શાળા સંચાલકોની રજૂઆત:ધો.12ના વિદ્યાર્થીને પરીક્ષા પહેલા વેક્સિન આપો, જેથી બાળકો ડર વિના પરીક્ષા આપી શકશે

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

સરકારે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના 1,40,000 વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહના 5,43,000 જેટલા વિદ્યાર્થીઓની બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ 1 જુલાઇથી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ સંદર્ભે, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા માગણી કરવામાં આવી છે કે, ધોરણ 12ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના કુલ 6,83,000 વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તેમની પરીક્ષા પહેલા જો કોરોના રસીનો એક ડોઝ આપી દેવામાં આવે તો તેઓ પરીક્ષા સમયે વધુ આત્મવિશ્વાસ સાથે અને નિર્ભય થઈને પરીક્ષાઓ આપી શકશે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતાએ જણાવ્યું હતું કે, વેક્સિન આપવાથી વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષાઓ આપી શકશે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ આમ પણ 18 વર્ષની ઉંમરના હોય છે અને થોડા વિદ્યાર્થીઓને જો 18 વર્ષ પૂરા થવામાં હોય તો તેમને સ્પેશિયલ કેસમાં પરવાનગી આપી શકાય છે. આમ પણ આગામી મહિનાઓમાં સરકાર 18 વર્ષથી નીચેની વયના બાળકોને વેક્સિન આપવાનું વિચારી રહી છે. જે રીતે પરીક્ષાઓ શરૂ થવાને હજુ એક મહિનો અને થોડા દિવસો બાકી છે, તો આ વિદ્યાર્થીઓ માટે અલગ વ્યવસ્થા ઊભી કરીને રસી આપવામાં આવે તો પરીક્ષાઓ પહેલા તેમને રક્ષા કવચ મળી રહેશે. આ બાબતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી અને શિક્ષણ વિભાગને રજૂઆત કરવામાં આવી છે.

નોંધનીય છે કે, કોરોનાનું સંક્રમણ હાલ ઘટ્યું છે પરંતુ પરીક્ષામાં વિદ્યાર્થીઓ ભેગા થવાના હોવાથી તેમને રસી આપવામાં આવે તેવી વાલીઓએ પણ માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...