તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરપુર જલારામમય:જલારામ મંદિરના દ્વાર 65 દિવસ બાદ ફરી ખુલ્યાં, દર્શન માટે ભાવિકોની લાંબી લાઇન લાગી, હાલ અન્નક્ષેત્ર બંધ

રાજકોટ3 મહિનો પહેલા
જલારામબાપાના દર્શન કરવા લોકોની લાંબી કતાર.
  • સવાર-સાંજની આરતીમાં કોઈ દર્શનાર્થીને પ્રવેશ આપવામાં આવશે નહિ

‘દેને કો ટુકડા ભલા લેને કો હરી કા નામ’ સૂત્રને જીવનમંત્ર બનાવનાર પૂજ્ય સંત જલારામબાપાની જગ્યા કોરોનાની બીજી લહેરને લઈને વધુ સંક્રમણ ન ફેલાય તે માટે 11 એપ્રિલના રોજ જગ્યાના ગાદીપતિ રઘુરામ બાપા દ્વારા દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવી હતી. પરંતુ કોરોના સંક્રમણનું પ્રમાણ ઓછું થતા સરકાર દ્વારા 11 જૂનથી સમગ્ર રાજ્યના ધાર્મિક સ્થળોને ખોલવાના નિર્ણયને લઈને બંધ કરવામાં આવેલા જલારામબાપાના મંદિરના આજથી મંગલ દ્વાર 65 દિવસ બાદ ફરી દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. આજે મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા છે. હાલ અન્નક્ષેત્ર બંધ રાખવામાં આવ્યું છે.

સરકારની ગાઈડલાઈન પ્રમાણે મંદિરમાં વ્યવસ્થા કરાઇ
આજ સવારથી પૂજ્ય જલારામ બાપાની જગ્યાના મંગલ દ્વાર ખુલતા જ બાપાના દર્શન કરવા માટે બહોળી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. પૂજ્ય જલારામ બાપાના દર્શન માટે સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરી સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટેશનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક દર્શનાર્થીઓને સૌ પ્રથમ વીરપુરમાં આવેલ માનકેશ્વર મંદિરની બાજુમાં રજિસ્ટ્રેશન કાર્યાલયેથી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી ટોકન મેળવીને સેનિટાઈઝ ચેમ્બરમાં સેનેટાઇઝ થયા બાદ જ જગ્યામાં પ્રવેશ મળી રહ્યો છે. ઉપરાંત મોઢા પર માસ્ક બાંધવું પણ ફરજીયાત કરવામાં આવ્યું છે.

દર્શન કરવા ભાવિકો ઉમટ્યા.
દર્શન કરવા ભાવિકો ઉમટ્યા.

ભાવિકો માટે હાલ અન્નક્ષેત્ર બંધ
દર્શનનો સમય સવારે 7થી બપોરના 1 વાગ્યા સુધી અને ત્યારબાદ બપોરના 1થી 3 વાગ્યા સુધી વિરામ રાખવામાં આવ્યો છે. બપોર પછી 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી દર્શનાર્થીઓ દર્શન કરી શકશે. તેમજ સવાર-સાંજની આરતીમાં કોઈ દર્શનર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહિ. ભાવિકો માટે હાલ અન્નક્ષેત્ર બંધ રહેશે. વીરપુર આવતા ભાવિકો સરકારી નિયમોને આધિન આજથી પૂજ્ય જલારામ બાપાના દર્શન કરી રહ્યા છે.

વિરપુરની બજારોમાં ફરી રોનક દેખાઇ.
વિરપુરની બજારોમાં ફરી રોનક દેખાઇ.

ખોડલધામ મંદિર 11 જૂને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું
કોરોનાની બીજી લહેરમાં વધેલા કેસને ધ્યાને લઈને સંક્રમણ ન ફેલાય તે માટે છેલ્લા બે મહિનાથી સમગ્ર રાજ્યના ધાર્મિક સ્થળો તેમજ મંદિરો બંધ રાખવામાં આવ્યા હતા. ત્યારે હવે કોરોનાની બીજી લહેર ઓછી થતા રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક સ્થાનકોને કોરોનાની ગાઈડલાઈન મુજબ અમુક છૂટછાટ સાથે દર્શનાર્થીઓ માટે ખોલવાની છૂટ આપવામાં આવી છે. જેના કારણે સમસ્ત લેઉઆ પટેલ સમાજનું આસ્થાનું કેન્દ્ર ખોડલધામ મંદિર 11 જૂનથી ભાવિકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. 11 જૂને પ્રથમ દિવસે સરકારની સોશિયલ ડિસ્ટન્સની ગાઈડલાઈન સાથે મંદિર ખોલતા જ ભાવિકોનો જન સમૂહ માતાના દર્શન માટે ઉમટી પડ્યો હતો.

(દિપક મોરબીયા, વિરપુર)