શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ નીચો બતાવવા માટે પોલીસ કમિશનરે નવી નીતિ અપનાવી ફરિયાદ નોંધવાને બદલે માત્ર અરજી લેવાનું શરૂ કર્યું છે, જેનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોટનના વેપારી સાથે રૂ.3 લાખની છેતરપિંડી થવા અંગે પોલીસે ગુનો નોંધવાને બદલે માત્ર અરજી લઇ તપાસ શરૂ કર્યાનો દાવો કર્યો હતો.
રૈયાનાકા ટાવર પાસે પરાબજારમાં કૌશિક કોટન કોર્પોરેશન નામે પેઢી ધરાવતા કૌશિકભાઇ કલ્યાણજીભાઇ ભોજાણીએ પોતાની સાથે છેતરપિંડી થયા અંગે એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી, જેમાં આરોપી તરીકે કાંતિ, મુળજી અને વિશાલના નામ અને તેના મોબાઇલ નંબર આપ્યા હતા. કૌશિકભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.25 જૂનના તેમની પેઢીના લેન્ડલાઇન નંબર પર ફોન આવ્યો હતો અને તેણે મુંદ્રા પોર્ટ પર માલ વેચવાનો હોવાની પેઢીના કર્મચારી સલમાનભાઇ સાથે વાત કરી હતી, ત્યારબાદ મુળજી નામના શખ્સે કૌશિકભાઇને ફોન કરી પોર્ટ પરથી માલ ખરીદી માટે કાંતિ સાથે વાત કરવાનું કહ્યું હતું. વેપારી કૌશિકભાઇએ કાંતિને ફોન કરતા તેણે માલ ખરીદી માટે મુંદ્રા પોર્ટ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે તેમ કહી પેઢીના જીએસટી અને પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ મગાવ્યા હતા અને તેની સાથે રૂ.1.46 લાખનું પણ કહ્યું હતું. જેથી વેપારીએ તમામ ડોક્યુમેન્ટ મોકલી રૂ.1.46 લાખ આંગડિયા મારફત મોકલ્યા બાદ અન્ય રકમ મળી કુલ 3લાખ મોકલ્યા હતા.
બાદમાં કૌશિકભાઇને માલ મળ્યો નહોતો, અને ત્રણેય આરોપીએ પોતાના મોબાઇલ સ્વિચ ઓફ કરી દીધા હતા. આરોપીઓ સાથે થયેલી વાતચીતનો ઓડિયો વીડિયો પણ વેપારીએ રજૂ કર્યો હતો છતાં પોલીસે ફરિયાદ લેવાને બદલે અરજી લીધી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.