આયોજન:ગિરનાર પરિક્રમામાં લાઈટિંગનો ઝગમગાટ હશે, શેવાળ ઉપર માટીનું બુરાણ કરી દેવાયું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના બાદ પહેલી પરિક્રમાનો 4 નવેમ્બરથી પ્રારંભ થશે: સાધુ-સંતો અને વહીવટી તંત્રએ રૂટનું નિરીક્ષણ કર્યું

બે વર્ષ કોરોના મહામારીના કારણે ગિરનાર પરિક્રમાનું આયોજન શક્ય બન્યું ન હતું. ત્યારે આ વર્ષે હવે જ્યારે કોરોના કાબૂમાં છે ત્યારે આ ગિરનાર પરિક્રમાનો તારીખ 4 નવેમ્બરને દેવદિવાળીના દિવસથી વિધિવત પ્રારંભ કરવામાં આવશે અને 8 નવેમ્બરના રોજ આ પરિક્રમા પૂર્ણ થશે.

ગિરનારની ભાવપૂર્વક પરિક્રમા માટે ઊમટતાં ભાવિકોને જરૂરી મૂળભૂત સુવિધાઓ મળી રહે અને શ્રદ્ધાળુઓને અગવડતા ન પડે તે માટે શનિવારે સાધુ-સંતો અને વહીવટી તંત્રના લોકોએ પરિક્રમાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. બે વર્ષ બાદ યોજાતી લીલી પરિક્રમામાં આ વર્ષે લાઈટિંગનો ઝગમગાટ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત વહેતા પાણીને કારણે જ્યાં જ્યાં પરિક્રમાના રૂટ ઉપર શેવાળ જામી ગયો હતો ત્યાં ભાવિકોને મુશ્કેલી ન પડે તે માટે માટીનું બુરાણ કરાયું હતું.

શનિવારે પરિક્રમાના રૂટનું નિરીક્ષણ સાધુ-સંતો દ્વારા કરવામાં આવ્યું. જેમાં હરિગીરી મહારાજ, ઇન્દ્રભારતીબાપુ, મહેન્દ્રાનંદજી, શૈલજા માતાજી અને અન્ય સંતો અને વહીવટી તંત્રના માણસો સાથે હતા. વહીવટી તંત્રએ સાધુ સમાજને જેવી વ્યવસ્થા પરિક્રમા દરમિયાન જોઈએ છે તેવી વ્યવસ્થા કરી છે અને હજુ થોડી બાકી છે તે પણ થોડા દિવસોમાં પૂર્ણ થશે. સંતોએ પરિક્રમા કરવા આવનાર ભાવિકોને સંદેશ આપ્યો હતો કે વન અભયારણ્યની અંદર કોઈપણ જાતનું પ્લાસ્ટિક પ્રદૂષણ લોકો ન ફેલાવે અને વનમાં રહેલા જીવ-જનાવરને હેરાનગતિ ન કરે. ગિરનાર પરિક્રમા દરમિયાન ઠેર ઠેર અન્નક્ષેત્રો પણ ધમધમશે, સાધુ-સંતો દ્વારા પણ અન્નક્ષેત્રો સહિતની વ્યવસ્થા કરી છે.

ગરવા ગિરનારની પરિક્રમાના પ્રારંભના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગીર અભયારણ્ય વિસ્તારમાં યોજાતી આ પરિક્રમાની તૈયારીઓ વનવિભાગ દ્વારા અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ડોક્ટરોની ટીમ પણ પોતાની ફરજ બજાવશે. યાત્રિકોની પરિક્રમા સુવિધાજનક રહે તે માટે ગિરનાર પરિક્રમાના કુલ 36 કિ.મી. ના રૂટનું જરૂરિયાત મુજબ મરામત કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...