તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • From Kesari Bridge To Hospital Chowk, You Have To Turn To Bedinaka From Today, If You Go From There, You Will Get Stuck In Traffic Jam

ભાસ્કર ગાઈડ:કેસરી પુલથી હોસ્પિટલ ચોક જવા આજથી બેડીનાકા વળવું પડશે, ત્યાંથી જશો તો જામમાં ફસાશો : 2.5 કિલોમીટર ફરી ભૂપેન્દ્ર રોડથી નીકળશો તો ટ્રાફિક નહીં નડે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલ ચોકમાં બની રહેલા થ્રી આર્મ ફ્લાય ઓવરબ્રિજની કામગીરી આગળ વધતાં કોર્ટ સુધીનો રસ્તો આજથી બંધ કરાશે
  • લોકોને કેટલી મુશ્કેલી પડશે અને શું કરવાથી સરળતા રહેશે તે જાણવા ભાસ્કરની ટીમે છ કલાક સુધી અલગ અલગ રસ્તા પરથી ફરીને સરવે કર્યો
  • ટુ-થ્રી વ્હિલર વાહનો કેસરી પુલ પર ચાલી શકશે, ફોર વ્હિલરને શહેરમાં આવવા માટે ચુનારાવાડ, ઢેબર રોડ અને ગોંડલ રોડથી જવું પડશે

હોસ્પિટલ ચોકમાં બની રહેલી થ્રી આર્મ ફ્લાય ઓવરની કામગીરી વેગવંતી બનતા મંગળવારથી કેસરી પુલથી કોર્ટ તરફનો રસ્તો પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. પારેવડી ચોક તરફથી હોસ્પિટલ ચોક તરફ જતા વાહનચાલકોએ બેડીનાકા ટાવર તરફથી વળીને મોચીબજાર મેઇન રોડ પરથી મચ્છી માર્કેટ નજીકથી હોસ્પિટલ ચોક તરફ જવાનું રહેશે, પરંતુ આ રસ્તો સાંકડો તેમજ ગીચ હોવાથી ભારે ટ્રાફિકજામ થવાની સંભાવના રહેશે.

શહેરીજનો ટ્રાફિકજામમાં ફસાય નહીં તે માટે ‘દિવ્ય ભાસ્કર’ની ટીમે છ કલાક સુધી અલગ અલગ માર્ગો પર ફરીને સરવે કરતાં ઉપલાકાંઠા વિસ્તારના વાહનચાલકો કેસરી પુલને બદલે શીતળામાતા મંદિર નજીકનો માર્ગ તેમજ પાંજરાપોળથી કોઠારિયાનાકા, ભૂપેન્દ્ર રોડ થઇ ત્રિકોણબાગ તરફ 2.5 કિ.મી. ફરશે તો તેને ટ્રાફિકજામની સ્થિતિનો સામનો કરવો પડશે નહીં.

પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ કેસરી પુલથી બેડીનાકા તરફ મોચીબજાર મેઇન રોડ પર માત્ર ટુ વ્હિલર અને થ્રી વ્હિલર વાહનો જ પસાર થઇ શકશે, ફોર વ્હિલ કે મોટા વાહનો માટે આ રસ્તા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવા ભારે વાહનના ચાલકોએ ડિલક્સ ચોકથી ભાવનગર રોડ થઇ ચુનારાવાડ, એંસી ફૂટ રોડ અથવા ગોંડલ રોડ થઇ શહેર તરફ આવવાનું રહેશે.

આ રસ્તે ચાલશો તો ટ્રાફિકજામમાં ફસાશો નહીં
1
ડિલક્સ ચોક ભાવનગર રોડથી શીતળા માતાજીના મંદિરથી ગઢની રાંગ તરફ ટુ વ્હિલર જઇ શકશે.

2 ડિલક્સ ચોકથી કોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, કલેક્ટર ઓફિસ, એરપોર્ટ, કાલાવડ રોડ તરફ જવા ઇચ્છુક વાહનચાલક ભાવનગર રોડ, પાંજરાપોળથી રામનાથપરા સ્મશાનથી ગરુડ ગરબી ચોક તરફથી જઇ શકાશે.

3 ફોર વ્હિલર કે ભારે વાહનના ચાલકો ડિલક્સ ચોકથી કોર્ટ, રેલવે, બસ સ્ટેશન, એરપોર્ટ કે કાલાવડ રોડ પર જવા ઇચ્છતા હોય તો તેઓ ભાવનગર રોડ ચુનારાવાડ ચોકથી રામનાથપરા પોલીસલાઇનથી જિલ્લા ગાર્ડન તરફ જઇ શકશે.

4 કાલાવડ રોડ, કોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, કલેક્ટર કચેરી, પરાબજાર, સિવિલ હોસ્પિટલ, ત્રિકોણબાગ, રેસકોર્સ તરફથી ઉપલાકાંઠા તરફ જવા ઇચ્છુક તમામ પ્રકારના વાહનચાલકો કાલાવડ રોડ, બસ સ્ટેશન, ઢેબર રોડ, ગોંડલ રોડ, ટાગોરમાર્ગ, મક્કમ ચોક, એંસી ફૂટ રોડથી અમૂલ સર્કલથી રામનાથપરા, ભાવનગર રોડ પર જઇ શકાશે.

5 જામનગર રોડથી આવતા અને અમદાવાદ જવા ઇચ્છુક વાહનચાલકો માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફથી જઇ શકશે.

મોચીબજાર મેઇન રોડ પરની દુકાન અને સાંકડા રસ્તાઓ પડકારરૂપ બનશે
કેસરી પુલથી બેડીનાકા તરફ વળી મોચીબજાર મેઇન રોડ પર માત્ર ટુ અને થ્રી વ્હીલર વાહનની અવરજવર થશે, મોચીબજાર મેઇન રોડ પર બંને બાજુ આવેલી દુકાનો અને સાકંડો રસ્તો ટ્રાફિકજામ કરશે તેમજ મચ્છી માર્કેટ અને જ્યુબિલી તરફની અવરજવર કરતા વાહનો ટ્રાફિક વ્યવસ્થા માટે પડકારરૂપ બનશે. ખરીદીના સમયે કલાકો સુધી વાહન ચાલકો પરેશાન થશે.

પારેવડી ચોકથી જંક્શન જવા માટે 2 કિલોમીટર વધુ ફરવું પડશે
પારેવડી ચોકથી રેલવે જંક્શન જવા ઇચ્છુક વાહનચાલક સોમવાર સુધી કેસરી પુલથી કોર્ટ સુધી જઇ જમણી બાજુ જંક્શન મેઇન રોડ તરફ વળતા હતા અને આ માટે કેસરી પુલથી જંક્શન સુધીનો 1.4 કિ.મી.નું અંતર થતું હતું પરંતુ મંગળવારથી પુલથી ડાબી બાજુ મોચીબજાર મેઇન રોડથી હોસ્પિટલ ચોક, ચૌધરી હાઇસ્કૂલ, ધરમ સિનેમા, જામટાવર, રૂડા કચેરીથી જામનગર રોડ, ભિસ્તીવાડ થઇ જંક્શન જવું પડશે આ માટે વાહનચાલકને 2 કિલોમીટર વધુ વાહન ચલાવવું પડશે.

ઉપલાકાંઠા તરફથી આવતા લોકોને મચ્છી માર્કેટની દુર્ગંધ લેવી પડશે
કોર્ટ તરફનો રસ્તો બંધ કરાતા હોસ્પિટલ ચોક તરફથી પારેવડી ચોક તરફ જતા વાહનચાલકોને હોસ્પિટલ ચોકથી મચ્છી માર્કેટ ચોક તરફ જવું પડશે અને ત્યાંથી મોચીબજાર મેઇન રોડ પર જઇ શકાશે તેમજ કેસરી પુલથી હોસ્પિટલ જવા ઇચ્છુક વાહનચાલકને બેડીનાકા તરફથી મોચીબજાર મેઇન રોડ થઇ મચ્છી માર્કેટ સુધી જવાનું રહેશે. ભાસ્કરની ટીમ મચ્છી માર્કેટની સ્થિતિ ચકાસવા પહોંચી ત્યારે માર્કેટથી 500 મીટર દૂર મચ્છી માર્કેટ આવે છે. આ રસ્તા પરથી પસાર થતાં લોકોને મચ્છી માર્કેટની દુર્ગંધ સહન કરવી પડશે.

અન્ય સમાચારો પણ છે...