મવડી પ્લોટમાં રહેતા અને મોટામવામાં કોલસાનો વેપાર કરતા રવાભાઇ ખોડાભાઇ ઝાપડા નામના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવ બાદ પોલીસ તપાસમાં મૃતક પાસેથી એક સ્યુશાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેને બેંકમાં નોકરી કરતા હનુભા રાઠોડ, જય પટેલ, ભરત અને મનો નામના વ્યાજખોરોના ત્રાસ અને ધમકીથી જિંદગી ટૂંકાવી રહ્યાનો ઉલ્લેખ કર્યો હતો. જેથી પોલીસે દેડકદડ ગામે રહેતા મૃતકના ભાઇ વાસાભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે.
વાસાભાઇની ફરિયાદ મુજબ, 20 દિવસ પહેલા રવાભાઇ ગામડે આવ્યા ત્યારે પોતાને ધંધામાં નુકસાની ગઇ હોવાનું અને ચાર શખ્સ પાસેથી વ્યાજે રૂપીયા લીધાની વાત કરી હતી. એટલું જ નહિ 50 હજારની સામે પોતાનું મકાન પણ લખાવી લીધુ છે એ સાડા તેર તોલા સોનાના ઘરેણા પણ લઇ લીધાનું કહ્યું હતુ. રવાભાઇએ સ્યુશાઇડ નોટમાં હનુભા પાસેથી 50 હજાર લીધા હતા.
જેની સામે તેને મકાન લખાવી લીધુ હતુ. જય પાસેથી 1 લાખ, તેની સામે તેને 13.50 લાખ ચૂકવ્યા હતા. એટલું જ નહિ તેને સોનાના ઘરેણા પણ લઇ લીધા છે. ભરત પાસેથી 30 હજાર, તેની સામે રૂ.11.50 લાખ અને મના પાસેથી 55 હજારની સામે રૂ.14.50 લાખની રકમ ચૂકવી દીધી હોવા છતા ચારેય વ્યાજખોરો ધમકીઓ દેતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ચારેય વ્યાજખોરને સકંજામાં લઇ ધરપકડની તજવીજ કરી છે.
પુત્ર ગોડાઉન પર જતા પિતાને લટકતી હાલતમાં જોયા
પોલીસ તપાસમાં રવાભાઇનો 16 વર્ષીય પુત્ર ચકુ તેના પિતાના કોલસાના ડેલે રાતે સાડા આંઠ વાગ્યાના અરસામાં આંટો મારવા ગયો હતો. આ સમયે શટર ઉંચકાવતાની સાથે જ તેને બુમાબુમ કરી મુકતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. થોડી વારમાં રવાભાઇના સગાસબંધીઓને પણ ખબર પડી જતા તેઓ પણ દોડી આવ્યા હતા અને 108ને બોલાવી હતી. પરંતુ રવાભાઇને સારવાર મળે તે પહેલા જ તેને દમ તોડી દીધાનું જણાવ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.