રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે સવારે 11:30 વાગ્યે શરૂ થઈ હતી. આચારસંહિતા લાગુ પડે તે પહેલા ફટાફટ સાત મિનિટમાં સામાન્ય સભામાં નિર્ણયો લેવાયા હતા પ્રશ્નોત્તરીના પ્રથમ એક કલાકના સમયગાળામાં માત્ર ચાર પ્રશ્નો રજૂ થયા હતા અને તેમાંથી માત્ર એક પ્રશ્ન બે મિનિટ માટે ચર્ચામાં લેવાયો હતો. મોરબીના મૃતકોને શ્રદ્ધાંજલિ સહિતના ઠરાવો ગણતરીની મિનિટોમાં જ પસાર કરી દેવાયા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર ગાંધીનગર ખાતે મિટીંગમાં ગયા હોવાથી ઉપપ્રમુખ સવિતાબેન વાસાણીના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી અને તેનું સંચાલન સિનિયર સભ્યો દ્વારા પી.જી. કીયાડા દ્વારા કરવામાં આવ્યું હતું.
રૂ.10 કરોડના વિકાસ કાર્યોની બહાલી આપી
આ અંગે જનરલ બોર્ડના સભ્ય જે.પી.યાદવે મીડિયાને જણાવ્યું હતું કે, સામાન્ય રીતે 90 દિવસની અંદર સામાન્ય સભાનું આયોજન કરવામાં આવે છે પરંતુ ચૂંટણીની આચાર સંહિતા લાગવાના કારણે હવે 90 દિવસનો અંત થાય એ પૂર્વેદ આજે સામાન્ય સભાનું આયોજન કર્યું છે આજે વિવિધ સમિતિઓના ઠરાવ મંજૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી આ ઉપરાંત ગતબોર્ ની અંદર જે ઠરાવને અમે મંજૂર કર્યા હતા તેને આજે બહાલી આપવાની કામગીરી કરવામાં આવી હતી. આજે અમે કુલ રૂ.10 કરોડના વિકાસ કાર્યોની બહાલી આપી છે.
કોંગ્રેસી સભ્યો ગેરહાજર
સામાન્ય સભાનો એજન્ડા મોડો મળ્યો હોવાના મામલે વિપક્ષી નેતા અર્જુન ખાટરીયાએ ગઈકાલે જ તડાપીટ બોલાવી હતી. શાસકોએ ઈરાદાપૂર્વક એજન્ડા મોડો મોકલાવ્યાનો અને તે પાછળ કોઈ છુપો એજન્ડા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે કોંગ્રેસે સામાન્ય સભાનો બહિષ્કાર કર્યો હતો અને વિપક્ષી નેતા સહિતના કોઈ કોંગ્રેસી સભ્યો ઉપસ્થિત થયા ન હતા. વિપક્ષની ગેરહાજરી વચ્ચે સામાન્ય સભાની કાર્યવાહી ગણતરીની મિનીટોમાં આટોપી લેવામાં આવી હતી. મોરબીનો ઝુલતા પુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.એજન્ડામાં કોઈ મહત્વની દરખાસ્તો ન હોવાથી અને પ્રશ્ર્નો પણ હાથ પર લેવામાં આવ્યા ન હોવાથી કાર્યવાહી મિનીટોમાં જ પૂર્ણ થઈ હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.