રાજકોટમાં વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા વચ્ચે મહાનગરપાલિકામાં આજે જનરલ બોર્ડની બેઠક અને સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી હતી. જોકે આ બંને બેઠક માત્ર ઔપચારિકતા પૂરતી જ મળી હતી. અને 4 મિનિટમાં તમામ કામગીરી આટોપી લેવાઈ હતી. હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા અમલમાં હોવાના કારણે બોર્ડ કે સ્ટેન્ડિંગમાં એકપણ દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવ્યો ન હતો.
12 દરખાસ્ત રજૂ કરવામાં આવી
આજના બોર્ડ અને બેઠકમાં માત્ર વંદે માતરમ્ ગાન પૂરતું સીમિત રહ્યું હતું. દર મહિને નિયમ મુજબ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવી પડે છે. હાલ સમય મર્યાદા પૂર્ણ થવામાં હોય જેથી આજે સવારે 11 કલાકે કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની એક બેઠક મળી હતી. જેમાં મંજૂરી અર્થે અલગ-અલગ 12 દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. બોર્ડ બેઠક પૂર્ણ થતાંની સાથે જ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં મંજૂરી અર્થે 11 દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.. જેમાં સોલિડ મેનેજમેન્ટ પ્રોજેક્ટ તથા નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટ્રલ સર્વિસીસ એન્ડ કોર્પોરેટેડની કામગીરી માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવા, જીમ માટે સાધનોની ખરીદ કરવા, વંદે ગુજરાત યાત્રામાં થયેલા ખર્ચને બહાલી આપવા, આધાર કાર્ડ નોંધણી માટે નવી 14 નંગ કિટ ખરીદવા સહિતની 11 દરખાસ્ત રજૂ કરાઇ છે. જે તમામ પેન્ડિંગ રાખવામાં આવી હતી.
આજે રીપોર્ટ મોકલ્યો હતો
આજની સભામાં ભાજપના 68 પૈકી 9 કોર્પોરેટર ગેરહાજર રહ્યા હતા. તેમના રજા રિપોર્ટ આવ્યા હતા. જેમાં રાજકોટ-69ના ઉમેદવાર ડો.દર્શિતાબેન શાહ અને રાજકોટ-71ના ભાનુબેન બાબરીયા પણ સામેલ હતા. બંને ઉમેદવારો પોતાના મતક્ષેત્રમાં હોવાના કારણે આજે રીપોર્ટ મોકલ્યો હતો. આ ઉપરાંત સભામાં રજા મુકનાર અન્ય સભ્યોમાં શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા, દુર્ગાબા જાડેજા, હિરેનભાઇ ખીમાણીયા, ડો. અલ્પેશ મોરજરીયા, ડો. હાર્દિક ગોહેલ, વર્ષાબેન પાંધી, ભારતીબેન પરસાણાનો સમાવેશ થાય છે.
જનરલ બોર્ડ 3 મિનિટમાં જ પૂર્ણ
તો કોંગ્રેસના વોર્ડ નં. 15ના કોર્પોરેટર મકબુલભાઇ દાઉદાણી ગેરહાજર હતા. કોંગ્રેસ છોડી આપમાં જોડાયેલા બંને કોર્પોરેટર વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઇને સરકારે ગેરલાયક જાહેર કર્યા હોય, તેથી 72ના બદલે 70 કોર્પોરેટરનું સંખ્યાબળ દર્શાવીને જ રોજકામ કરવામાં આવ્યું હતું. 11 વાગ્યે મળેલું જનરલ બોર્ડ 3 મિનિટમાં જ પુરૂ થઇ ગયું હતું. આ બાદ 12 વાગ્યે ચેરમેન પુષ્કર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટે.કમીટીની બેઠક મળી હતી.
..ત્યારે વહીવટ શરૂ થશે
જેમાં પણ એક મિનિટમાં જ તમામ દરખાસ્તો પેન્ડીંગ જાહેર કરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. એજન્ડા પર રહેલી 11 દરખાસ્તો અંગે હવે આગામી બેઠકમાં નિર્ણય કરવામાં આવશે. એટલે કે તા.8ના રોજ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવે, આચારસંહિતા ઉઠે તે બાદ તુરંત મિટીંગ બોલાવી રાબેતા મુજબ દરખાસ્તો મંજૂર કરવાનું શરૂ કરાશે. હાલ તો એક મહિનાનો ઇન્ટરવલ રોજિંદા વહીવટીમાં પડી ગયો છે. જનરલ બોર્ડની જેમ જ સ્ટે.કમીટીમાં પણ બેક સભ્યો ગેરહાજર રહ્યા હતા. હવે આચારસંહિતા બાદ કોર્પોરેટરો રાબેતા મુજબ મનપાએ આવે ત્યારે વહીવટ શરૂ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.