તપાસ:ખોટા એડ્રેસ પર હથિયારનું લાઇસન્સ મંજૂર કરનાર રાજકોટના પૂર્વ CP સામે થયેલી અરજીની તપાસમાં ગાંધીનગરની ટીમે ઝંપલાવ્યું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અરજીમાં તત્કાલીન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે હથિયારનું લાઇસન્સ મંજૂર કરાવ્યાનો ઉલ્લેખ - Divya Bhaskar
અરજીમાં તત્કાલીન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે હથિયારનું લાઇસન્સ મંજૂર કરાવ્યાનો ઉલ્લેખ
  • 2019માં ખોટા એડ્રેસ પર વકીલને હથિયારનું લાઇસન્સ ઇશ્યુ કર્યું હતું

રાજકોટના તત્કાલીન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના કાર્યકાળમાં હથિયારના લાઇસન્સ મંજૂર કરવામાં ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી હતી. લાઇસન્સમાં ભ્રષ્ટાચાર અંગે એડવોકેટ કે.સી. વ્યાસે રાજ્યના પોલીસવડાને પૂરાવા સાથે અરજી કરી હતી. જેમાં ખાટું એડ્રેસ દર્શાવીને લાઇસન્સ મેળવારનાર વકીલના હથિયારનું લાઇસન્સ રદ કરવા અને સરકારી ચોપડે ખોટી માહિતી આપવા છતાં આવું લાઇસન્સ ઇસ્યુ કરનાર તત્કાલીન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિત સંબંધિત તમામ વિરૂદ્ધ ગુનો દાખલ કરવા માગણી કરી હતી. આ અરજી સંદર્ભે સાયબર સેલ ગાંધીનગરને તપાસનો હુકમ થતાં ટીમે ગઇકાલથી રાજકોટમાં ધામા નાખીને તપાસ શરૂ કરી છે.

નર્સના ક્વાર્ટરના એડ્રેસ પર લાઇસન્સ મંજૂર કરી દીધું
કે.સી. વ્યાસે રાજ્યના પોલીસવડાને ફરિયાદમાં જણાવ્યા મુજબ, જામનગર રોડ પર ગાયત્રીધામમાં રહેતા અને વ્યવસાયે વકીલ છે એ વ્યક્તિએ વર્ષ 2019માં હથિયારનું લાયસન્સ મેળવવા કરેલી અરજીમાં રહેણાંકના કાયમી સરનામા તરીકે સી-23, સરકારી ક્વાર્ટર, ધરમ સિનેમા પાછળ દર્શાવ્યું હોવા છતાં એ વ્યક્તિને હથિયારનું લાયસન્સ પણ મળી ગયું છે. અરજદાર વકીલે હથિયારનું લાઇસન્સ મેળવવા ધરમ સિનેમા પાછળ જે સરકારી ક્વાર્ટરને કાયમી રહેણાંક તરીકે દર્શાવ્યું હતું એ ક્વાર્ટર માર્ચ 2018થી હેતલબેન શીલુ નામના સ્ટાફ નર્સને ફાળવી દેવાતા નર્સ એ ક્વાર્ટરમાં રહે છે. તો પછી અરજદાર વકીલ 2019માં ઉપરોક્ત ક્વાર્ટરમાં કઈ રીતે રહેતા હતા? તેમજ અરજદાર ઉપરોક્ત ક્વાર્ટરમાં રહેતા ન હોવા છતાં હથિયારનું લાઇસન્સ મંજૂર થયાની પોસ્ટ કે રજીસ્ટ્રાર એ.ડી.થી મોકલાતો એ પત્ર તેને કઈ રીતે મળી ગયો?

ગાંધીનગરની સાયબર સેલની ટીમના રાજકોટમાં ધામ
આમ ખોટી માહિતી આપવા છતાં તેનો હથિયારનું લાઇસન્સ મંજૂર કરનાર તત્કાલીન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને લાઇસન્સ શાખાના સંબંધિત જવાબદારો સામે ગુનો નોંધી સખત સજા આપવા માગણી કરી હતી. આ અરજી સંદર્ભે રાજ્યના પોલીસવડાએ સાયબર સેલ, ગાંધીનગરને તપાસનો હુકમ કરતા સાયબર સેલના અધિકારી બી.એમ. ટાંક ગઇકાલે સ્ટાફ સાથે રાજકોટ તપાસમાં આવ્યા હતા.

અરજદારે ધરમ સિનેમા સામે જે ક્વાર્ટર છે એનું એડ્રેસ આપ્યું હતું
તપાસ અધિકારીએ નાયબ કાર્યપાલક કચેરીમાં અરજી આપીને હથિયારનું લાઇસન્સ મેળવવા અરજદારે ધરમ સિનેમા સામે જે ક્વાર્ટર છે એનું એડ્રેસ આપ્યું હતું એ એડ્રેસ પર એ વ્યક્તિ કઈ તારીખથી કેટલા વર્ષ રહ્યા, ક્વાર્ટર ક્યારે ખાલી કર્યું, ખાલી થયેલું એ ક્વાર્ટર કોને અને ક્યારે ફળવાયું તે અંગે માહિતી માગવામાં આવી છે. તેમજ રીતે લાઇસન્સ બ્રાન્ચમાં જમા કરાવાયેલા ડોક્યુમેન્ટ તથા પરવાનેદારે ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં પોતાનું એડ્રેસ ક્યાંનુ લખાવ્યું હતું. તેમજ તેના વિરૂદ્ધ કોઇ ફરિયાદ, અરજી છે કે નહીં? સહિતની વિગતો લેખિત માગવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...