ભાસ્કર LIVE:રાજકોટમાં વરસાદના રૌદ્રસ્વરૂપે ડરાવ્યા, પરંતુ લોકોએ હિંમતભેર એકબીજાની મદદ કરી જીવ બચાવ્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરમાં પાણી ઘૂસ્યા, ઘરવખરી બગડી પણ માનવતા મહેકી અને આફત ટળી
  • લલૂડી વોંકળી વિસ્તારના 100 થી વધુ ઘરમાં પાણી ઘૂસી ગયા, બપોરે ઘરમાં ચૂલા ન સળગ્યા

સામાન્ય વરસાદમાં પણ જ્યાં સહુથી વધુ અસર થાય છે તેવા નીચાણવાળા લલૂડી વોંકળી વિસ્તારમાં તો ભારે વરસાદથી લોકોમાં ભયનું લખલખું પ્રસરી ગયું હતું, 200 મકાનના આ વિસ્તારમાં 100 જેટલા મકાનમાં પાણી ઘૂસી ગયા હતા, લોકોની ઘરવખરી પાણીમાં ધોવાઇ ગઇ હતી, રવિ મુંડિયા નામના યુવકે કહ્યું હતું કે, રાત્રીથી જ વિસ્તારમાં પાણી ભરાવા લાગ્યા હતા અને સવારે થયેલા ભારે વરસાદથી પાણી ઘરમાં પ્રવેશવા લાગ્યા હતા, સવારથી જ લોકો કિંમતી માલસામાન બચાવવા મથામણ કરી રહ્યા હતા, બપોરે એકપણ ઘરમાં ચૂલો સળગ્યો નહોતો, વિસ્તારના આગેવાનોએ કેવડાવાડી વિસ્તારમાં સામૂહિક ભોજનની વ્યવસ્થા કરતા કેટલાક લોકોએ ત્યાં જઇને જઠરાગ્નિ ઠારી હતી, સાંજે વરસાદ બંધ રહેતા પાણી ઓસરી ગયું હતું.

7 ગાય તણાઇ, કારમાં બેઠેલા ત્રણને લોકોએ બચાવ્યા.
7 ગાય તણાઇ, કારમાં બેઠેલા ત્રણને લોકોએ બચાવ્યા.

રૈયાગામ સ્મશાન પાસે બની રહેલી બિલ્ડિંગનું હોર્ડિંગ ધડાકાભેર તૂટીને નીચે પડ્યું હતું અને તરવા લાગ્યું હતું, પુલ પરથી નીકળી રહેલી સાત ગાય પાણીના પ્રવાહમાં તણાવા લાગી હતી, લગભગ 100 મીટર જેટલી તણાયા બાદ ગાય હેમખેમ રીતે બહાર નીકળી ગઇ હતી. એક કાર ત્યાંથી પસાર થઇ હતી અને તેમાં ત્રણ લોકો બેઠા હતા, ચાલકના કાબૂમાં સ્ટિયરિંગ રહ્યું નહોતું અને પાણીના ખેંચાણથી કાર હાલક ડોલક થ‌વા લાગી હતી, કાર અને તેમાં બેઠેલા લોકો તણાઇ જશે તેવી ભીતિ લાગવા માંડી હતી તે વખતે ત્યાં હાજર યુવાનો એકઠા થયા હતા અને હાથસાંકળ બનાવી કારમાંથી ત્રણેય લોકોને હેમખેમ બહાર કાઢ્યા.

બીએમડબ્લ્યુ સહિત ચાર કાર પાણીમાં તણાવા લાગી.
બીએમડબ્લ્યુ સહિત ચાર કાર પાણીમાં તણાવા લાગી.

રૈયા રોડથી સાધુવાસવાણી રોડ તરફ જતાં ચોકમાં બપોરે બે વાગ્યાના અરસામાં એક બીએમડબ્લ્યુ, એક વેગનઆર સહિત ચાર કાર પાણીમાં ફસાઇ હતી, પાણીના પ્રવાહ વચ્ચે કાર ટકી શકે તેમ નહોતી અને તેમાં બેસેલા લોકો ગમે ત્યારે કાર સહિત ફંગોળાશે તેવી સ્થિતિ નિર્માણ પામી હતી, એ વિસ્તારના લોકોએ હાથસાંકળ બનાવી તેમજ દોરી ફેંકી કારમાંથી લોકોને બહાર કાઢ્યા હતા તેમજ એક યુવક પાણીમાં ખેંચાવા લાગ્યો હતો તે વખતે જ તેના હાથમાં મનપાનું સાઇનબોર્ડ આવી ગયું હતું અને તે સાઇનબોર્ડ પકડીને ઊભો રહી ગયો હતો, લોકોએ દોરી ફેંકી તે દોરીના સહારે યુવક પાણીમાંથી સલામત રીતે બહાર આવી ગયો.

તંત્ર સ્ટેન્ડ ટુ જ છે પણ લોકો બિનજરૂરી બહાર ન નીકળે
ગોંડલના ગામોમાં રેસ્ક્યૂની કામગીરી હતી તેથી ડીડીઓ સહિતના અધિકારીઓ ત્યાં જ હતા. જિલ્લામાં હજુ 18 તારીખ સુધી ભારે વરસાદની આગાહી છે અને આજે જે વરસાદ પડ્યો તેમાં 23 ગામ સંપર્ક વિહોણા થયા છે અને 55 ગામોમાંથી 1155થી વધુને રેસ્ક્યૂ કરાયા છે. એસડીઆરએફની એક ટીમ રેસ્ક્યૂ કરી રહી છે બીજી ટીમ આવી છે તેમજ કેન્દ્ર સરકાર પાસેથી 3 એનડીઆરએફની ટુકડી મદદ માટે આવી રહી છે. પોરબંદરથી નેવીની ટીમ તેમજ ભાવનગર નગરપાલિકા પાસેથી 3 બોટ પણ મગાવી છે. જિલ્લા વહીવટી તંત્ર હોય કે મહાનગરપાલિકા હોય આખું જ તંત્ર સ્ટેન્ડ ટુ છે જ પણ લોકોએ આગામી 3 દિવસ સુધી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું’ > અરૂણ મહેશ બાબુ, જિલ્લા કલેક્ટર, રાજકોટ

​​​​​​​ન્યારી બાદ રાત્રે આજીની સપાટી વધતા ત્યાં એલર્ટ અપાયું
શહેરમાં ભારે વરસાદને પગલે અલગ-અલગ જગ્યાએથી 1200થી વધુ લોકોને સલામત સ્થળે શિફ્ટ કર્યા છે અને તમામ માટે જમવાની વ્યવસ્થા કરી આપી છે 3 હેલ્પલાઈન શરૂ કરી હતી જેમાં પાણી ભરાયાની 118 ફરિયાદ હતી તે તમામમાં કામગીરી થઈ ગઈ છે. વરસાદ ધીમો પડતા સ્થિતિમાં સુધારો આવ્યો છે પણ મોડી સાંજથી ત્રંબા સહિતના વિસ્તારોમાં વરસાદ આવતા આજીમાં પ્રવાહ વધ્યો છે. સાંજ સુધીમાં સપાટી 27 ફૂટ થતા હવે નીચાણવાસના 16 વિસ્તારમાં સ્થળાંતરની કામગીરી કરી છે ગમે ત્યારે ડેમ ઓવરફ્લો થઈ શકે છે. શહેરીજનોએ બ્રિજ કે ડેમ તરફ પાણી જોવા ન જાય અને બિનજરૂરી બહાર ન નીકળે’ > અમિત અરોરા, મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ

અન્ય સમાચારો પણ છે...