તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:લૂંટના 400 ગ્રામ સોનાના દાગીના ફરાર લૂંટારુ સતિષે વેચવા રાખ્યા’તા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પકડેલા રાજસ્થાની ગેંગના ચારેય આરોપી રિમાન્ડ પર સોંપાયા
  • સોના-ચાંદીના દાગીના વેચાય જાય પછી રકમની ભાગબટાઇ કરવાના હતા

શહેરના ચંપકનગરમાં આવેલા શિવ જ્વેલર્સમાં ખાબકી વેપારીને બંધક બનાવી રૂ.85.50 લાખના સોના-ચાંદીના ઘરેણાંની લૂંટ કરનાર રાજસ્થાની ગેંગના ચાર શખ્સને રાજકોટ પોલીસે હરિયાણાથી ઝડપી લીધા હતા. પોલીસે ચારેય લૂંટારુને ત્રણ દિવસના રિમાન્ડ પર લઇ ફરાર લૂંટારુ સતિષની ભાળ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ફરાર લૂંટારુ સતિષ લૂંટ બાદ 400 ગ્રામ સોનાના દાગીના વેચવા લઇ ગયો હતો, સતિષ હાથ આવ્યા બાદ લૂંટનો અન્ય મુદ્દામાલ કબજે થશે.

શિવ જ્વેલર્સમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલવામાં રાજકોટ ક્રાઇમ બ્રાંચને મહત્ત્વની સફળતા મળી હતી, પોલીસે હરિયાણાના પલવલમાંથી અવિનાશ ઉર્ફે ફૌજી ઉત્તમસીંગ સિકરવાર (ઉ.વ.23) અને શુભમ સોવરનસીંગ કુંતલ (ઉ.વ.19)ને ઝડપી લીધા બાદ અન્ય બે લૂંટારુ સુરેન્દ્ર હમીરસીંગ જાટ (ઉ.વ.20) તથા બિકેશ કુમ્હેરસીંગ પરમાર (ઉ.વ.20)ને પકડી લઇ રોકડા રૂ.94 હજાર સહિત કુલ રૂ.62,37,841નો મુદ્દામાલ કબજે કર્યો હતો. શુક્રવારે ચારેય લૂંટારુને રાજકોટ લઇ આવ્યા બાદ બી.ડિવિઝનના પીઆઇ ઔસુરા સહિતના સ્ટાફે શનિવારે ચારેય લૂંટારુને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચારેય લૂંટારુને ત્રણ દિવસના રિમાન્ડ પર પોલીસ હવાલે કર્યા હતા.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ચંપકનગરમાં શો-રૂમમાંથી લૂંટ કર્યા બાદ ત્રણ લૂંટારુ મોરબી તરફ તથા અન્ય બે લૂંટારુ ચંપકનગરમાં જ રાખેલી ઓરડીથી મોકો મળતા ભાગી ગયા હતા. પાંચેય લૂંટારુ લૂંટ બાદ સીધા જ હરિયાણાના રેવાડી પહોંચ્યા હતા. લાખો રૂપિયાના સોનાના દાગીના હોવાથી તે વેચ્યા બાદ તેમાંથી ઉપજનારી રકમમાંથી ભાગબટાઇ કરવાનું નક્કી કરાયું હતું. પોલીસ જેને શોધી રહી છે તે ફરાર લૂંટારુ મધ્યપ્રદેશના મોરેનાનો સતિષ સવોરનસીંગ ઠાકુર 400 ગ્રામ સોનાના ઘરેણાં વેચવા માટે લઇ ગયો હતો.

સતિષ સવોરનસીંગને પકડવા માટે પોલીસની એક ટીમ હજુ પણ હરિયાણા રોકાઇ છે. સતિષ હાથ આવ્યા બાદ લૂંટનો વધુ મુદ્દામાલ કબજે થવાની પોલીસને આશા છે. ફરાર સતિષ સવોરનસીંગ અગાઉ 15 જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે અને લૂંટ માટે જરૂરી પિસ્ટલ સહિતના હથિયાર લઇને સતિષ જ રાજકોટ આવ્યો હતો. સતિષ હાથ આવ્યા બાદ અન્ય કેટલાક ગુનાના પણ ભેદ ઉકેલાવાની આશા પોલીસે સેવી હતી. આરોપી પકડાય તે માટે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમે હજુ રાજસ્થાનમાં જ ડેરાતંબુ તાણ્યા છે.

અન્ય સમાચારો પણ છે...