ગુજરાતીઓની આપવીતી:કેદારનાથમાં રાજુ એન્જિનિયરિંગના ચેરમેનના પરિવાર સહિત રાજકોટના 30 યાત્રાળુ ફસાયા, કહ્યું- પીવાનું પાણી કે જમવાનું મળતું નથી, મિલિટરીથી રેસ્ક્યૂ કરો

રાજકોટએક મહિનો પહેલા
  • રાજકોટ જિલ્લાના કોઈ પણ લોકો ફસાયેલા હોય 0281 2471573 નંબર પર તાત્કાલિક વિગતવાર જાણ કરવી
  • ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ચારધામની યાત્રાએ નીકળેલા ગુજરાતીઓ ફસાયા
  • યાત્રાળુઓએ ત્યાંની વિકટ પરિસ્થિતિના વીડિયો મોબાઇલમાં ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ચારધામની યાત્રા પર અસર થઈ છે, યાત્રા‌ળુઓને આગળ વધતાં રોકી દેવામાં આવતાં યાત્રાળુઓની હાલત કફોડી બની છે. હજુ પણ ભારે વરસાદની આગાહી હોઈ, યાત્રાળુઓને નવી સૂચના મળે નહીં ત્યાં સુધી યાત્રા શરૂ નહીં કરવા અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે જાણીતી કંપની રાજુ એન્જિનિયરિંગના ચેરમેનના પરિવાર સહિત રાજકોટના 30 યાત્રાળુ ફસાયા છે. રાજુભાઈ દોશીએ જણાવ્યું હતું કે અહીં પીવાનું પાણી કે જમવાનું પૂરતું મળતું નથી. મિલિટરી દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવે એવી અમારી સરકારને વિનંતી છે.

એક રૂમમાં 12થી 14 વ્યક્તિ રહે છેઃ ઉદ્યોગપતિના ભાઈ
રાજકોટના ઉદ્યોગપતિ રાજુભાઈના રાજકોટમાં રહેતા ભાઈ મુકેશભાઇએ જણાવ્યું હતું કે, આજે સવારે વાત થઇ, વાતાવરણ ઘણું સારું છે. બુધવાર સુધી આગાહી છે અને વાહન વ્યવહાર પણ ઠપ્પ છે. એક રૂમમાં 12થી 14 જણા રહે છે. વાતાવરણ સુંધરતું જશે તો કાલ સવાર સુધીમાં આવી જશે અને સરકાર સલામત સ્થળે ખસેડશે તેવી અપીલ છે. ઉત્તરાખંડ કે અન્ય કોઈ રાજ્યમાં હાલ ભારે વરસાદ કે ખરાબ મોસમના લીધે રાજકોટ જિલ્લાના કોઈ પણ લોકો ફસાયેલા હોય તો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, કલેક્ટર કચેરી 0281 2471573 પર તાત્કાલિક વિગતવાર જાણ કરવા વિનંતી છે.

રાજકોટના યાત્રાળુઓ હાલ સલામત સ્થળે
રાજુભાઇ સાથે રહેલા યાત્રાળુઓએ ત્યાંની વિકટ પરિસ્થિતિના વીડિયો મોબાઇલમાં ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા છે. ઉદ્યોગપતિના પરિવારની સાથે સાથે રાજકોટનો પ્રોફેસર પરિવાર પણ કેદારનાથમાં ફસાયો છે. જોકે હાલ તમામ લોકો સુરક્ષિત જગ્યાએ છે. મહિલાઓ વિનંતી કરે છે કે સરકાર દ્વારા જલદીથી વ્યવસ્થા કરવામાં આવે, જેથી અમે આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવી શકીએ. આ અંગે રાજકોટ કલેક્ટર અરુણ મહેશ બાબુએ પણ રાજકોટના યાત્રાળુઓ સાથે ટેલિફોનિક સંપર્ક કર્યો છે. પ્રોફેસર યશવંત ગોસ્વામી સાથે ટેલિફોનિક વાત કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે રાજકોટના બધા જ યાત્રાળુઓ સલામત સ્થળે છે.

કેદારનાથમાં ફસાયેલો રાજકોટનો ઉદ્યોગપતિનો પરિવાર હોટલમાં.
કેદારનાથમાં ફસાયેલો રાજકોટનો ઉદ્યોગપતિનો પરિવાર હોટલમાં.

અમારા સભ્યો કેદારનાથમાં ફસાયા છેઃ ઉદ્યોગપતિ
ઉદ્યોગપતિ રાજુભાઇ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે અમારા અન્ય સભ્યો કેદારનાથમાં ઉપર ફસાયેલા છે. તેમનો ફોનથી સંપર્ક કર્યો હતો, જાણવા મળ્યું કે તેમને પીવાનું પાણી કે જમવાનું મળતું નથી. ત્યાં ખૂબ જ ઠંડી છે અને ઠંડી સામે રક્ષણ મળી શકે એવાં કપડા પણ નથી. મિલિટરી દ્વારા તેમને રેસ્ક્યૂ કરી નીચે લાવવામાં આવે એવી અમારી વિનંતી છે.

આજે પણ કેદારનાથમાં ઘટાટોપ વાદળો છવાયેલાં છે.
આજે પણ કેદારનાથમાં ઘટાટોપ વાદળો છવાયેલાં છે.

યાત્રાળુઓએ વીડિયોમાં આપવીતી જણાવી
અન્ય રાજકોટની ફસાયેલી વ્યક્તિએ પોતાના મોબાઇલમાં વીડિયો બનાવી પોતાની આપવીતી જણાવતાં કહ્યું હતું કે યાત્રિકો વધારેમાં વધારે કેદારનાથમાં ફસાયેલા છે. હજુ પણ આજે વાદળાં છે. ગત રાત્રે જ હિમવર્ષા થઇ હતી. યાત્રિકો ખૂબ જ પરેશાન છે, કારણ કે ફસાયેલા યાત્રિકો કંઇ રીતે નીચે આવશે. પરિસ્થિતિ એવી છે કે યાત્રિકોનો સંપર્ક થઇ શકતો નથી. ગુજરાત CMOમાંથી પણ ફોન આવ્યો હતો. તેઓ પણ જલદી વ્યવસ્થા કરી રહ્યા હોવાની શક્યતા સેવાઈ રહી છે.

રાજકોટ ઉદ્યોગપતિના પરિવારની મહિલાઓએ આપવીતી જણાવી.
રાજકોટ ઉદ્યોગપતિના પરિવારની મહિલાઓએ આપવીતી જણાવી.

મારો એક દીકરો ઉપર ફસાયો હોવાથી બહુ જ ચિંતાઃ મહિલા
એક મહિલાએ જણાવ્યું હતું કે કાલે તો ખૂબ જ ભયંકર પરિસ્થિતિ હતી. હવે તો વાતાવરણ ચોખ્ખું થાય તો આમાંથી બહાર નીકળી ઘરે જઇ શકીએ. મારો એક દીકરો ઉપર ફસાયો હોવાથી બહુ જ ચિંતા થાય છે. ઉદ્યોગપતિના પરિવારજને જણાવ્યું હતું કે અમે 16 જણાનું ગ્રુપ રાજકોટથી ચારધામની યાત્રાએ નીકળ્યું હતું. પરમ દિવસથી બધા કેદારનાથમાં ફસાઈ ગયા છીએ. આજે વાતાવરણ ચોખ્ખું થઇ ગયું છે. ભગવાન ભોળાનાથ આ સંકટમાંથી બહાર કાઢશે એવી અમને આશા છે.

કેદારનાથમાં પરિસ્થિતિ વધારે વિકટ.
કેદારનાથમાં પરિસ્થિતિ વધારે વિકટ.

અનેક સ્થળે ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધઃ પ્રોફેસર
રાજકોટની કણસાગરા કોલેજના પ્રોફેસર યશવંતભાઇ ગોસ્વામીએ જણાવ્યું હતું કે પોતે 30 લોકોની ટીમ સાથે ચારધામની યાત્રાએ નીકળ્યા છે અને હાલમાં કેદારનાથથી નીચે સીતાપુર બેઝ કેમ્પમાં પહોંચ્યા છે, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ હાલમાં અવરજવર બંધ કરી દેવામાં આવી છે, તેમની સાથેના તમામ યાત્રાળુઓ સલામત સ્થળે છે, પરંતુ ભારે વરસાદને કારણે યાત્રાને અટકાવવામાં આવી રહી છે, રસ્તામાં અનેક સ્થળે ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થઇ ગયા છે.

પ્રોફેસર તેના પરિવાર સાથે.
પ્રોફેસર તેના પરિવાર સાથે.

ભારે વરસાદ વચ્ચે દર્શનાર્થીઓને કલાકો સુધી કતારમાં ઊભું રહેવું પડ્યું હતું
કેદારનાથમાં હાલમાં ઘોડા, પાલખી અને હેલિકોપ્ટરની સેવા બંધ કરી દેવામાં આવી છે. રવિવારે કેદારનાથમાં 3 હજાર જેટલા શ્રદ્ધાળુઓ એકઠા થઇ ગયા હતા અને તેની સામે ઘોડા, પાલખી અને હેલિકોપ્ટર સહિતની વ્યવસ્થા મર્યાદિત હોવાને કારણે યાત્રાળુઓ પરેશાન થઇ રહ્યા છે. રવિવારે ભારે વરસાદ વચ્ચે દર્શનાર્થીઓને કલાકો સુધી કતારમાં ઊભું રહેવું પડ્યું હતું તો કેટલાક લોકો દર્શન કર્યા વગર પરત ફરવા મજબૂર થયા હતા.

કેદારનાથમાં ફસાયેલા રાજકોટના યાત્રાળુ દંપતીની તસવીર.
કેદારનાથમાં ફસાયેલા રાજકોટના યાત્રાળુ દંપતીની તસવીર.

ગુજરાતથી કોઈ લોકો હાલ ચારધામની યાત્રાએ નીકળે નહીં
પ્રોફેસર ગોસ્વામીએ વધુમાં કહ્યું હતું કે જે લોકોએ હાલમાં ચારધામની યાત્રા પ્લાન કરી છે અને આગામી બે-ત્રણ દિવસમાં જો તેઓ પોતાના શહેરથી યાત્રા માટે નીકળવાના હોય તો પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને યાત્રા શરૂ કરવી નહીં. રાજકોટથી ચારધામની યાત્રાનું આયોજન કરનાર રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તેમની સાથે 35 લોકોનો સંઘ ચારધામની યાત્રામાં જોડાયો છે અને હરિદ્વારથી બદ્રીનાથ જવા નીકળ્યા ત્યારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે તેમનો સંઘ સીકોટા પાસે અટકી ગયો છે અને જ્યાં સુધી રસ્તો સાફ ન થાય અને વાતાવરણ ચોખ્ખું ન થાય યાત્રાળુઓને જ્યાં હોય ત્યાં જ સલામત સ્થળે રોકાય જવા તંત્ર દ્વારા સૂચના મળી રહી છે.

રાત્રે કેદારનાથમાં હિમવર્ષા થઈ હતી.
રાત્રે કેદારનાથમાં હિમવર્ષા થઈ હતી.
અન્ય સમાચારો પણ છે...