તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફળોના ‘રાજા’ની જોવાતી રાહ:કેસર કેરીનો સ્વાદ માણવા હજી રાહ જોવી પડશે, 3 સીઝનથી ઉત્પાદનમાં 50 ટકાનો ફટકો, ભાવ ઊંચો રહેશે

રાજકોટ3 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
કેસર કેરી બેથી ત્રણ મહિના પછી આવશે.
  • આજથી રાજકોટ મેંગો માર્કેટમાં મેઇન કેરીના રાજા ‘મિનિસ્ટર કેરી'નું મુહૂર્ત થયું
  • હાલ હાફુસ કેરી માર્કેટમાં આવી ગઈ છે, એક કિલોનો ભાવ 100થી 300 રૂપિયા

સૌરાષ્ટ્રના ગીર પંથકમાં પાકતી કેસર કેરીનો અસલી સ્વાદ મણવા માટે લોકોએ હજી બેથી ત્રણ મહિનાની રાહ જોવી પડશે. છેલ્લી ત્રણ સીઝનથી ઉત્પાદનમાં પણ 50 ટકાનો ફટકો પડ્યો છે, આથી ભાવ ઊંચો રહે એવી શક્યતા છે. આ વર્ષે અંદાજે 300 બ્રાન્ડનાં બોક્સમાં કેસર કેરી વેચાશે. કેસર એટલે તાલાલા અને તાલાલા એટલે કેસર એ ઓળખ હતી. જ્યારે પછીનાં વર્ષોમાં કેસર કેરીના ઉત્પાદનનો વ્યાપ એટલો વધ્યો કે અત્યારે તો જામવાડા, સામતેર, ખોરડી, ઉના અને કોડીનાર પંથક, ભાખા, માળિયાહાટીના તાલુકા સહિત જૂનાગઢ જિલ્લાના અનેક ગામે કેસર કેરીથી લચેલા આંબા જોવા મળે છે. તાલાલામાં 13 હજાર હેક્ટર અને એટલા જ બીજા ક્ષેત્રફળમાં અન્યત્ર એમ કુલ મળીને 35 લાખ જેટલા હેક્ટરમાં આંબા હોવાનો અંદાજ છે.

કેસર કેરીના મુહુર્તને વાર લાગશેઃ રાજકોટના વેપારી

રાજકોટ મેંગો માર્કેટમાં કેરીના વેપારી કિશોરભાઇ બાબુતરે જણાવ્યું હતું કે રત્નાગિરિ કેરીની આવક શરૂ થઈ ગઈ છે. આજથી મેઇન કેરીના રાજા- મિનિસ્ટર કેરીનું મુહૂર્ત થયું છે. છ ડઝનના 9 હજાર, 7.5 ડઝનના સાડાઆઠ હજાર, 8 ડઝનના 8 હજાર અને 9 ડઝનનો 7 હજાર રૂપિયા ભાવ છે. કેસર કેરીનું મુહૂર્ત થતાં હજી વાર લાગશે. ગત વર્ષ કરતાં આ વર્ષે 50 ટકા પાક છે. કોરોનાને કારણે માલ ઓછો જતો હતો, આથી માલનો ભરાવો અહીં વધારે થતો હતો. હાફુસ કેરીનું પણ એવું જ છે.

રાજકોટમાં આજથી મિનિસ્ટર કેરીનું મુહૂર્ત.
રાજકોટમાં આજથી મિનિસ્ટર કેરીનું મુહૂર્ત.

કેસર કેરીને બેથી ત્રણ મહિના લાગશેઃ જૂનાગઢના ખેડૂત
જૂનાગઢના કેસર કેરી પકવતા ખેડૂત અતુલભાઇ શેખડાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હજી કેસર કેરી વિશે કહેવું વહેલું ગણાશે. અંદાજે બેથી ત્રણ મહિના બાદ કેસર કેરીનું ઉત્પાદન થવા લાગશે. વાતાવરણ અનુકૂળ રહે તો તેના રેગ્યુલર ટાઇમે જ કેસર કેરી આ વખતે પાકે તેવી શક્યતા છે. ભાવમાં ખાસ્સોએવો વધારો કે ઘટાડો જોવા મળશે નહીં. દર વર્ષની જેમ જ આ વર્ષે ભાવ રહેશે. બહારનાં રાજ્યોમાં મે મહિનામાં કેસર કેરી જાય એવી શક્યતા છે.

હાફુસ કેરીનો કિલોનો ભાવ 100થી 300 રૂપિયા
રાજકોટ મેંગો માર્કેટમાં કેરીના વેપારી ભરતભાઇ ભરવાડે જણાવ્યું હતું કે કેસર કેરીને આવતાં હજી વાર લાગશે. હાલ હાફુસ કેરી માર્કેટમાં આવી ગઈ છે. હાફુસ કેરીનો એક કિલોનો ભાવ 100થી 300 રૂપિયા સુધીનો છે. કોરોનાને લઇ બહારનાં રાજ્યોમાં કેસર કેરી મોડી જશે. દર વખત કરતાં 20થી 25 દિવસ લોકોને કેસર કેરી મોડી મળશે.

રાજકોટ મેંગો માર્કેટના વેપારી કિશોરભાઈ બાબુતર.
રાજકોટ મેંગો માર્કેટના વેપારી કિશોરભાઈ બાબુતર.

સોફ્ટ ડ્રિન્કમાં કેસર મોંઘી પડે છે
હવે તો જૂનાગઢ, સોમનાથ જિલ્લામાં 250 જેટલા બગીચા તો પ્રોસેસિંગવાળા થઇ ગયા છે. ખેડૂત પોતે રસ કાઢવાની મશીનરી વસાવે છે અને ડબ્બા પેકિંગ પણ કરાવે છે. માઇનસ 18 ડીગ્રીએ ફળોના પલ્પને કોલ્ડસ્ટોરેજમાં સાચવી રાખવાનું ચલણ કેસર કેરી માટે પણ વધી રહ્યું છે. મેંગો ફ્લેવર સોફ્ટ ડ્રિન્ક્સમાં મોટે ભાગે એડેડ ફ્લેવર હોય છે, પરંતુ ગત વર્ષે પેપ્સિકોના સાઉથ-ઇસ્ટ એશિયાના વાઇસ-પ્રેસિડેન્ટે રૂબરૂ તાલાલા આવીને કેસર વિશે સર્વે પણ કરાવ્યો હતો. હાલ વપરાતી તોતાપુરી સોફ્ટ ડ્રિન્ક્સ માટે સસ્તી પડે છે. જ્યારે કેસર મોંઘી હોવાથી વાત અટકેલી છે. જો આવી કોઇ કંપની કેસર પર પસંદગી ઉતારે તો બલ્કમાં ઉપાડ થવાના સંજોગો પણ સર્જાઇ શકે છે.

મેંગો માર્કેટમાં હાલ હાફુસ કેરીનું વેચાણ ચાલુ છે.
મેંગો માર્કેટમાં હાલ હાફુસ કેરીનું વેચાણ ચાલુ છે.

અસલ સ્વાદવાળી કેસર કેરી મે મહિનામાં આવવાની ધારણા
કેસર કેરી વિશે જાણતા લોકોનું કહેવું છે કે આ વર્ષે ત્રણ તબક્કાના પાક પૈકી ઠંડી અને ઝાકળને લીધે પાક થોડો નિષ્ફળ ગયો છે, પરંતુ છેલ્લા તબક્કામાં બંધારણ થઇ ગયું છે, પણ પાક કેવો રહેશે એ તો 8-10 દિવસ પછી જ જાણી શકાશે. આ વર્ષે બહુ વાંધો નહીં આવે તેમ લાગે છે. બીજી તરફ એક મત એવો છે કે સામાન્ય રીતે 10 એપ્રિલ આસપાસ બજારમાં આવી જતી કેસર આ વર્ષે એપ્રિલના અંત ભાગમાં આવશે અને ગત વર્ષ કરતાં પ્રોડક્શન 30 ટકા વધુ રહેવાનો પણ અંદાજ છે, જ્યારે અસલ સ્વાદવાળી કેસર કેરી મે મહિનામાં આવવાની ધારણા બાંધી રહ્યા છે.