‘ભાવતું હતું અને વૈદ્યે કહ્યું’:રાજકોટમાં સ્કૂલ બંધ થતા સંગીતના શિક્ષકને કોરોના દર્દીઓને મ્યુઝિક થેરાપી આપવાનો અવસર મળ્યો, લાઈવ પર્ફોમન્સ સાથે દર્દીઓ સૂર મિલાવે છે

રાજકોટ5 મહિનો પહેલા
PPE કિટ સાથે દર્દીઓને સંગીત પીરસ
  • સમરસ હોસ્ટેલમાં સંગીત સાથે દર્દીઓ તાળીઓના તાલે દર્દ ભૂલી ઝુમી ઉઠે છે
  • અટેન્ડેન્ટ તરીકે જોડાયેલા મેહુલ વાઘેલાને ગીત-સંગીત પીરસતા જોઈ મેનેજમેન્ટે કામગીરી સોંપી

હાલ કોરોનાની બીજી ઘાતક લહેર ચાલી રહી છે. ત્યારે રાજકોટની સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટરમાં દાખલ દર્દીઓ પોતાનું દર્દ ભૂલી જાય તે માટે મ્યુઝિક થેરાપી પણ પીરસવામાં આવે છે. શહેરમાં ખાનગી સ્કૂલમાં સંગીત શિક્ષક તરીકે નોકરી કરતા મેહુલ વાઘેલાને સ્કૂલ બંધ થતા સમરસ હોસ્ટેલમાં કોરોના અને મ્યુકોરમાઇકોસિસ દર્દીઓને મ્યુઝિક થેરાપી આપવાનો અવસર મળ્યો છે. મેહુલ વાઘેલાના સૂરીલા સંગીતની સાથે દર્દીઓ પણ તાલ મિલાવી પોતાનું દર્દ ભૂલી રહ્યાં છે.

પિતા સારવારમાં હતા ત્યારે ગીતો ગાય મનોરંજન પુરુ પાડતા
છેલ્લા એક મહિનાથી સમરસમાં દિવસભર ગીત-સંગીતની ધૂન વાગતી રહી છે. પહેલા કોરોનાના દર્દીઓ અને હવે મ્યુકોરમાઇકોસિસના દર્દીઓને કાઉન્સેલિંગ ટીમના સભ્ય મ્યુઝિક થેરાપી આપે છે. મેહુલની કાઉન્સેલિંગ અને સંગીતની સફર ખુબ રસપ્રદ છે. તેમના પિતાને કોરોના થતા સમરસમાં દાખલ કરાયા હતાં. મૂળ સંગીતના શિક્ષક મેહુલ પાસે કોરોનાને લઈને સ્કૂલ બંધ હોય કોઈ કામ હતું નહીં. એટલે સમરસમાં એટેન્ડન્ટ તરીકે કામ મેળવ્યું. દર્દીઓની સંભાળ દરમિયાન તેમના પિતાને તેઓ ગીત ગાઈ સંભળાવતા. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલના ધ્યાને આ વાત આવતા તેઓએ મેહુલ વિશે વધુ જાણકારી મેળવી. મેહુલની ગીત-સંગીતની સાધના જોઇને ગોહિલે તેમને કાઉન્સેલિંગ ટીમમાં સામેલ કરી સંગીત થેરાપી આપવાનું નવું કામ સોંપ્યું.

મેહુલ વાઘેલા સર્વોદય સ્કૂલમાં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
મેહુલ વાઘેલા સર્વોદય સ્કૂલમાં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

મેહુલ દર્દીઓની ફરમાઈશ પણ પુરી કરે છે
મેહુલને તો ‘ભાવતું હતું ને વૈદે કહ્યું’ જેવી સુખદ પરિસ્થિતિ ઉભી થઈ. બસ પછી તો મેહુલનું કામ રોજબરોજ દર્દીઓને તેમના મનપસંદ ગીતો ગાઈ સંભળાવવાનું, સાથે ગિટાર વગાડવાનું, દર્દીઓ પણ સૂરમાં સૂર મિલાવી, તાળીઓના તાલે ઝુમે... ને તેઓનું દર્દ ભૂલાય જાય. દર્દીઓ ભજન તેમજ ગુજરાતી અને હિન્દી ફિલ્મના ગીતોની ફરમાઈશ કરે અને મેહુલ પુરી કરે. દર્દીઓ આવે ત્યારે અને સાજા થઈ પરત ઘરે ફરે એટલે ગિટારની ધૂન પર ગાયન સંભળાવી માહોલ ખુશનુમા કરી દે. તેમની કામગીરીથી મેનેજમેન્ટ પણ ખુશ. મેહુલના આ કામમાં અન્ય સ્ટાફ નર્સ અને અટેન્ડેન્ટ પણ સાથોસાથ તેમનો ગાવાનો શોખ પુરો કરી લે.

લોકડાઉનને કારણે સ્કૂલ બંધ થઈ
મેહુલ કોરોના પૂર્વે રાષ્ટ્રીય શાળા તેમજ સર્વોદય સ્કૂલમાં સંગીત શિક્ષક તરીકે કાર્યરત હતાં. પરંતુ લોકડાઉનને કારણે સ્કૂલ બંધ થઈ જતા તેઓને સમરસમાં આ કામગીરી કરવા મળી. મેહુલ ગિટાર ઉપરાંત હાર્મોનિયમ, કી-બોર્ડ અને તબલા પણ વગાડી જાણે. તબલામાં 4 વર્ષનો કોર્સ કરેલો છે અને લાઈવ પર્ફોમન્સ આપે ત્યારે 3 કલાક જેટલો સમય ગીતો ગાઈ શકે છે તેમ મેહુલ જણાવે છે. તેના ફેવરિટ સિંગર સોનુ નિગમ છે જ્યારે ભજનોમાં શ્રીનાથજી સહિત અનેક ભજનો તેઓ ગાઈ શકે છે.

દર્દીઓ પણ મેહુલના સંગીતના તાલ સાથે તાલ મિલાવે છે.
દર્દીઓ પણ મેહુલના સંગીતના તાલ સાથે તાલ મિલાવે છે.

PPE કિટ સાથે મ્યુઝીક થેરાપી આપે છે
PPE કિટ અને માસ્ક પહેરી પહેલા તો ગીત ગાવામાં અને ગિટાર વગાડવું ફાવતું નહીં, પરંતુ ધીરે ધીરે ફાવી ગયું અને હવે કોઈ જ મુશ્કેલી વગર શાનદાર પર્ફોમન્સ મેહુલ આપી શકે છે. સમરસ કોવિડ સેન્ટર ખાતે આવનારા દિવસોમાં દર્દીઓ રહે કે ના રહે પણ સમરસમાં મેહુલના ગીતની ધૂન ગુંજતી રહેશે.

અન્ય સમાચારો પણ છે...