પાંચ વર્ષ પૂર્વે કરોડોની છેતરપિંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી વડિયા તાલુકાના દેવળકી ગામનો પારસ રમેશ પટોળિયા શહેરના બસ સ્ટેન્ડ પાસે આવ્યો હોવાની માહિતીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમ તુરંત ત્યાં દોડી જઇ આરોપીને ઝડપી લીધો હતો. પીએસઆઇ એમ.વી.રબારીએ આપેલી માહિતી મુજબ, 2015ના વર્ષમાં કાલાવડ રોડ પર બ્લીસ લાઇફ કેર પ્રા.લિ. નામની કંપનીએ ઓફિસ શરૂ કરી હતી અને આયુર્વેદિક દવાના વેચાણ કરવા માટે તે કંપની આર્થિક લાભ તેમજ હેલ્થ કાર્ડ વગેરે આપવાનું પ્રલોભન આપી રોકાણકારોને લાલચ આપી હતી.
જેમાં શહેરના કુલ 70થી 80 રોકાણકારોના રૂ.4.50 કરોડ રૂપિયા કંપનીએ ઉઘરાવી લીધા હતા. બાદમાં કંપનીને તાળાં મારી રોકાણકારોને રાતે પાણીએ રોવડાવી નાસી ગયા હતા. જે બનાવ અંગે પોલીસમાં બ્લીસ લાઇફ કેર કંપનીના ડાયરેક્ટર એવા રાજકોટના મહિપતસિંહ રણજિતસિંહ સગર, ખાખીજાળિયાના દશરથસિંહ હઠુભા ચુડાસમા, વાડસડાના કેતન હરિ બાલધા, વિજય હરિ બાલધા અને ઉપરોક્ત આરોપી પારસ રમેશ પટોળિયા સામે વિશ્વાસઘાત, છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી.
ફરિયાદને પગલે પોલીસે એક પછી એક એમ ચાર આરોપીને ઝડપી લઇ ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપી પારસે પોતાની સંડોવણી નહિ હોવાનું રટણ રટ્યું છે. પોલીસે પારસની પૂછપરછ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.