ઠગાઈ:બિલમાં ફેરફાર કરી રેસ્ટોરન્ટના માલિક સાથે 63 હજારની છેતરપિંડી

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિલમાં ફેરફાર કરી રેસ્ટોરન્ટના માલિક સાથે 63 હજારની છેતરપિંડી

સાધુવાસવાણી રોડ પર રહેતા અને દોઢસો ફૂટ રિંગ રોડ પર નંદનવનના નામથી રેસ્ટોરન્ટ ધરાવતા જલકભાઇ ગૌતમભાઇ પોપટ નામના યુવાને જૂનાગઢના ગડુ ગામના મેઘનાથી રાજગીરી માનગીરી અને પોરબંદરના મયૂર નાનજી વાઘેલા સામે યુનિવર્સિટી પોલીસમાં ચોરી છુપીથી નાણાં કાઢી લઇ છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, નંદનવન રેસ્ટોરન્ટમાં 25થી વધુ માણસ કામ કરે છે. દરમિયાન છેલ્લા કેટલાક મહિનાઓથી રેસ્ટોરન્ટમાં આવતા ગ્રાહકોની સંખ્યા ઘણી હતી. તેમ છતાં આવકમાં ઘણી ઘટ જણાતી હોય ગોટાળો થતો હોવાની શંકા ઉપજી હતી. જેથી ગત તા.15ના રોજના સીસીટીવી ચેક કરતા બપોરના સમયે આવેલા ગ્રાહકનું બિલ રૂ.1525 થયું હતું. જે બિલ મેઘનાથીએ બનાવ્યું હતું.

બાદમાં તે બિલની રકમ કમ્પ્યૂટરમાં સુધારો કરી 1525ને બદલે મેઘનાથીએ માત્ર રૂ.20નું બિલ કરી બાકીની રકમ પોતાના ખિસ્સામાં મૂકતો હોવાના દૃશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. જેથી મેઘનાથીને બોલાવી પૂછપરછ કરતા તેને ગોટાળો કર્યાની અને તેને એક મહિના પહેલા જ નોકરી છોડીને ગયેલા પોરબંદરના મયૂર વાઘેલા સાથે મળી છેલ્લા છ મહિનાથી આવી રીતે બિલમાં ફેરફાર કરી રૂ.63,200ની રકમ ગજવામાં નાંખી હોવાની કબૂલાત આપી હતી. રેસ્ટોરન્ટના કેશિયરે જ કમ્પ્યૂટર બિલમાં ફેરફારો કરી કૌભાંડ આચરતો હોવાનો પર્દાફાશ થતા ફરિયાદ નોંધાવી છે. યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી રેસ્ટોરન્ટના પૂર્વ અને વર્તમાન કેશિયરની ધરપકડની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...