તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિષ્ઠુર માતા:રાજકોટના પડધરીમાંથી નવજાત બાળકી મળી, વાડી માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી; મહિલાના ફૂટ પ્રિન્ટ મળી આવ્યાં

રાજકોટ23 દિવસ પહેલા
  • લાલ કપડામાં વીંટાળેલી બાળકી પર ધૂળ નાખી ઢાંકી દેવામાં આવી હતી, સ્થળ પર સારવાર
  • ગામના આગેવાને 108ને જાણ કરતાં સારવાર અપાઈ

રાજકોટના પડધરી ગામમાં આજે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ગામના આગેવાને 108ને જાણ કરી હતી કે લાલ કપડાં પર ધૂળ નાખી ઢાંકેલી બાળકી મળી આવી છે, જેના આધારે 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેણે તરત તેની સારવાર શરૂ કરી દીધી હતી. ગ્રામજનોમાં ફૂલ જેવી બાળકીને તરછોડી મૂકનાર માતા સામે ધિક્કારની લાગણી વ્યાપી હતી. વાડી મલિક નવલસિંહ જાડેજાએ ફરિયાદી બની ગુનો નોંધાવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, નવજાત બાળકીનો જન્મ રાતે 3 વાગ્યાની આસપાસ થયો હતો. આ ઉપરાંત ઘટનાસ્થળથી 100 મીટર દૂર ડિલીવરી થઈ હતી. રોડ ઉપર મહિલાના પગના લોહીવાળા નિશાન અને પરત જતી વખતના ફૂટ પ્રિન્ટ પણ મળ્યા હતા. પોલીસે હાલ બાળકીના DNA અને રોડ પરથી લીધેલા લોહીના નમૂના FSLમાં મોકલ્યા હતા. નવજાત બાળકીને ખાડામાં રેતી નાખી દાટી દેવાનો પ્રયાસ કર્યો હતો.

ગામના આગેવાને 108ને જાણ કરતાં અપાઈ સારવાર
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે વહેલી સવારે 6:30 કલાક આપસાસ પડધરીના નાની ખીજળિયા ગામના તળાવ નજીક એક નવજાત બાળકી મળી આવી હતી. બાળકીને લાલ કપડામાં વીંટાળી તળાવ નજીક મૂકી દઈ તેના પર ધૂળ નાખી દેવામાં આવી હતી, પરંતુ બાળકી જીવતી હોવાથી ત્યાંથી પસાર થઈ રહેલા એક રાહદારીની નજર તેના પર પડી અને તેણે કપડું ખોલી જોતાં એમાંથી બાળકી મળી આવી હતી, તેથી ગ્રામજનો દ્વારા તળાવ નજીક તાજી જન્મેલી બાળકીને મૂકી ગયું હોવાની જાણ તરત 108ને કરવામાં આવી હતી.

સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી
તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરાતાં પાયલોટ, ઇએમટી ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને બાળકીને 108માં જ ઓક્સિજન પૂરો પાડીને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. જરૂરી સારવાર આપી બાળકીને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અંબા બાદ ફરીવાર એક ત્યજેલી બાળકી મળી આવી છે.

સગર્ભાઓની યાદી મેળવી તપાસ શરૂ કરાઈ
બાળકી સીમમાંથી મળી હતી, તે સ્થળ નજીક સીસીટીવી કેમેરા ન હોવાથી બાળકીની માતાની ઓળખ મેળવવી પડકારરૂપ છે, પીએસઆઇ ખોખરે કહ્યું હતું કે, પડધરી તાલુકાના ગામોની આંગણવાડીમાંથી સગર્ભાઓની યાદી મેળવવામાં આવી છે અને તે યાદી પર સગર્ભાઓની માહિતી મેળવી બાળકીની જનેતા સુધી પહોંચવાના પ્રયાસ કરવામાં આવશે.

ભાસ્કર વિચાર
માત્ર માતા જ નહીં પિતા પણ એટલો જ જવાબદાર

નવજાત માસૂમોને તરછોડી દેવાની ઘટનાઓમાં આપણે સીધો જ દોષ માતાને આપીએ છીએ. ક્રૂર, હૃદય વગરની, પથ્થરદીલ જેવા અનેક શબ્દોનો પ્રયોગ કરીએ છીએ. પરંતુ, શું આવી ઘટનામાં માત્ર માતા જ જવાબદાર છે? તરછોડાયેલા એ બાળકોના પિતાની કોઈ જવાબદારી નથી? તેના પર કેમ ફિટકાર નથી વરસાવતા. દિવ્ય ભાસ્કર અહીં માસૂમોને તરછોડનારી માતાઓની તરફેણ નથી કરતું પરંતુ અમે એ કહેવા માગીએ છીએ કે પિતા પણ એટલો જ જવાબદાર છે.