લોકો રસ્તા પર ઉતર્યા:રાજકોટના માધાપર પાસે જી હિત પાર્કમાં 1 મહિનાથી ભૂગર્ભ ગટરનું પાણી ઉભરાતા ગંદકી અને મચ્છરોનો ત્રાસ

રાજકોટ16 દિવસ પહેલા
ગટરના પાણીથી ત્રસ્ત લોકો રસ્તા પર ઉતરી આવ્યા.

રાજકોટનાં માધાપર ચોકડી પાસે આવેલ જી હિત પાર્કમાં એક મહિનાથી ભૂગર્ભ ગટરનું પાણી ઉભરાઇ છે. આથી ગંદકી અને મચ્છરોના ત્રાસને કારણે લોકો હેરાન-પરેશાન બન્યા છે. જોકે આજે રહેવાસીઓમાં આ પ્રશ્નને લઈને રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે. જોકે મેયરે આજ સાંજ સુધીમાં આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવશે તેવી સ્થાનિક લોકોને ખાતરી આપી છે.

કોર્પોરેટરો ડોકાવા આવતા નથી
સ્થાનિક મહેશ ગઢવીએ જણાવ્યું હતું કે, આ અમારે વોર્ડ નં 3માં આવતો વિસ્તાર છે. છેલ્લા એક-દોઢ મહિનાથી ગટરનું પાણી ઉભરાઇ છે. અમારા વોર્ડના કોર્પોરેટરો ડોકવા પણ આવતા નથી. અમે ઓનલાઇન અને રૂબરૂમાં અનેક વખત રજૂઆત કરી છે પણ કોઈ ડોકવા આવતું નથી. અમારા વિસ્તારમાં ગંદકીને કારણે મચ્છરનો ત્રાસ વધુ છે. મેલેરિયાના મચ્છર પણ થાય છે અને 10-15 લોકોને મેલેરિયા પણ થઈ ગયો છે. અમારી માગણી છે કે વહેલી તકે આ ગટરનું કામ કરવામાં આવે. જેથી ગંદકી અને રોગચાળાને કાબુમાં લાવી શકાય.

રસ્તા પર ગટરના પાણી ફરી વળતા લોકોને ચાલવામાં મુશ્કેલી પડે છે.
રસ્તા પર ગટરના પાણી ફરી વળતા લોકોને ચાલવામાં મુશ્કેલી પડે છે.

બાજુનો વોકળો ગંદકીનું ઘર છે
સ્થાનિક કવિતાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ડ્રેનેજનો મોટો પ્રશ્ન છે, ગટરનું પાણી ઉભરાતા ધ્યાન રાખીને ચાલવું પડે છે. આ સમસ્યા દોઢ મહિનાથી છે. બાજુમાં વોકળો પસાર થાય છે જે ગંદકીનું ઘર છે. બે મહેમાનને ઘરે બોલવા હોય તો શરમ આવે છે કે આટલી ગંદકીમાં કેમ બોલવવા. મચ્છરનો ખૂબ ત્રાસ છે. જેને કારણે મેલેરિયા, ડેન્ગ્યુનો ભય સતત રહે છે. મહેમાનોને વાહન ક્યાં પાર્ક કરવા તે મુશ્કેલી છે. આ અંગે અનેકવાર રજુઆત કરી છે. અમારી માગણી છે કે વોકળાની નિયમિત સાફ સફાઈ થાય અને ગટરનો પ્રશ્ન ઉકેલાઇ.

ગટરના પાણીથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો.
ગટરના પાણીથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો.

સાંજ સુધીમાં કામ થઈ જશેઃ મેયર
મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, મારા ધ્યાને આવ્યું છે કે, વોર્ડ નં.3માં ડ્રેનેજનું પાણી સોસાયટીના રસ્તાઓ પર આવી ગયું છે. સ્વાભાવિક છે કે, ત્યાં લોકોને ગંદકી અને મચ્છરનો ત્રાસ સહન કરવો પડતો હોય છે. ત્યારે લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આજના જ દિવસે તેનું નિરાકરણ થાય તેવી અધિકારીને તાકીદે સુચના આપી છે. આ કામગીરી આજ સાંજ સુધીમાં જ પૂર્ણ કરવામાં આવશે તેવી લોકોને ખાતરી આપું છું.

અન્ય સમાચારો પણ છે...