ક્રાઇમ:રોણકીની જમીનના ખોટા દસ્તાવેજ બનાવી ચાર શખ્સે રૂ. 1 કરોડ પડાવ્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જમીન-મકાનના ધંધાર્થી સાથે છેતરપિંડી, આરોપીઓની શોધખોળ

જમીન મકાન લે-વેચનો વ્યવસાય કરતા આધેડને રોણકીની જમીન વેચવાની છે તેમ કહી ચાર શખ્સોએ બોગસ દસ્તાવેજ બનાવી એક કરોડ રૂપિયા પડાવ્યા હતા. પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. કાલાવડ રોડ પર રૂરલ હાઉસિંગ બોર્ડના ટેનામેન્ટ ક્વાટર્સમાં રહેતા અને જમીન મકાન લે-વેચનો વ્યવસાય કરતાં પ્રદીપસિંહ નિકુલસિંહ સરવૈયા (ઉ.વ.47)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રમેશ રાણા મકવાણા, જીતેન્દ્ર સોમા મકવાણા, ભરત મુછડિયા અને હિરા પમા સાગઠિયાના નામ આપ્યા હતા. પ્રદીપસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે

, ગત તા.9 ઓક્ટોબર 2019ના મિત્ર મારફત ઉપરોક્ત ચારેય આરોપીઓ કાલાવડ રોડ પર રોયલ શોરૂમ પાસે મળ્યા હતા, ચારેય આરોપીઓએ રોણકીની જમીન પૈકીની એક એકર 20 ગુંઠા જમીન વેચવાની છે તે જમીન તેમની સંયુક્ત માલિકીની હોવાની વાત કરી જમીનનો સોદો રૂ. 1 કરોડ 1 લાખમાં નક્કી કર્યો હતો, આરોપીઓએ પોતે જમીનના સંયુક્ત ભાગીદાર હોવાના કેટલાક દસ્તાવેજ પ્રદીપસિંહને બતાવ્યા હતા.

પ્રદીપસિંહે રૂ.1 લાખનો ચેક અને રૂ. 50 લાખ રોકડા સુથી પેટે આપ્યા હતા, ત્યારબાદ કટકે કટકે તમામ રકમ પૂરી કરી આપી હતી પરંતુ આરોપીઓએ દસ્તાવેજ કરી આપ્યા નહોતા, દસ્તાવેજ કરવાની વાત આવે ત્યારે આરોપીઓ અલગ-અલગ બહાના આપતા હોવાથી પ્રદીપસિંહને શંકા જતા તેમણે તપાસ કરતાં તે જમીન રમેશ બાબુભાઇ પરસાણાની હોવાનું ખુલ્યું હતું, આરોપીઓ દસ્તાવેજ કરી આપતા નહીં હોવાથી છેતરપિંડી કર્યાનું સ્પષ્ટ થતાં અંતે પ્રદીપસિંહે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...