અનલોક:ત્રણ વિદ્યાર્થી સહિત ચાર ગાંજા સાથે પકડાયા, રૂ.87 હજારનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પર્ણકુટીર સોસાયટીના મેઇન રોડ પરથી ગાંજા સહિત રૂ.87 હજારનો મુદ્દામાલ જપ્ત
  • આત્મીય, ક્રાઇસ્ટ અને આર.કે. કોલેજના વિદ્યાર્થીઓ છેલ્લા છ મહિનાથી ગાંજાનું સેવન કરતા હતા

રાજકોટ પોલીસે શુક્રવારે મધરાતે ત્રણ કોલેજિયન સહિત ચાર શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધા હતા. પોલીસ ચોકીની નજીકમાં જ ગાંજાની ડિલિવરી થતી હતી ત્યારે જ પોલીસ ખાબકી હતી. વિદ્યાર્થીઓ છ મહિનાથી સેવન કરતા હતા. પર્ણકુટીર સોસાયટી મેઇન રોડ પર પર્ણકુટીર પોલીસ ચોકીથી 50 મીટર દૂર સ્કૂટર પર બેઠેલો શખ્સ શંકાસ્પદ લાગતા એસઓજીના પીઆઇ રાવલ સહિતના સ્ટાફે એ શખ્સને સકંજામાં લઇ સ્કૂટરની ડેકી ચેક કરતાં તેમાંથી 28.32 ગ્રામ ગાંજાની પડીકી મળી આવી હતી. એ શખ્સની નજીક જ સ્કૂટર પર બેઠેલા ત્રણ વિદ્યાર્થી પણ શંકાસ્પદ જણાતા તેમના સ્કૂટરની ડેકી ખોલતા તેમાંથી 16.03 ગ્રામ ગાંજો મળ્યો હતો. પોલીસે સ્થળ પરથી ગાંધીનગર સોસાયટીના વિરેન્દ્ર ઉર્ફે મહાદેવ ચંદુ દેસાઇ (ઉ.વ.56), જામનગર રોડ પર નાગેશ્વર નજીકના રત્નમવિલામાં રહેતા કેયૂર રજનીકાંત વાઘેલા, મનહર પ્લોટના શ્યામ એપાર્ટમેન્ટમાં રહેતા જતિન કિશોર પંચાસરા, મનહર પ્લોટના જ કિશન અશોક વાઘેલાની ધરપકડ કરી હતી. પોલીસે ગાંજો અને બે એક્ટિવા સહિત રૂ.87,147નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વિરેન્દ્ર દેસાઇ એકલવાયું જીવન જીવે છે અને ગાંજાનું સેવન કરવા ઉપરાંત તેનું વેચાણ પણ કરતો હતો. આત્મીય કોલેજમાં બી.કોમ.માં અભ્યાસ કરતો  કેયૂર વાઘેલા, ક્રાઇસ્ટ કોલેજમાં બીએસસીમાં અભ્યાસ કરતો જતિન પંચાસરા અને આર.કે. કોલેજમાં ડિપ્લોમા મિકેનિકલમાં અભ્યાસ કરતો કિશન વાઘેલા લાંબા સમયથી વિરેન્દ્રના સંપર્કમાં હતા. ત્રણેય વિદ્યાર્થી છ મહિનાથી ગાંજાનું સેવન કરતા હતા અને વિદ્યાર્થીઓને વિરેન્દ્ર રૂ.200ની પડીકી રૂ.1000માં વેચતો હતો. 

સિગારેટમાંથી તમાકુ કાઢી ગાંજો ભરી દમ મારતા’તા
પોલીસ પૂછપરછમાં ત્રણેય વિદ્યાર્થી ઢીલાઢફ થઇ ગયા હતા. અને કબૂલાત આપી હતી કે, છ મહિનાથી માદક પદાર્થનું સેવન કરતા હતા. સિગારેટમાંથી તમાકુ કાઢી તેની જગ્યાએ ગાંજો લગાવી ગાંજાયુક્ત સિગારેટનો દમ મારતા હતા.

અન્ય સમાચારો પણ છે...