નવરાત્રીનું બજેટ ખોરવાયું:ગરબાના સિઝન પાસમાં 10થી 25%નો વધારો થઇ શકે છે, ખેલૈયાઓએ કહ્યું, GSTથી બચવા ડેઈલી પાસ લઇશું

રાજકોટ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેટ્રોલ-ડીઝલ ભાવ, ટ્રાન્સપોર્ટેશન, મંડપ-ડેકોરેશન સહિતની વસ્તુઓ મોંઘી થવાથી આયોજકો આ વર્ષે ભાવવધારો કરશે

કોરોના મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે પહેલી વખત અર્વાચીન નવરાત્રીનું આયોજન થવાનું છે ત્યારે ખેલૈયાઓમાં મન ભરીને ગરબા રમવાનો ઉત્સાહ હતો પરંતુ તાજેતરમાં જ સરકારે ગરબાના પાસ ઉપર પણ જીએસટી લગાવી દેતા રાજ્યભરમાં વિરોધના ગરબા થઇ રહ્યા છે એવામાં રાજકોટના કેટલાક ગરબા આયોજકો સાથે વાત કરતા જાણવા મળ્યું કે, બે વર્ષથી નવરાત્રીના આયોજનો થયા નથી આ બે વર્ષમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું, મંડળ-ડેકોરેશન સહિતની વસ્તુઓ પણ મોંઘી થવાને કારણે આ વર્ષે ગરબાના પાસની કિંમતમાં પણ વધારો કરવો પડે તેવી સ્થિતિ છે.

આયોજકોની થયેલી પ્રાથમિક બેઠકમાં આ વર્ષે ગરબાના સિઝન પાસમાં ઓછામાં ઓછો 10% અને વધુમાં વધું 25% ભાવવધારો થઇ શકે છે. ખેલૈયાઓ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, સરકાર જો જીએસટીનો નિર્ણય પાછો નહીં ખેંચે તો અમે સિઝન પાસને બદલે ડેઈલી પાસ લઈશું, ભલે સપ્તાહમાં 4-5 દિવસ જ જવા મળે. ગરબા ગુજરાતની સંસ્કૃતિ છે અને લોકોની આસ્થા ગરબા સાથે જોડાયેલી છે.

GSTનું હજુ નક્કી નથી
કોરોના પહેલા જે સ્થિતિ હતી તેવી સ્થિતિ આજે નથી. પેટ્રોલથી લઈને ગરબા આયોજન માટે જેટલી વસ્તુઓની જરૂર પડે છે તે મોટાભાગની વસ્તુઓમાં ભાવવધારો થઇ ગયો છે તેથી કોરોના પહેલા જે કિંમતે પાસ મળતા હતા તે કિંમતે હવે શક્ય નથી તેથી પાસની કિંમતમાં વધારો કરવો પડે તેવી સ્થિતિ છે પરંતુ જીએસટી અંગે હજુ ફાઈનલ નથી કર્યું, નિર્ણય પાછો ખેંચાય તો નહીં લઈએ નહીંતર લઈશું. - ધૈર્ય પારેખ, સહિયર ગ્રૂપ

ગરબા પાસ અને નવરાત્રી ડ્રેસમાં ભાવવધારો થશે તો બજેટ ખોરવાશે
નવરાત્રી માટેનું એક નક્કી કરેલું બજેટ હોય છે. આ વર્ષે ગરબાના પાસ, નવરાત્રીના ડ્રેસ સહિતની વસ્તુઓ મોંઘી થઇ છે. દરેક વસ્તુમાં ભાવ તો વધ્યો જ છે પરંતુ વધારામાં જીએસટી પણ લગાવ્યો છે જેનાથી ખેલૈયાઓનું નવરાત્રીનું બજેટ ખોરવાયું છે. કોમ્પ્રોમાઈઝ કરવું પડશે. - રિકીનભાઈ પીપળિયા, ખેલૈયા

ઘરના પાંચ સભ્ય પાસ લઈએ તો રૂપિયા 900નો બોજો આવે, GST પોષાય નહીં
ગરબાના પાસ ઉપર જીએસટીની સિઝનની પાસની કિંમત પણ વધી જશે. અમે ઘરના 5 સભ્યનો પ્રતિ વ્યક્તિ રૂ. 1000 લેખે સિઝન પાસ કઢાવીએ તો 18% લેખે 900 રૂપિયા તો જીએસટી ચૂકવવો પડે તેટલી કિંમતમાં બીજો નવો પાસ નીકળી શકે. જરૂર પડશે તો અમે ડેઈલી પાસ લઇશું. - હાર્દિકભાઈ મોરાણિયા, ખેલૈયા

કેટલાક આયોજકોએ ખર્ચ પોતે ભોગવી લેવાની તૈયારી બતાવી
​​​​​​​ગરબામાં 18 ટકા જીએસટી વચ્ચે રાજકોટના સુરભી ગ્રૂપના આયોજક વિજયસિંહ વાળાએ જાહેરાત કરી હતી કે, તેઓ ખેલૈયાઓ પાસેથી જીએસટી નહીં વસૂલે પરંતુ ક્લબ પોતે જ ભોગવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે ખેલૈયા ઉપર જીએસટીનો બોજ ન આવે તેવો નિર્ણય કર્યો છે. પાસની કિંમતમાં પણ વધારો કર્યો નથી.

અન્ય સમાચારો પણ છે...