લોકલ ટ્રાન્સમિશનનું જોખમ:રાજકોટમાં કોરોના પોઝિટિવ ચારેય વ્યક્તિ વેક્સિનેટેડ, એકપણની ટ્રાવેલ હિસ્ટ્રી નથી, દિવાળીના તહેવારોની ભીડ ભારે પડશે?, સંક્રમણ ફેલાવાનો ડર

રાજકોટ3 મહિનો પહેલા
દિવાળીના તહેવારોની ભીડથી કોરોના સંક્રમણ ફેલાવાનો ભય.
  • દિવાળીના તહેવારોમાં બજારો, ફરવાનાં સ્થળોએ લોકોની ભારે ભીડ જામી હતી

રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારો બાદ જ કોરોનાએ ફરી ઊથલો માર્યો હોય એમ ગઇકાલે એક જ દિવસમાં ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેને લઈને તંત્ર દોડતું થયું છે. પોઝિટિવ ચારેય વ્યક્તિએ વેક્સિનના બંને ડોઝ લઇ લીધા છે અને ટ્રાવેલ હિસ્ટ્રી પણ ધરાવતા નથી, આથી લોકલ ટ્રાન્સમિશનનું જોખમ મંડરાઇ રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે. દિવાળીના તહેવારોની ભીડ ભારે પડશે? એવો સવાલ પણ લોકોમાં ઊઠ્યો છે.

પોઝિટિવ ચારેય વ્યક્તિને કોરોનાનો ચેપ ક્યાંથી લાગ્યો એ તપાસનો વિષય
શહેરના વોર્ડ નં. 9માં હરિનગર મેઈન રોડ પર એક જ પરિવારના બે પુરુષ, જેમાં એકની ઉંમર 73 અને બીજાની ઉંમર 35 વર્ષ છે. આ બંનેને રોગનાં લક્ષણો દેખાતાં શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા અને ત્યાં કોરાનાનાં સેમ્પલ લેવાયાં હતાં. ખાનગી લેબમાં સેમ્પલ મોકલાતાં રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો હતો. આ બંનેએ રસીના બંને ડોઝ લીધા હોવાનું ચોપડે નોંધાયું છે. બીજી તરફ, વોર્ડ નં. 10માં શારદાનગરમાં રહેતા એક જ પરિવારની 56 વર્ષ અને 29 વર્ષની બે મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બંનેએ રસી લીધી છે. આ બંને પરિવારમાં કોઇપણ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતું નથી.

ખરીદી માટે લોકો બજારમાં ઊમટી પડ્યા હતા અને કોરોનાની ગાઈડલાઈન્સ ભૂલ્યા હતા.
ખરીદી માટે લોકો બજારમાં ઊમટી પડ્યા હતા અને કોરોનાની ગાઈડલાઈન્સ ભૂલ્યા હતા.

શહેરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 42850 થઈ
આ ચારેય વ્યક્તિને કોરોનાનો ચેપ ક્યાંથી લાગ્યો એ જાણી શકાયું નથી, પણ તકેદારીના ભાગરૂપે તંત્રએ તેમના સંપર્કમાં આવેલી 18 વ્યક્તિનું સ્ક્રીનિંગ કર્યું હતું અને શંકાસ્પદ હોય તેમના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી હતી. આ સાથે શહેરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 42850 થઈ છે. દિવાળીના તહેવારોમાં લોકો કોરોનાની ગાઈડલાઈન્સનું ભાન ભૂલી બિનધાસ્ત ફર્યા હતા. દિવાળીની ખરીદી માટે બજારોમાં ભીડ જોવા મળી હતી. ત્યારે હવે દિવાળીના તહેવારો પૂર્ણ થતાં જ રાજકોટમાં કોરોના સંક્રમણ વધ્યું છે. એકસાથે 4 નવા કેસ નોંધાતાં ફફડાટ ફેલાયો છે.

બજારોમાં પગ મુકવાની જગ્યા પણ ન મળે એ રીતે ભીડ જામી હતી.
બજારોમાં પગ મુકવાની જગ્યા પણ ન મળે એ રીતે ભીડ જામી હતી.

ફરવાનાં સ્થળોએ લોકોની ભીડ જામી હતી
રાજકોટમાં દિવાળીના દિવસે જ કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. જ્યારે બીજી તરફ, તહેવારો દરમિયાન ગાંધી મ્યુઝિયમ અને ઝૂમાં લોકોની ભારે ભીડ ઊમટી હતી, જ્યાં પ્રદ્યુમન પાર્ક એન્ડ ઝૂમાં 52 હજાર લોકો ઊમટ્યા હતા. જ્યારે ગાંધી મ્યુઝિયમની માત્ર 1400 લોકોએ મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે દિવાળીના ચાર દિવસ દરમિયાન બન્ને સ્થળોએ પગ મૂકવાની પણ જગ્યા નહોતી, જેને પગલે સંક્રમણ ફેલાવાની શક્યતા વર્તાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...