હાશકારો:રાજકોટમાં આંશિક લોકડાઉન વચ્ચે આજથી ફરી ધંધા-રોજગાર શરૂ, વેપારીઓને ઓક્સિજન મળ્યો, ‘માસ્ક નહિ તો માલ નહિ’ના દુકાન બહાર બોર્ડ લાગ્યા

રાજકોટ5 મહિનો પહેલા
સરકારની ગાઈડલાઇન સાથે રાજકોટમાં દુકાનો ખુલી.
  • વેપારીએ કહ્યું- ધંધા રોજગાર શરૂ થતા આર્થિક ભીંસમાંથી બહાર આવીશું

રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનમાં આંશિક રાહત આપી મર્યાદિત સમય સુધી વેપાર-ધંધા માટે છૂટછાટ આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના વેપારીઓમાં ખુશી છવાઇ છે. લાંબા સમયના વિરામ બાદ વેપારીઓ પોતાના દુકાનોના શટર ઉંચા કરતા ખુશ થયા હતા. આંશિક લોકડાઉનમાં આજથી કેટલીક છૂટછાટો મળતા રાજ્યભરમાં અનેક દુકાનો આજથી ખૂલી છે અને સવારે 9થી બપોરે 3 સુધી તમામ ધંધા- રોજગાર કાર્યરત રહેશે. રાજકોટમાં તમામ બજારો ખુલી ગઈ છે. વેપારીઓએ દુકાન બહાર બોર્ડ લગાવ્યા છે અને તેમા લખ્યું છે કે, માસ્ક નહિ તો માલ નહિં.

આંશિક લોકડાઉનમાં આર્થિક રીતે ઘણી તકલીફ હતી- વેપારી
કોરોનાની પરિસ્થિતિમાં સુધારો થતા સરકાર દ્વારા મર્યાદિત સમય સુધી ધંધા-રોજગાર શરૂ રાખવા નિર્ણય લેવાયો છે. જેને લઇ વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. તેમની રોજગારી પર બ્રેક લાગી હતી તેથી વેપારીઓએ સરકારના નિર્ણયને આવકારી રહ્યાં છે. રાજકોટના શૈલેષભાઇ ગઢવી નામના વેપારીએ જણાવ્યું હતું કે, સરકારે બહુ જ સરસ કામ કર્યું છે, અમે વેપારીઓ પણ સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ ચાલીશું. ગ્રાહકોને માસ્ક પહેરાવીશું અને સોશિયલ ડિસ્ટન્સ રખાવીશું. મધ્યમ વર્ગના લોકો માટે સરકારે સરસ નિર્ણય લીધો છે. આંશિક લોકડાઉનમાં આર્થિક રીતે ઘણી તકલીફ પડી છે.

ધર્મન્દ્ર રોડ પરની તમામ દુકાનો ખુલી.
ધર્મન્દ્ર રોડ પરની તમામ દુકાનો ખુલી.

વેપારીઓએ દુકાન બહાર બોર્ડ લગાવ્યા
વેપારીઓ દ્વારા સરકારના નિર્ણયને આવકારી ધંધા-રોજગાર શરૂ કર્યા છે. તેમાં પણ હવે વેપારીઓ દ્વારા કોવિડ ગાઇડલાઈનના પાલન સાથે ધંધો કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સંક્રમણ ન ફેલાય તે માટે તકેદારી રાખી ધંધો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વેપારીઓએ દુકાન બહાર બોર્ડ લગાવી તેમાં માસ્ક નહીં તો માલ નહીંના લખાણ લખવામાં આવ્યા છે.

વેપારીઓના ચહેરા પર ખુશી જોવા મળી.
વેપારીઓના ચહેરા પર ખુશી જોવા મળી.

દુકાનો અને રેસ્ટોરન્ટમાંથી વસ્તુઓ લોકોએ ટેકઅવે કરવાની છેઃ CP
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, આજથી રાજ્ય સરકારે તમામ દુકાનો ખોલવા છૂટ આપી છે. પરંતુ મારી અપીલ છે કે, ખાસ કરીને ખાવા-પીવાની દુકાનો અને રેસ્ટોરન્ટમાંથી વસ્તુઓ લોકોએ ટેકઅવે કરવાની છે. લારીઓ કે પાનના ગલ્લા પર લોકોએ એકઠા થવું નહીં. તેમજ દુકાનેથી વસ્તુઓ લઇ જઇ ઘરે ઉપયોગ કરવો. લોકો પોતાના ઘરે જ રહે. રાત્રિ કર્ફ્યૂ યથાવત જ છે.

કપડા બજારમાં પણ તમામ દુકાનો ખુલી.
કપડા બજારમાં પણ તમામ દુકાનો ખુલી.