કાર્યવાહી:છેતરપિંડી કરી ફરાર મેડિકલ સંચાલક છેક 19 વર્ષે પકડાયો

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોગસ દસ્તાવેજથી બેંકમાંથી લોન લઇ ઠગાઇ કરી’તી

શહેર પોલીસમાં 19 વર્ષ પહેલા છેતરપિંડીના ગુનામાં ફરાર પ્રદીપ મગન સોનપાલને ક્રાઇમ બ્રાંચની ટીમે હાવરાના બેલ્લુર ગામેથી ઝડપી લીધો છે. પોલીસ સૂત્રના જણાવ્યા મુજબ, રૈયા રોડ મોહનનગરમાં રહેતો અને મોટીટાંકી ચોકમાં અમી એજન્સીના નામથી મેડિકલ એજન્સી ધરાવતા પ્રદીપ સોનપાલે 4-7-1992ના સમયગાળામાં પત્ની, સાળો નિરલ ઉર્ફે નિરલ કાથરાણી અને વકીલ રમેશ જગજીવન કારિયા સાથે મળી માતા-પિતાના નામનો વેચાણ દસ્તાવેજ કચેરીમાંથી મેળવ્યા બાદ તેના આધારે બોગસ કુલમુખત્યારનામું બનાવ્યું હતું.

તેના આધારે બીજો બોગસ દસ્તાવેજ બનાવી તે દસ્તાવેજના આધારે બેંકમાંથી રૂ.3 લાખની લોન મેળવી છેતરપિંડી કરી હતી. જે બનાવની તા.11-9-2002ના ગાંધીગ્રામ પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પ્રદીપ નાસી ગયો હતો. દરમિયાન 19 વર્ષ પછી છેતરપિંડીના ગુનામાં નાસતો ફરતો પ્રદીપ સોનપાલ તેની અટક ઠક્કર કરી હાવરાના બેલ્લુર ગામે સદગુરુ મેડિકલ એજન્સી ચલાવતો હોવાની ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી. જે માહિતીના આધારે તુરંત એક ટીમને વેસ્ટ બંગાલ રવાના કરી ફરાર આરોપી પ્રદીપ સોનપાલને ઝડપી લીધો હતો.

રાજકોટ લઇ અવાયેલા પ્રદીપની પૂછપરછ કરતા તે ગુનો આચરી ઝારખંડના ધનબાદ ભાગી ગયો હતો. ત્યાંથી તે હાવરા જઇ નામ બદલાવી મેડિકલ એજન્સીનો ધંધો કરતો હોવાની કબૂલાત આપી છે. પકડાયેલા આરોપી પ્રદીપને ગાંધીગ્રામ પોલીસહવાલે કર્યો છે.19 વર્ષ પહેલા બોગસ કુલમુખત્યારનામું બનાવી લોન લેનાર વેપારીની પોલીસે વેસ્ટ બંગાળમાંથી ધરપકડ કરી છે. તાજેતરમાં જ રેસ્ટોરન્ટમાં હોસ્પિટલ શરૂ કરી દેનાર શ્યામ રાજાણી હજુ સુધી પોલીસ પકડથી દુર છે. શ્યામ રાજાણીને પકડવા માટે પોલીસે કોઇ નક્કર કાર્યવાહી કરી નથી. અત્રે નોંધનીય છે કે શ્યામ રાજાણી અગાઉ પણ આ પ્રકારના કરતુત કર્યા હતા અને રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે તથા પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...