શુક્રવારે રાજકોટમાં મહત્તમ તાપમાન 42.9 ડિગ્રીએ યથાવત રહ્યું હતું સાથે હવામાં ભેજનું પ્રમાણ રહેતા બફારો પણ અનુભવાયો હતો. ગરમી અને બફારાને કારણે લોકો આકુળવ્યાકુળ બન્યા હતા. હવામાનખાતાના જણાવ્યા મુજબ કાલથી ગરમી ઘટશે. ત્રણથી ચાર દિવસ સુધી ક્રમશ: ચાર ડિગ્રી સુધી મહત્તમ તાપમાનમાં ઘટાડો આવી શકે છે. ગરમી અને ભેજને કારણે વાદળો બંધાશે અને પ્રિ- મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. જો કે આ દિવસોમાં એકાદ- બે સ્થળોએ વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે. પવનની દિશા બદલાતા નૈઋત્ય તરફના પવનો ફુંકાશે.
જો કે આ વર્ષે કેરળમાં ચોમાસું વહેલું બેસે તેવી સંભાવના છે. કેરળમાં ચોમાસું આવ્યા બાદ 15 દિવસ પછી ગુજરાતમાં ચોમાસું પ્રવેશતું હોય છે. શુક્રવારે હવામાં લઘુતમ તાપમાન 28.8 ડિગ્રી રહ્યું હતું.હવામાં ભેજનું પ્રમાણ 76 ટકા નોંધાયું હતું. બપોરના સમયે 1.00 થી 4.00 સુધી આકરો તાપ રહેતા લોકોએ બિનજરૂરી રીતે બહાર નીકળવાનું ટાળ્યું હતું. ગરમીને કારણે ડેરીમાં દૂધની આવક પર પણ અસર જોવા મળી રહી છે. 2019માં રાજકોટમાં મહત્તમ તાપમાન 44.7 ડિગ્રી નોંધાયું હતુ. ફાયર વિભાગના જણાવ્યાનુસાર આ વર્ષે રેકોર્ડબ્રેક વરસાદ 54.4 ઈંચ નોંધાયો હતો.
ક્યાં કેટલું તાપમાન | |
જિલ્લો | તાપમાન |
અમરેલી | 42 |
ભાવનગર | 39.7 |
દ્વારકા | 32 |
ઓખા | 33 |
પોરબંદર | 34.4 |
રાજકોટ | 42.9 |
વેરાવળ | 33.8 |
દીવ | 32.8 |
સુરેન્દ્રનગર | 42.8 |
મહુવા | 35.4 |
કેશોદ | 37 |
વેધર એનાલિસ્ટ મુજબ 21 થી 27 મે સુધી આ પ્રકારનું વાતાવરણ રહેશે
તાપમાન : આ દિવસોમાં તાપમાનનો પારો 40 થી 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આગાહી પછીના દિવસોમાં તાપમાનમાં એક - બે ડિગ્રીનો વધારો થાય તેવી સંભાવના છે. જેમ- જેમ લોઅર લેવલના ભેજયુકત પવનો આવતા જશે તેમ-તેમ તાપમાં રાહત જ્યારે ઉકળાટ જોવા મળશે.
પવન : પવનનું જોર વધુ રહેશે. પવનની ગતિ 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેશે. કયારેક પવનની ઝડપ 40 કિલોમીટર સુધી પણ થઈ શકે છે. પવનો મુખ્યત્વે પશ્ચિમ - દક્ષિણ - પશ્ચિમના રહેશે. સવારે ભેજયુકત વાતાવરણને કારણે ઉકળાટ અને બફારો અનુભવાય. લગભગ મોટાભાગના દિવસોમાં બપોર બાદ પવનની ઝડપ વધુ રહેશે.
વરસાદ: છૂટાછવાયા વિસ્તારમાં વાદળછાંયુ વાતાવરણ રહેશે. અમુક જગ્યાએ ઝાપટાં પડી શકે છે. ત્યાર પછીના દિવસોમાં એક કરતા વધુ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. - રામજીભાઈ કચ્છી, વેધર એનાલિસ્ટ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.