• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Garbage Dumped Daily In Nakrawadi Is Processed For Free, But For The Old 6 Lakh Tonnes, The Municipal Corporation Will Spend 19 Crores.

ભોગવવી પડી ભૂલ:નાકરાવાડીમાં રોજ ઠલવાતો કચરો મફતમાં પ્રોસેસ થાય છે, પણ જૂના 6 લાખ ટન માટે મનપા 19 કરોડ ખર્ચશે

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કચરાના પહાડોને લઈને સ્વચ્છતા સર્વેક્ષણ અને વિવિધ એજન્સીઓની ટીકા બાદ મનપા જાગી, સ્ટેન્ડિંગમાં ખર્ચ મંજૂર
  • 19 કરોડમાં શહેરમાં નવા 15 બગીચા બને અથવા તો વિશાળ કદનો વાતાનુકૂલિત કોમ્યુનિટી હોલ બને જે આજની જરૂરિયાત છે

રાજકોટ મહાનગરપાલિકાના પુરોગામી અધિકારીઓ અને પદાધિકારીઓની કચરો ભેગો કરવાની એક ભૂલ હવે 19.38 કરોડ રૂપિયામાં પડવાની છે અને તે માટે ટેન્ડરને મંજૂરી પણ અપાઈ ગઈ છે. ટૂંક સમયમાં નાકરાવાડીમાં કામ ચાલુ થશે અને હાલ જે કચરાના નિકાલની પ્રક્રિયા મફતમાં થઈ રહી છે તે માટે ટન દીઠ 363 રૂપિયા ચૂકવવાના થશે. રાજકોટ શહેરમાં દરરોજ સરેરાશ 300 ટન કચરો નીકળે છે. ટીપરવાન મારફત આ કચરો ગાર્બેજ કલેક્શન સેન્ટર અને ત્યાંથી નાકરાવાડી ડમ્પિંગ યાર્ડમાં મોકલાય છે.

કચરો ત્યાં પહોંચ્યા બાદ તેને પ્રોસેસ કરાય છે જેમાં ભીનો કચરો જેવા કે કાગળ, ફળ, શાકભાજી જેવા કાચા અને રંધાયેલા ખોરાક કે જેનું ખાતર થઈ શકે છે તેને અલગ કરાય છે. આ સિવાયનો એવો કચરો જેમ કે પ્લાસ્ટિક, થર્મોકોલ, લાકડાં સહિતને પણ અલગ રખાય છે. ભીના કચરાનું ખાતર બનાવવા પ્રોસેસ કરાય છે જ્યારે તે સિવાયના કચરાના રોજેરોજ ટ્રક ભરાય છે અને તે જામનગર સ્થિત પાવર પ્લાન્ટમાં જાય છે અહીં કચરાને સળગાવીને વીજ ઉત્પાદન થાય છે. આ પ્રક્રિયા રોજ થાય છે અને રોજેરોજના કચરાનો નિકાલ થાય છે તેમજ તે માટે મનપાને એક રૂપિયાનો ખર્ચ નથી અને આવક પણ નથી. મફતમાં કચરાનો નિકાલ થઈ રહ્યો છે.

હાલ આશરે 6 લાખ ટન જેટલો કચરો ભેગો થયો
આ રીતે મનપાની આ કામગીરી સારી દેખાય પણ આમ છતાં નાકરાવાડીમાં કચરાના પહાડ યથાવત્ જ છે. કારણ કે વર્ષો પહેલા આવી કોઇ કચરાના નિકાલની પદ્ધતિ જ નહિ હોવાથી અધિકારીઓ અને પદાધિકારીઓ નાકરાવાડીમાં કચરાને ફેંકવાને જ નિકાલ ગણતા હતા અને ગંભીરતા ન દાખવતા હાલ ત્યાં આશરે 6 લાખ ટન જેટલો કચરો ભેગો થયો છે. વર્ષો જૂના આ કચરાને પ્રોસેસ કરવા હાલની એજન્સી તૈયાર નથી કારણ કે તેમાં ખોદવું પડે તેમજ માટી અલગ કરવી પડે. આ કારણે કચરાના પહાડ તેમના તેમ જ છે.

જૂના તમામ કચરાને પ્રોસેસ કરવા માટે ટેન્ડર કરાયા હતા ​​​​​​​
આ કચરાને કારણે ભૂતકાળમાં મનપાને સ્વચ્છતા સર્વેક્ષણમાં તો પછડાટ મળી જ હતી સાથે સાથે પર્યાવરણની જાળવણી કરતી વિવિધ એજન્સીઓ તરફથી પણ અનેકવાર ફિટકાર આવી છે. આ બધી ફિટકાર વચ્ચે આખરે કચરો નિકાલ કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ મુકાયો છે. જે મુજબ જૂના તમામ કચરાને પ્રોસેસ કરવા માટે ટેન્ડર કરાયા હતા અને તે બદલ જે ભાવ આવ્યા તે 351 પ્રતિ ટન જેટલા ઉંચા હતા.

મનપાને 19.38 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો ​​​​​​​
જે પૈકી એક એજન્સીએ 323 રૂપિયા ભાવ ભરતા તેને કોન્ટ્રાક્ટ અપાયો હતો અને બીજી એજન્સીને પણ આ જ ભાવમાં કામ કરવા તૈયાર કરતા હવે બંને એજન્સી કામ કરશે જેથી સરવાળે ઝડપથી કામ આગળ વધશે પણ આ માટે મનપાને 19.38 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આટલા ખર્ચમાં રાજકોટ શહેરમાં મધ્યમ આકારના 15 ગાર્ડન બની શકે અથવા તો નવો કોમ્યુનિટી હોલ પણ બની શકે જે આજના સમયની તાતી જરૂરિયાત છે. પણ, જૂની બેદરકારીનું હવે ભોગવવાનું થતા મનપાની તિજોરી પર ભારે ખર્ચ આવશે.

જેટકોને જમીન વેચશે, વોર્ડ નં.1માં કોમ્યુનિટી હોલ બનશે
​​​​​​​મનપા પાસે વાણિજ્ય હેતુના ઘણા પ્લોટ છે અને આવક માટે આ પ્લોટ વેચવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી પણ સરકારમાંથી રૂકજાઓનો આદેશ આવ્યો હતો. હાલ ખાનગી પાર્ટીઓને જમીન વેચાણ પર લગામ આવી છે પણ જેટકોએ મનપા પાસે સબ સ્ટેશન બનાવવા જમીન માગતા મનપાને આવક મળવાની આશા જાગી હતી. પણ જેટકોએ તક જોઈને જમીનનો બજાર ભાવ આપવાને બદલે 50 ટકા જ રકમ આપશે તેવું કહ્યું હતું. જોકે મનપાએ તે આવક પણ જતી ન કરતા વેચવા માટે નક્કી કર્યું હતું. આ રીતે 4 પ્લોટ વેચીને 73.81 કરોડની આવક થશે. બીજી તરફ વોર્ડ નં. 1માં સંતોષ પાર્ક મેઈન રોડ પર 12 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ બનશે. આ સિવાય કચરાના નિકાલ માટે વાહનો અને મશીનરી માટે 22 કરોડનો ખર્ચ થશે. જ્યારે વિવિધ રસ્તા બનાવવા 14.57 કરોડ ખર્ચાશે.

19મીએ મનપાનું જનરલ બોર્ડ; રિક્રૂટમેન્ટ રૂલ્સના પરિવર્તનને મળશે આખરી મંજૂરી
રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ 19મીએ સવારે 11 કલાકે મળનાર છે. આ બોર્ડમાં વિવિધ 17 દરખાસ્ત લેવામાં આવી છે જે પૈકી 5 દરખાસ્ત રિક્રૂટમેન્ટ રૂલ્સમાં વિવિધ પરિવર્તન કરવાની છે જેથી ભરતી અને હાલના સેટઅપમાં પ્રમોશન સહિતના નિયમોમાં બદલાવ આવશે. ઓક્ટોબર મહિનામાં મળેલી સ્ટેન્ડિંગમાં અલગ અલગ 4 સુધારા સ્ટેન્ડિંગમાં મુકાયા હતા ત્યારબાદ મંગળવારે મળેલી બેઠકમાં વધુ એક સુધારો નાખીને તે જ દિવસે જનરલ બોર્ડનો એજન્ડા કાઢી તમામ સુધારા આવરી લેવાયા છે. હજુ પણ વધુ સુધારા થવાના છે તે માટે આગામી સ્ટેન્ડિંગમાં તબક્કાવાર ઠરાવ મુકાશે.

અન્ય સમાચારો પણ છે...