ઠગાઇ:શેરબજારમાં રોકાણની સાથે વળતરની લાલચ આપી અઢી કરોડની છેતરપિંડી

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કંપનીમાં નોકરી કરતા યુવાને તેના માલિક સામે નોંધાવી ફરિયાદ

દોઢસો ફૂટ રિંગ રોડ, માધવપાર્કમાં રહેતા દિવ્યેશ મીઠાલાલ ત્રાડા નામના યુવાને ટ્રીગોન ટેક્નોલોજી એલએલપી કંપનીના માલિક દિવ્યેશ દામજીભાઇ સાંગાણી સામે રૂ.અઢી કરોડની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.યુવાનની ફરિયાદ મુજબ, શેરબજારનું ટ્રેડિંગ તેમજ સોફ્ટવેર ડેવલપમેન્ટને લગતું કામકાજ કરતી ટ્રીગોન ટેક્નોલોજી કંપનીમાં તે ચાર વર્ષથી સોફ્ટવેર ડેવલપમેન્ટનું કામ કરે છે. કંપનીની ઓફિસ શિવાલિક-8માં આવેલી છે.

નોકરી દરમિયાન માલિક દિવ્યેશભાઇએ તમારું કે તમારા મિત્રને કંપનીમાં રોકાણ કરવું હોય તો કહેજો, તેમને દર મહિને 3 ટકા પ્રોફિટ શેરિંગનો હિસ્સો આપીશું અને તમને ધંધામાં ભાગ આપવાની વાત કરી હતી. જેથી પ્રથમ પોતેજ બે લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. બાદમાં પોતાના કુલ 8.50 લાખ અને મારા સંબંધીઓ તેમજ મિત્ર વર્તુળોના મળી કુલ રૂ.2.50 કરોડનું રોકાણ કર્યું હતું. રોકાણ કર્યાના થોડા સમય સુધી માલિક દિવ્યેશભાઇએ કંપનીના નામના ચેક લખી આપી વળતર આપ્યું હતું. ત્યાર બાદ માલિક દિવ્યેશભાઇએ વળતર ચૂકવવાનું બંધ કરી દીધું હતું.

દરમિયાન સવા વર્ષથી ઓફિસ બંધ કરી દીધી હોય દિવ્યેશભાઇને મોબાઇલ કરતા તેઓ આપીશુંની વાત કરી બહાના બતાવતા હતા. લાંબા સમય પછી પણ રકમ નહિ મળતા તેના વાવડી સ્થિત મકાને ગયા હતા. જ્યાં અલીગઢી તાળું જોવા મળ્યું હતું. ઘણી જગ્યાએ તપાસ કરવા છતાં દિવ્યેશ સાંગાણીના કોઇ સગડ નહિ મળતા તેના વિરુદ્ધ તા.16-9-2021ના રોજ યુનિવર્સિટી પોલીસ અને નાયબ પોલીસ કમિશનર ઝોન-2ને અરજી આપી હતી.

જે અરજીના 322 દિવસ બાદ યુનિવર્સિટી પોલીસે અંતે પોતાને પોલીસ મથક બોલાવી પૂર્વયોજિત કાવતરું રચી અઢી કરોડની રકમની ઠગાઇ કરી નાસી ગયેલા દિવ્યેશ સાંગાણી સામે ગુનો નોંધ્યો છે. આમ રોકાણકારોને લોભામણી લાલચ આપી કરોડો રૂપિયા લઇ વધુ એક ચીટર નાસી જતા પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...