શહેરના ગંજીવાડા-24માં રહેતી ચંદ્રિકા રવિભાઇ વાળા નામની પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, 19 દિવસ પહેલા જ તેને દીકરીને જન્મ આપ્યો છે. દરમિયાન શુક્રવારે રાતે પતિ, નણંદ સાથે દીકરીને રમાડતા હતા. ત્યારે દસેક વાગ્યાના અરસામાં અમારી જ શેરીમાં રહેતો અજય બચુ વાળા અને તેની સાથેનો એક શખ્સ ઘરનો દરવાજો જોરજોરથી ખખડાવી બૂમો પાડી ગાળો બોલતો હતો. જેથી પોતે પતિ સાથે ઘરની બહાર આવી અજયને કેમ ગાળો બોલે છે તેમ કહ્યું હતું. હજુ તેને ગાળો બોલવાની ના પાડતી હતી. તે જ સમયે અજયે પોતાનો હાથ પકડી, ચાલ મારા બાઇકમાં બેસી જા મારી ઘરે આવી જા તેમ કહીને બીભત્સ વર્તન કરી છેડતી કરી હતી.
જેથી પોતે અજયનો પ્રતિકાર કરી હાથ છોડાવી ઘરમાં જતી રહી હતી. રાત્રીના સમયે દેકારો મચી જતા સાસુ-સસરા પણ ઊઠી ગયા હતા. તેઓ બહાર આવતા અજય સાથે આવેલો શખ્સ તેમને બધાને ગાળો ભાંડતો હતો. બાદમાં અજયે તેની પાસે રહેલી છરી સાથે પોતાની નજીક આવી તારો પતિ મારું કાંઇ બગાડી નહિ લે, એને હું જોઇ લઇશ, મને કાંઇ કહેશે તો તેને જાનથી મારી નાખીશની ધમકી આપી હતી.
શેરીમાં અજયની માથાભારેની છાપ હોય પરિવારજનો તુરંત ઘરમાં જતા રહ્યા હતા અને પોલીસને ફોન કરી દીધો હતો. પોલીસ વાન આવતાની સાથે જ અજય તેના સાગરીત સાથે નાસી ગયો હતો. બાદમાં થોરાળા પોલીસ મથકે જઇ અજય સહિત બે શખ્સ સામે છેડતીની અને પતિને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.