રાજકોટ શહેરમાં મંગળવારથી સીરો સરવે ચાલુ થઈ રહ્યો છે અને એક સપ્તાહ દરમિયાન શહેરના અલગ અલગ 50 ભાગોમાંથી દરેક ભાગ દીઠ 36 સહિત 1800 સેમ્પલ લઈને માઈક્રોબાયોલોજી લેબને મોકલી દેવાશે. સેમ્પલ આપનારને રિપોર્ટ અપાશે નહીં અને સેમ્પલને પણ નામના બદલે કોડ આપવામાં આવશે.
રાજકોટમાં સીરો સરવે શરૂ કરવા માટે શહેરને ક્લસ્ટરમાં વિભાજિત કરવા ફરજિયાત હતા. આ માટે પોલિયો બૂથની યાદી તૈયાર કરીને ગાંધીનગર મોકલવામાં આવી હતી. આ યાદીમાંથી રેન્ડમ 50 બૂથ પસંદ કરી તે વિસ્તારોને ક્લસ્ટર કહ્યા છે.
આ દરેક ક્લસ્ટરમાંથી 36-36 સેમ્પલ લેવાશે આ રીતે 1800 સેમ્પલ એકઠા કરીને સિવિલ હોસ્પિટલની માઈક્રોબાયોલોજી લેબમાં મોકલાશે જ્યાં તેનું ટેસ્ટિંગ કરી કેટલા સેમ્પલમાં કોરોના એન્ટિબોડી છે તેની ખાતરી કરાશે. અહીં એ ખાસ મુદ્દો રખાયો છે કે જેના પણ સેમ્પલ લેવાય તે પહેલા જે તે વ્યક્તિની મંજૂરી લેવાની રહેશે આ ઉપરાંત સેમ્પલ આપ્યા બાદ દર્દીને કોઇપણ પ્રકારના રિપોર્ટ અપાશે નહિ.
બીજી તરફ આ સેમ્પલ લેબમાં જાય એટલે ત્યાં પણ સેમ્પલનું બ્લાઈન્ડિંગ થશે. એટલે કે સેમ્પલનું રજિસ્ટર બનશે તેમા દરેક સેમ્પલને કોડ આપવામાં આવશે આ કોડ કોઇ નંબર પણ હોઇ શકે અથવા તો આલ્ફાબેટ પણ હોઇ શકે. આ કારણે ટેસ્ટ થતા દરેક સેમ્પલ કોના છે તે ટેસ્ટિંગ લેબમાં પણ ક્યા સેમ્પલ કોના છે તે ગુપ્ત રખાશે. આ કારણે જે પરિણામો આવશે તે એન્ટિબોડીની ટકાવારી અને ક્યા ક્લસ્ટરમાં કેટલી ટકાવારી છે તે આવશે. આ સરવેનો હેતુ પણ રેન્ડમ અને બ્લાઈન્ડ સરવે કરવાનો જ છે જેથી હકીકત શું છે તેનો અંદાજ લગાવી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.