LRD ભરતીમાં શિક્ષાદાન:ધોરાજીમાં PSIના માર્ગદર્શનમાં પોલીસ ભરતીના નિઃશુલ્ક કોચિંગ ક્લાસનું આયોજન, હોસ્ટેલની સુવિધા સાથે 130 ઉમેદવાર લઈ રહ્યા છે ટ્રેનિંગ

રાજકોટ2 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • ઉમેદવારોને તાલીમ માટે જૂનાગઢથી ફેકલ્ટીઓ બોલાવાય છે
  • ધોરાજી ખાતે ફરજ બજાવતા પોલીસ સબ-ઇન્સ્પેકટર ચંદ્રેશ મકવાણા યુવાઓને તાલીમ આપે છે

રાજ્યમાં PSI તથા LRDની 11 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે, જેના માટે લાખો વિદ્યાર્થીઓ દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. બીજી તરફ આગામી સમયમાં પોલીસ કોન્સ્ટેબલ તેમજ PSIની લેવામાં આવનાર ફિઝિકલ અને થિયરી ટેસ્ટની તૈયારીઓ માટે ધોરાજીમાં નોલેજ સોસાયટી દ્વારા નિઃશુલ્ક ફિઝિકલ ટ્રેનિંગ અને કોચિંગ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે.

130 ભાઈ-બહેનોને હોસ્ટેલની સુવિધા સાથે તાલીમ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા અને શહેર વિસ્તારના તમામ જ્ઞાતિના યુવાનો માટે તેમજ અન્ય વિસ્તારોમાંથી આવતા અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે ધોરાજી પોરબંદર હાઇવે પર આવેલા ગ્રાઉન્ડ ખાતે ફ્રી પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધોરાજી ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટર ચંદ્રેશ મકવાણા યુવાનોને તાલીમ આપી રહ્યા છે. આ સાથે અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા પણ મદદ કરવામાં આવતા 130 જેટલા ભાઇઓ તેમજ બહેનોએ તાલીમ મેળવવા ભાગ લીધો છે.

130 જેટલાં ભાઇઓ તેમજ બહેનોએ તાલીમ મેળવવા ભાગ લીધો છે.
130 જેટલાં ભાઇઓ તેમજ બહેનોએ તાલીમ મેળવવા ભાગ લીધો છે.

ઉમેદવારો માટે જૂનાગઢથી ફેકલ્ટીઓ બોલાવાય છે
આ વિશે વાત કરતા PSI ચંદ્રેશ મકવાણાએ કહ્યું, અમે નોલેજ સોસાયટીના નેજા હેઠળ તાલીમ વર્ગોનું આયોજન કર્યું છે, આ તાલીમ વર્ગો એકદમ નિઃશુલ્ક છે. અનુસૂચિત જાતિ સમાજના છોકરા-છોકરીઓ સરકારી નોકરીઓ પાસ કરી, સારી રીતે જીવન જીવી શકે એ હેતુથી અમે આ આયોજન કર્યું છે, અત્યારે 120થી 130 જેટલા છોકરા-છોકરીઓની સંખ્યા છે, રહેવા-જમવાની અમે વ્યવસ્થા કરીએ છીએ, હોસ્ટેલ પણ છે. આ માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. તમામ ખર્ચો સમાજના આગેવાનો તથા આપસાપના ગ્રામ્ય વિસ્તારના આગેવાનો તરફથી ઉઠાવવામાં આવે છે. અમે આયોજક તરીકે કામ કરીને છોકરાઓને માર્ગદર્શન આપીએ છીએ. બાકી જુનાગઢ અને ધોરાજીથી અમે ફેકલ્ટીઓને બોલાવીએ છીએ.

ધોરાજી ખાતે ફરજ બજાવતા પોલીસ સબ-ઇન્સ્પેકટર ચંદ્રેશ મકવાણા યુવાનોને તાલીમ આપી રહ્યા છે.
ધોરાજી ખાતે ફરજ બજાવતા પોલીસ સબ-ઇન્સ્પેકટર ચંદ્રેશ મકવાણા યુવાનોને તાલીમ આપી રહ્યા છે.

ઉમેદવારોની તનતોડ મહેનત
નોંધનીય છે કે, ધોરાજીમાં આ મેદાન પર ફિઝિકલ તાલીમ મેળવતા યુવાનો તેમજ યુવતીઓ અલગ અલગ વિભાગમાં રોજ સવારે 6 થી 10 વાગ્યા સુધી રનિંગ અને એક્સરસાઇઝ કરી રહ્યા છે. ફિઝિકલ ફિટનેસની સાથે સાથે થિયરી માટે કોચિંગ ક્લાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માટે મોટી સંખ્યામાં ઉત્સાહ ભેર ઉમેદવારો પોલીસ ભરતી માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.

મહિલા ઉમેદવારની તસવીર.
મહિલા ઉમેદવારની તસવીર.

LRDમાં 9.46 લાખ ઉમેદવારો નોકરીની રેસમાં
ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મગાવાઈ હતી, જેમાં લોકરક્ષક દળમાં ભરતી માટે કુલ 12 લાખ જેટલી અરજીઓમાંથી 9.46 લાખ અરજી કન્ફર્મ થઈ હતી. આમાં 6.92 લાખ પુરુષ અને 2.54 લાખ મહિલાની અરજીઓ કન્ફર્મ થઈ. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે.