ભાયાવદર શહેરની વચ્ચેથી પસાર થતા અને આર.એન.બી.હસ્તકનો ખાખીજાળીયાથી અરણી તેમજ રૂપાવટી નદીના પુલ ઉપરથી પસાર થતો ખારચીયા ગામ તરફ જતા રોડ રસ્તામાં ચોમાસાના વરસાદના કારણે મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જેના લીધે વાહનચાલકોનો માથાના દુખાવા સમાન ત્રાસ થાય છે. આ ખાડાઓના લીધે શહેરની પ્રજા અને વાહન ચલાવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આથી લોકો જ્યારે તંત્રને રજૂઆત કરે ત્યારે નગર પાલિકા વતી અવાર નવાર આ રોડ રસ્તા ના ખાડાઓમાં મેટલ નાખીને કામચલાઉ મરામત કરવામાં આવે છે. પણ પાથરેલી મેટલમાં પથ્થરનો ભાગ વધારે હોવાથી રોડ રસ્તા આજુબાજુ રહેતા રહેવાસીઓ તેમજ ધંધાદારી દુકાનો વાળાને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે.
અને આ બારામાં અનેક વાર શહેરની પ્રજાએ RNB પેટા વિભાગ જેતપુર લેખિત તથા ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં આર.એન.બી.વિભાગે આ બાબત ધ્યાનમાં નહીં લેતા ભાયાવદર નગર પાલિકા પ્રમુખ નયનભાઈ જીવાણીએ પત્ર લખીને મુખ્યમંત્રી ને રજૂઆત કરી છે કે આ અંગે આર.એન.બી વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવે અને લોકોને આ હાલાકીમાંથી મુક્તિ અપાવવામાં આવે. જો ટૂંકા ગાળામાં ઘટતું નહીં કરવામાં આવે તો નાછૂટકે આવનારા સમયમાં આ બંને રોડ રસ્તા ના ગાબડા વિષે રહેવાસી તથા વેપારી ભાઈઓને સાથે રાખીને ચક્કાજામ કરવાની ફરજ પડશે તેવી અંતમાં ચીમકી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.