રાજકોટમાં માદક પદાર્થનું ધૂમ વેચાણ:બે વર્ષમાં 2.45 કરોડના ડ્રગ્સ સાથે 130 શખ્સ ઝડપાયા, હજારો યુવકો બંધાણી પણ માત્ર 34 જ લત છોડવા આગળ આવ્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • જે રીતે દારૂ પકડાય છે તેવું નેટવર્ક પોલીસે ઊભું કરવું પડશે
  • કેન્દ્રએ ડ્રગ્સ માટે સૌથી જોખમી હોય તેવા 272 શહેરનું લિસ્ટ બનાવ્યું જેમાં રાજકોટ પણ સામેલ

રાજકોટ શહેરમાં યુવાધનને બરબાદ કરતા માદક પદાર્થનું વેચાણ ધૂમ થઇ રહ્યું છે, જન્મ દિવસ કે ખુશીના પ્રસંગે યુવાઓ દારૂની મહેફિલ માણતા હતા પરંતુ હવે ટ્રેન્ડ બદલાયો છે અને પાર્ટીમાં ડ્રગ્સનું સેવન થાય છે, ડ્રગ્સનું સેવન કરનારાઓ પર પોલીસની તવાઇ હજુ સુધી બોલી નથી, પરંતુ રાજકોટ પોલીસે બે વર્ષમાં 73 સ્થળે દરોડા પાડી 2.45 કરોડના ડ્રગ્સ સાથે 130 લોકોને ઝડપી લીધા હતા. 2.45 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે તો નશાખોરો સુધી કેટલું ડ્રગ્સ પહોંચ્યું તેની કલ્પના કરવી મુશ્કેલ છે.

દિવસેને દિવસે નશાખોરોની સંખ્યા વધી રહી છે, કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય મંત્રાલયે ડ્રગ્સના સપ્લાયના દૃષ્ટિકોણથી દેશના 272 જિલ્લાને વલનરેબર (જોખમી) જાહેર કર્યા છે જેમાં રાજકોટ જિલ્લાનો પણ સમાવેશ થયો છે જે બાબત જ સૂચવે છે કે રાજકોટમાં ડ્રગ્સનું સેવન કરનાર કેટલા લોકો હશે. ઉપરોક્ત સ્થિતિને ધ્યાને રાખી કેન્દ્ર સરકારે 2020માં નશામુક્ત ભારતની જાહેરાત કરી હતી અને ખાસ કરીને ડ્રગ્સનું સેવન કરનારાઓને નશાની લતથી મુક્ત કરાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, આ માટે પોલીસ, નશાબંધી વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ સહિતનાઓને જવાબદારી સોંપવામાં આવી હતી.

રાજકોટ જિલ્લામાં વીરનગરમાં શિવાનંદ મિશન ખાતે ડ્રગ્સ મુક્તિનું કામ થઇ રહ્યું છે, વિવિધ નશામાં ગરક થયેલા લોકો પોતાની રીતે અથવા તો સરકારી તંત્રની ભલામણ અને કાઉન્સેલિંગથી આ કેન્દ્રમાં આવે છે અને અહીં તેની તમામ પ્રકારની સારવાર કરી નશામુક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. નશામુક્ત ભારતની વાતો થઇ રહી છે પરંતુ સ્થિતિ કંઇક અલગ છે. રાજકોટ શહેરમાં હજારો યુવકો ડ્રગ્સનું સેવન કરી રહ્યા છે.

વિદ્યાર્થીઓ નશાની ગર્તામાં ડૂબ્યા છે
રાજકોટ શહેરમાં ડ્રગ્સનો કાળો કારોબાર કરતા તત્ત્વો શાળા કોલેજના વિદ્યાર્થીઓને પોતાની ચુંગાલમાં ફસાવી રહ્યા છે. શહેરની કેટલીક ખ્યાતનામ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ ડ્રગ્સની પાર્ટી કરતા હોવાની વાત જગજાહેર છે, પોલીસે અગાઉ ડ્રગ્સ વેચતા કેટલાક શખ્સોને પકડ્યા હતા ત્યારે પણ તેઓ ડ્રગ્સની પડીકી વિદ્યાર્થીઓને વેચતા હોવાની કબૂલાત આપી હતી. પોલીસ કમિશનર દ્વારા પણ ડ્રગ્સથી વિદ્યાર્થીઓને બચાવવા અગાઉ શાળા કોલેજમાં સેમિનાર યોજવામાં આવ્યા હતા.

આટલા વિસ્તારોમાં ડ્રગ્સનું ધૂમ વેચાણ
શહેર પોલીસે છેલ્લા બે વર્ષમાં 73 સ્થળે દરોડા પાડી 2.45 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. શહેરના જંગલેશ્વર, ઘાંચીવાડ, શિવાજીનગર, કાલાવડ રોડ આવાસ, રૈયાધાર વિસ્તાર, જંક્શન પ્લોટ, લક્ષ્મીનગર, સહિતના વિસ્તારોમાં માદક પદાર્થની પડીકીનું જાહેરમાં વેચાણ થતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...