તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌ.યુનિ.નો એક્શન પ્લાન:માસ પ્રમોશન બાદ ધો.12ના વિદ્યાર્થીઓ ચિંતા છોડે, સેલ્ફ ફાયનાન્સ કોલેજો વધારો માગશે તો છૂટ અપાશે, 240 કોલેજમાં વર્ગ વધારાશે

રાજકોટ5 દિવસ પહેલા
  • એક્સટર્નલ અભ્યાસની પણ વ્યવસ્થા, કોલેજ એડમિશન ઓનલાઇન આપે તેવી સૂચના આપીશું- ઉપકુલપતિ

ધો.12માં માસ પ્રમોશન આપ્યા બાદ રાજ્યની યુનિવર્સિટીઓ એડમિશનને લઇને દુવિધામાં મૂકાઇ છે. ત્યારે આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડીકેટ મળી હતી. જેમાં એડમિશનને લઇને એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, ધો.12ને માસ પ્રમોશન આપ્યા બાદ વિદ્યાર્થીઓના એડમિશનને લઇ તૈયારી કરવામાં આવી છે. જરૂર પડ્યે સેલ્ફ ફાયનાન્સ કોલેજ વધારો માગશે તો તેને પણ છૂટ આપવામાં આવશે. 240 કોલેજમાં વર્ગ વધારવામાં આવશે.

માત્ર અભ્યાસને જ નહીં આરોગ્યની પણ ચિંતા કરી છે
ડો.વિજય દેસાણીએ વધુમાં જણાવ્યું હતું કે, માત્ર અભ્યાસને જ નહીં પણ આરોગ્યની પણ ચિંતા કરી છે. ધો.12માં 55થી 60 ટકા પરિણામ આવતું હોય તે પ્રકારે એડમિશનની વ્યવસ્થા હોય છે. પરંતુ આ વખતે વધુ પરિણામ આવશે. આ વખતે પરિસ્થિતિ સાવ અલગ જ છે. જરૂર પડે તે કોલેજમાં વર્ગની સંખ્યા વધારી દેવામાં આવશે. સરકારી કોલેજને પ્રાથમિકતા આપવામાં આવશે અને ગામડામાં કોલેજ છે ત્યાં સ્થાનિક લેવલે પણ વ્યવસ્થા વધારાશે. જેથી વિદ્યાર્થીઓએ દૂર સુધી ન આવવું પડે. કોઇ પણ ફેકલ્ટીમાં સીટ વધશે.

સૌ.યુનિ.ના ઉપકુલપતિ ડો.વિજય દેસાણી.
સૌ.યુનિ.ના ઉપકુલપતિ ડો.વિજય દેસાણી.

નવી કોલેજોને યુજીસી મુજબ ગાઇડલાઇન હશે તો મંજૂરી
નવી કોલેજોને યુજીસી પ્રમાણેની ગાઇડલાઇન હશે તો મંજૂરી આપીશું. એક્સટર્નલ અભ્યાસની પણ વ્યવસ્થા કોલેજ એડમિશન ઓનલાઇન આપે તેવી સૂચના આપીશું. તેનું પોર્ટલ ખુલશે ત્યારે તેની વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને કોરોના સંક્રમણથી બચાવી શકાય. યુનિવર્સિટીમાં પણ મોટાભાગના એડમિશન ઓનલાઇન કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ એડમિશનને લઇને ચિંતા કરવાની જરૂર નથી તેવું ડો.વિજય દેસાણીએ અંતમાં જણાવ્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું રસીકરણમાં ઉમદા કાર્ય
ગ્રામીણ વિસ્તારમાં રસીકરણ વધારવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ઉમદા કાર્ય કરી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં આવ્યું છે. શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને કોરોના રસીના પાઠ ભણાવવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ ભવનો અને કોલેજોમાં અધ્યાપકો વિદ્યાર્થીઓને રસી લેવા માટે પ્રેરશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પરિવાનજનો અને પાડોશીને પણ રસી લેવા સમજાવશે. ગ્રામીણ વિસ્તારમાં રસી અંગે રહેલી ખોટી માન્યતા દૂર કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મદદરૂપ થશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઇલ તસવીર.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઇલ તસવીર.

આ ચાર મુદ્દાનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો
1)કોલેજોમાં એડમિશન માટે વિદ્યાર્થીઓની બેઠક વધારાશે
2)ગ્રામ્ય વિસ્તારની કોલેજોમાં બેઠક વધારાશે
3)આ વર્ષે નવી કોલેજોને પણ મંજૂરી અપાશે
4)એક્સટર્નલમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય તે રીતે પ્રયત્ન કરાશે

અન્ય સમાચારો પણ છે...