યાર સુધી ફક્ત તમાશો જ જોયો હતો અને તપાસની જવાબદારી અન્ય કર્મચારીઓને સોંપી હતી જેનો લાભ લઈ કૌભાંડીઓ બંને કમિશનરને મૂર્ખ બનાવી તમામ પુરાવાઓ સગેવગે કરવામાં સફળ રહ્યા છે. તેથી હવે જોવાનું એ રહે છે કે અધિકારીઓને મૂર્ખ બનાવનાર ઈજનેરોને શોધીને પગલાં લેવાશે કે નહીં.

અન્ય સમાચારો પણ છે...