રાજકોટ શહેરમાં કોઈને શ્વાન કરડે અને આરોગ્ય કેન્દ્રમાં હડકવા વિરોધી રસીનું ઇન્જેક્શન લગાવવાનું થાય તો તેના માટે સિરિન્જ બહારથી ખરીદવી પડે છે જેને લઈને ભાસ્કરની ટીમે રાજકોટ શહેરના અલગ અલગ 5 આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરી હતી જેમાં સ્ટાફ જ કહે છે કે ઇન્જેક્શન તો છે પણ તેની સિરિન્જ બહારથી ખરીદવી પડશે. આ સિરિન્જને ઈન્સ્યુલિન સિરિન્જ કહેવાય છે અને તે કેસ પેપર પર જ અલગથી સિરિન્જ લખી આપતા હતા. આ પર્દાફાશ બાદ તુરંત જ આરોગ્ય વિભાગ તેમજ મનપાનું તંત્ર સક્રિય થતા એક જ દિવસમાં 24000 સિરિન્જ રાજકોટને મોકલી અપાઈ છે.
રાજકોટમાં દર મહિને ડોગ બાઈટના 1000થી વધુ કેસ માત્રને માત્ર આરોગ્ય કેન્દ્રમાં નોંધાય છે તેના કરતા વધુ કેસ ખાનગી હોસ્પિટલમાં હોય છે. ડોગ બાઈટના કેસમાં ઇન્જેક્શન આપવું જરૂરી હોય છે તેના માટે આરોગ્ય કેન્દ્ર પહોંચતા સિરિન્જ બહારથી લાવવા કહેવાય છે. જેનો પર્દાફાશ થતાં જ આરોગ્ય અધિકારી ડો. જયેશ વંકાણીએ તુરંત જ તમામ મેડિકલ ઓફિસર સાથે બેઠક કરતા સ્ટોકની અછત હોવાનું સામે આવ્યું હતું આ દરમિયાન જ આ વાત ગાંધીનગર સુધી પહોંચતા સરકારી તંત્રને દવા અને સાધનો પૂરી પાડતી સરકારી કંપની GMSCLમાંથી તુરંત 24000 સિરિન્જનો જથ્થો ફાળવાયો હતો અને સાંજ સુધીમાં પહોંચી ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.