ગૌધનમાંથી જ ઉદ્યોગ ઊભો કર્યો:ગોંડલના આ ગામની ગૌશાળાનું વર્ષે 4 કરોડનું ટર્નઓવર, 170 પ્રોડક્ટની 123 દેશમાં નિકાસ, 1 કિલો ઘીનો ભાવ 7 હજારથી 50 હજાર!

રાજકોટ20 દિવસ પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • શહેર છોડી કોમ્પ્યુટર એન્જિનિયરો ગામડે નોકરી કરે છે
  • 100નો સ્ટાફ, 6 હજારથી રૂ.1.80 લાખનો પગાર ચૂકવે છે

આપણે ત્યાં એવી માન્યતા છે કે જો પૈસાદાર બનવું હોય તો શહેરમાં જવું પડે અને મોટા ઉદ્યોગો સ્થાપી ધનવાન બની શકાય. જોકે આ માન્યતાને ખોટી પાડી છે ગોંડલ નજીક આવેલા વોરાકોટડા ગામની ખાનગી ગૌશાળાએ. રમેશભાઈ રૂપારેલિયા 150 ગીર ગાય સાથે ગૌશાળા ચલાવી રહ્યા છે. આ ગાયના પંચગવ્યમાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવી ગૌશાળાએ આશરે ચાર કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર હાંસલ કર્યું છે. અહીં ઘીનો ભાવ સાંભળી ચક્કર આવી જાય, કારણ કે એક કિલોનો ભાવ 7000થી લઈને 50,000 હજાર રૂપિયા સુધીનો છે. આ ગૌશાળામાં બનતી 170 પ્રોડક્ટ 123 દેશમાં નિકાસ થાય છે.

ગાયને આવકનું સર્વશ્રેષ્ઠ સાધન બનાવ્યું
ગૌશાળાના માલિક રમેશ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે ગાયનું નામ પડે એટલે ધાર્મિક વાતો યાદ આવે. ગાયને હંમેશાં ધાર્મિક દૃષ્ટિએ જોવામાં આવે છે, પરંતુ ગાય એ આવકનું પણ સર્વશ્રેષ્ઠ સાધન છે. જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો નાના ઉદ્યોગને પણ પાછળ રાખી દે એટલી આવક ગાયો થકી થઇ શકે છે. આ વાત અમે સાબિત કરી બતાવી છે. દેખાવમાં જૂના જમાનાની યાદ અપાવતી ગૌશાળા વાસ્તવિકતામાં આજના ઉદ્યોગોને પણ આવકમાં પાછળ રાખી દે છે. ગત નાણાકીય વર્ષમાં આ ગૌશાળાએ ચાર કરોડ રૂપિયાનું ટર્નઓવર હાંસલ કર્યું છે.

6 હજારથી 1,80,000 રૂપિયાના પગારદાર રાખ્યા
રમેશભાઈએ જણાવ્યું હતું કે આપણે ત્યાં ઉદ્યોગમાં બનતી વસ્તુઓ વિદેશમાં નિકાસ થાય છે એ તો આપણે સાંભળ્યું છે, પરંતુ ગૌશાળામાં બનતી વસ્તુઓ વિદેશમાં નિકાસ થાય છે એ વાત સાંભળીને તમને પણ નવાઈ ચોક્કસ લાગશે. અમેરિકા, યુકે, ન્યૂઝીલેન્ડ, ઓમાન, UAE, અરબ સહિતના દેશોમાં અહીં બનતી વસ્તુઓની નિકાસ થાય છે. બીજી નવાઈની વાત એ છે કે આ ગૌશાળામાં કોમ્પ્યુટર એન્જિનિયરથી લઈને 20 જેટલા કોમ્પ્યુટર ઓપરેટર ગૌશાળામાં નોકરી કરે છે. અહી 100 જેટલા લોકો નોકરી કરે છે, જેમાં 6 હજારથી લઈને 1,80,000 રૂપિયાના પગારદાર નોકરી કરે છે.

ગુજરાતભરમાંથી લોકો અહીંની એક્ટિવિટી શીખવા આવે છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અહીંની એક્ટિવિટી શીખવા અને ગાયમાંથી સારી રીતે આવક કેવી રીતે કરી શકાય એની માહિતી લેવા ગુજરાતભરમાંથી લોકો આવે છે. આ એક ગાય માતાનો ચમત્કાર છે. ગાય આધારિત ખેતી અને એનાં પંચગવ્યનો ઉપયોગ કરી એક કંપનીના રૂપમાં કોર્પોરેટ રીતે અપનાવવામાં આવે તો દેશની ઇકોનોમીમાં વધારો થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...