કાલાવડ રોડ, એવરેસ્ટ પાર્ક-4માં રહેતા અને અણિયારા ગામે સોડાની ફેક્ટરી ધરાવતા ભરતભાઇ બાબુભાઇ અજાણી નામના કારખાનેદારે વિવેક એમ. ગોહેલ નામના શખ્સ સામે વિશ્વાસઘાત કરી છેતરપિંડી કર્યાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
કારખાનેદારની ફરિયાદ મુજબ, સોડાની ફેક્ટરી માટે મશીનરી લેવા માટે રૂ.4 કરોડની લોન લેવાની હતી. જેથી રૈયા ચોકડી પાસે ઓફિસ ધરાવતા અને આઇટી રિટર્નની કામગીરી કરતા મહેશભાઇ ચાવડા નામની વ્યક્તિને લોન માટેની વાત કરી હતી. ત્યારે મહેશભાઇએ લોન એજન્ટ તરીકે કામ કરતા ઉપરોક્ત આરોપી વિવેક ગોહેલનો સંપર્ક કરાવ્યો હતો.
બાદમાં વિવેક ગોહેલ સાથે મશીનરી લેવા માટે રૂ.4 કરોડની લોન લેવાની વાત કરી હતી. ત્યાર બાદ વિવેકે લોન માટેના વીમાના રૂ.70 હજાર થાય તેનું અડધું પેમેન્ટ તેમજ વીમાની પ્રોસેસિંગ ફી પેટેના રૂપિયા એડવાન્સ પેટે આપવાની વાત કરી હતી. જે પેમેન્ટ આપ્યા બાદ હું તમારી લોન મંજૂર કરાવી આપવાનું કહ્યું હતું.
લોન મેળવવાનું નક્કી થઇ ગયા બાદ વિવેકને મહેશભાઇની ઓફિસમાં બેસીને પત્નીના બેંક ખાતામાંથી ચાર કટકે રૂ.89 હજાર ટ્રાન્સફર કર્યા હતા. જેથી તેને પંદરેક દિવસમાં તમને મશીનરીની લોન મળી જશે તેમ કહ્યું હતું. પંદર દિવસ થયા બાદ પણ લોન મંજૂર નહિ થતા વિવેકને ફોન કરી અનેક વખત એડવાન્સ પેટે આપેલા રૂપિયા પરત કરવાનું કહ્યું હતું. ત્યારે તે પોતાને લોન અપાવી દેશે તેમ કહી છેતરપિંડી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.