નિર્ણય:જાહેરનામાની ઝંઝટમાંથી મુક્તિ, વેપારીઓ હવે 15 ઓગસ્ટ સુધી વેક્સિન મુકાવી શકશે

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ‘દિવ્ય ભાસ્કરે’ અગાઉ જ કહ્યું હતું કે વેપારીઓને રસી માટે વધુ મુદ્દત આપવી પડશે

રાજકોટના વ્યવસાયિકો, ધંધાર્થીઓએ તા.31 જુલાઇ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લેવાનો રહેશે તેવું પોલીસ કમિશનરે અગાઉ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું પરંતુ શનિવારે મુખ્યમંત્રીએ વેપારીઓને વેક્સિન લેવાની મુદ્તમાં વધારો કરી તા.15 ઓગસ્ટ સુધીમાં વેક્સિન લઇ લેવાની જાહેરાત કરતાં પોલીસ કમિશનરનું જાહેરનામું આપોઆપ રદ થઇ ગયું હતું.

શહેરમાં વેક્સિનની અછત હોવાથી ધંધાર્થીઓ તા.31 સુધીમાં વેક્સિન લઇ શકે તેવી સ્થિતિ નહોતી, ‘દિવ્ય ભાસ્કરે’ અગાઉ જ કહ્યું હતું કે, આ જાહેરનામાથી વેપારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થશે. શુક્રવારે બપોરે પોલીસ કમિશનરે વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે, વેક્સિન ફરજિયાતનું જાહેરનામું હટાવી લેવામાં આવે છે પણ રાત્રે 9 વાગ્યે કમિશનર અગ્રવાલે ફેરવી તોળ્યું હતું અને તા.31 સુધીમાં વેક્સિન ફરજિયાતની વાત કરતાં વેપારીઓમાં કચવાટ ફેલાયો હતો. જોકે શનિવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જાહેરાત કરી હતી કે, વેપારીઓ માટેની વેક્સિનેશનની સમયમર્યાદા વધારીને 15 ઓગસ્ટ સુધી કરાઇ છે.

શનિવારે માત્ર 8000 ડોઝ આવ્યા, કતારો યથાવત્
રાજકોટ શહેરને ગુરુવારે 13000 ડોઝ ફાળવ્યા હતા ત્યારબાર રસીના ડોઝ ઘટાડી દેવાયા હતા. શનિવારના વેક્સિનેશન માટે માંડ 8000 ડોઝ આવ્યા હતા. રસીની આ અછતને કારણે લોકો આરોગ્ય કેન્દ્રમાં વહેલી સવારથી જ કતારમા લાગી જાય છે. રાજકોટને વધુ ડોઝ આપવામાં આવે તો ડિસેમ્બર પહેલાં બંને ડોઝનું 100 ટકા વેક્સિનેશન થઇ શકે.

બીજા ડોઝ માટે ઝુંબેશ : શહેરને 15000 ડોઝ ફાળવાયા
રાજકોટ શહેરમાં રવિવારે પણ વેક્સિનેશન ચાલુ રાખવામાં આવશે જોકે માત્રને માત્ર બીજો ડોઝ લેવાનો બાકી હોય તેમનું જ વેક્સિનેશન કરાશે તેવું સ્પષ્ટ કરાયું છે.
રસીનો પ્રથમ ડોઝ લીધો હોય અને બીજો ડોઝ લેવાનો સમય થઈ ગયો હોય છતાં કોઇને કોઇ કારણોસર રસી લેવા ન આવ્યા હોય તેમના માટે ખાસ કેમ્પ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેને પરિણામે રાજકોટ મહાનગરપાલિકાએ રવિવારે બીજા ડોઝ માટેના વેક્સિનેશન કેમ્પનું આયોજન કર્યું છે. આ માટે આરોગ્ય વિભાગે 15000 ડોઝનો સ્ટોક મોકલ્યો છે. સવારથી સાંજ સુધી 36 સાઈટ પર વેક્સિનેશન થશે અને પ્રથમ ડોઝ માટે રજિસ્ટ્રેશન નહિ થાય તેવું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

રાજકોટ શહેરની જ વાત કરીએ તો 50 હજારથી વધુ લોકો એવા છે જેમને રસી લીધાને 100 દિવસ કરતા વધુ સમય વીતી ગયો છે. રસીકરણ કેન્દ્રો પર વધતી કતારો તેમજ શોર્ટેજને કારણે તેઓ રસીનો બીજો ડોઝ લેવાનું સતત ટાળી રહ્યા છે. રાજકોટ શહેરમાં પ્રથમ ડોઝનું કવરેજ 80 ટકાથી વધુ થઈ જતા હવે બીજા ડોઝ પર વધારે ધ્યાને કેન્દ્રિત કરાઈ રહ્યું છે.