ફેક કોલસેન્ટર:2 હજાર અમેરિકનો સાથે છેતરપિંડી, પોલીસ વિદેશીઓનો મેલથી સંપર્ક કરશે, નવ શખ્સની ધરપકડ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 150 ફૂટ રિંગ રોડ પર આલ્ફા પ્લસ કોમ્પલેક્સમાં 13 દિવસથી કોલસેન્ટર ધમધમતું હતું
  • સોફ્ટવેર કંપની ખોલવાના નામે દલાલ પાસેથી ઓફિસ ભાડે મેળવી હોવાનું પૂછપરછમાં કબૂલ્યુ

શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આલ્ફા પ્લસ કોમ્પલેક્સમાં ચાલતા કોલ સેન્ટર પર પોલીસે દરોડો પાડી યુવતી સહિત 9 શખ્સોને ઝડપી લીધા હતા. ચિટર ગેંગ અમેરિકા અને કેનેડાના લોકોને મેસેજ મોકલી ધમકાવીને પૈસા પડાવતી હતી. ચીટરગેંગે 13 દિવસમાં 2 હજાર લોકોને છેતર્યાનું બહાર આવ્યું હતું. ભોગ બનનાર વિદેશીઓનો ઇમેઇલથી સંપર્ક કરવા પોલીસે કવાયત શરૂ કરી હતી.

ચીટરગેંગ 100 થી 200 ડોલરના વાઉચર મેળવીને ઠગાઇ કરતા હતા
આલ્ફા પ્લસ કોમ્પલેક્સના આઠમા માળે ચાલતા કોલ સેન્ટર પર ક્રાઇમબ્રાંચની ટીમે દરોડો પાડી યુવતી સહિત 9 શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી 10 કમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ પૂછપરછમાં કોલ સેન્ટર ચાલતું હોવાનો અને અમેરિકા તથા કેનેડાના લોકોને ફોન-મેસેજ કરી તેમણે ગેરકાનૂની પ્રવૃત્તિ કરી છે તેમ કહી ધમકાવતા હોવાનો પર્દાફાશ થયો હતો. ચીટરગેંગ 100 થી 200 ડોલરના વાઉચર મેળવીને ઠગાઇ કરતા હતા. ઝડપાયેલા નવેય શખ્સોના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા શુક્રવારે પોલીસે તમામની ધરપકડ કરી હતી અને શનિવારે આરોપીઓને રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોલ સેન્ટરના સૂત્રધાર તરીકે દેવેન્દ્ર ઉર્ફે નેનોનું નામ ખુલ્યું હતું તે દરોડા પહેલા જ નાસી ગયો હતો. દેવેન્દ્ર મુંબઇ તરફ ભાગ્યાની માહિતી મળતા રાજકોટ પોલીસે મુંબઇ પોલીસનો સંપર્ક કરી આરોપીને પકડવાની તજવીજ શરૂ કરી હતી, બીજીબાજુ ઝડપાયેલા શખ્સોની પૂછપરછમાં છેલ્લા 13 દિવસમાં 2000 વિદેશીઓને નિશાન બનાવ્યાનું ખુલ્યું હતું.

પીઆઇ વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, ચીટર ગેંગનો ભોગ બનનાર અમેરિકા અને કેનેડા રહેતા હોય તેમનો સીધો સંપર્ક કરવો મુશ્કેલછે, ભોગ બનનારા લોકોનો મોબાઇલ કે ઇમેઇલ મેસેજથી સમર્થન મળે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યાછે. તેમજ સૂત્રધાર દેવેન્દ્રએ આલ્ફા પ્લસ કોમ્પલેક્સમાં ઓફિસ ભાડે રાખવા માટે દલાલનો સંપર્ક કર્યો ત્યારે સોફ્ટવેર કંપની ચાલુ કરવાની વાત કરી દલાલ અને ઓફિસ માલિકને ગેરમાર્ગે દોર્યા હતા. સુત્રધાર દેવેન્દ્ર હાથ આવ્યા બાદ વધુ સ્ફોટક વિગતો બહાર આવવાની સંભાવના તપાસનીશ અધિકારીએ વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...