આપઘાત:ગોંડલમાં યુવાને કારખાનામાં ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી, યુવકના નામે 6 લાખની લોન લઇ 4 શખ્સો માનસિક ત્રાસ આપતા હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ

ગોંડલ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોંડલમાં યુવાને પોતાના કારખાનામાં જ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો. - Divya Bhaskar
ગોંડલમાં યુવાને પોતાના કારખાનામાં જ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો.
  • મૃતક યુવાનના નામે ચાર શખ્સોએ 6 લાખની લોન ઉપાડી હપ્તા ભરતા ન હતા
  • યુવાન લોન ભરવાનું કહેતો તો બળાત્કારના ખોટા કેસમાં ફીટ કરવાની ધમકી આપતા

ગોંડલના ગુંદાળા રોડ ઉપર કારખાનામાં શૈલેષ પીપળવા નામના યુવાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. પોલીસને મૃતકના ખિસ્સામાંથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં ચાર શખ્સોના માનસિક ત્રાસથી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હોવાનો યુવાને ઉલ્લેખ કર્યો હતો. પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી
ગોંડલના ઉમવાડા રોડ પર ફિલ્ટર પ્લાન્ટની પાસે મારુતિ નગરમાં રહેતા શૈલેષ વલ્લભભાઈ પીપળવાએ ગુંદાળા રોડ પર અનિલ ચેમ્બરના કારખાનામાં ગળાફાસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. ઘટનાની જાણ થતા સિટી પોલીસ દોડી જઈ તપાસ હાથ ધરી હતી. મૃતક યુવાનના પિતા વલ્લભભાઈ પીપળવાએ શૈલેષને સતત માનસિક ત્રાસ આપતા કરણ કિશોરભાઈ રાઠોડ તેનો ભાઈ ગુંજર તેની માતા મનિષાબેન તેમજ નાગડકા રોડ પર રહેતો પદુભા જાડેજા નામના શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 306 506 તથા 114 મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

યુવાનના નામે આરોપીઓએ લોન ઉપાડી હપ્તા ભરતા ન હતા
પોલીસ ફરિયાદમાં વલ્લભભાઈ પીપળવાએ જણાવ્યું હતું કે અગાઉ તેઓના મકાનમાં આ તમામા આરોપીઓ ભાડેથી રહેતા હતા. આથી શૈલેષના સંપર્કમાં હતા અને આરોપીઓ કરણ, ગુંજન તેમજ તેની માતા મનિષાબેન એ IIFL ફાયનાન્સ અને HDB ફાયનાન્સમાંથી રૂપિયા 6 લાખની લોન શૈલેષના નામની લીધી હતી. પરંતુ આરોપીઓ લોન કે લોનના હપ્તા ભરતા ન હોય શૈલેષ માનસિક તણાવ અનુભવતો હતો.

શૈલેષ લોન ભરવાનું કહેતો તો આરોપીઓ ધમકી આપતા
શૈલેષે લોનના હપ્તા ભરવાનું કહેતા આરોપીઓ અને તેના પાડોશમાં રહેતા પદુભા સહિતનાઓએ માર મારવાની ધમકી આપી હતી. મનીષાબેને બળાત્કારના ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપતા શૈલેષે ગળેફાંસો ખાઇ લીધો હતો.પોલીસને શૈલેષના ખિસ્સામાંથી સ્યુસાઇડ નોટ મળી આવી હોય પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

(હિમાંશુ પુરોહિત, ગોંડલ)