રાજકોટના બહુમાળી ભવનમાં સાતમા માળે આવેલી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની હોસ્ટેલના રીક્રીએશન રૂમમાંથી તસ્કરો રૂ. 1.80 લાખની કિંમતના ચાર લેપટોપ ચોરી ગયાની જિલ્લા રમત વિકાસ અધિકારી રમાબેન કેદારનાથ મદ્રા (ઉ.વ.46)એ પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
નેશનલ ગેઈમ્સમાં લેપટોપનો ઉપયોગ થયો હતો
ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તાજેતરમાં ખુલ્લા મુકવામાં આવેલ સ્પોર્ટસ હોસ્ટેલમાં પુત્ર સાથે રહેતાં મૂળ ગાંધીનગરના જિલ્લા રમત વિકાસ અધિકારી રમાબેન મદ્રા (ઉ.વ.46)એ પોલીસને જણાવ્યું હતું કે ગુજરાત સ્પોર્ટસ ઓથોરીટીની હોસ્ટેલ કે જે એકાદ વર્ષ પહેલા બનાવવામાં આવી હતી તેમાં તે તેના પુત્ર ઉપરાંત હોસ્ટેલ મહિલા ગૃહપતી હર્ષાબેન સોઢા પરિવાર સાથે રહે છે. ગઈ તા.29 સપ્ટેમ્બર થી 11 ઓક્ટોબર સુધી નેશનલ ગેઈમ્સનું રાજકોટમાં આયોજન થયું હતું જેમાં સ્વીમીંગ અને હોકીની રમતો માટે ટી.વી., લેપટોપ, પી.સી., પ્રિન્ટરની જરૂરિયાત હોવાથી સરકાર તરફથી 6 લેપટોપ, 7 ટી.વી., 2 પી.સી., અને 2 પ્રિન્ટર આપવામાં આવ્યા હતા.
ચીજવસ્તુઓ ચેક કરતા ચોરી ખુલી
ત્યારબાદ ગઈ તા.11 નાં ગેઈમ્સ પુરી થતા આ વસ્તુઓ તેણે સંભાળી હોસ્ટેલના રીક્રીએશન રૂમમાં રાખી લોક કરી દીધું હતું. ત્યારબાદ તા.16 થી 25 સુધી ઈન્ટર ડી.એલ.એસ.એસ.ની બાસ્કેટ બોલ અને જુડોની રમતો રાજકોટમાં યોજાવાની હોવાથી ગઈ તા.13 નાં રોજ તેમની સાથે ઓફિસ કલાર્ક, બેડમીન્ટન ટ્રેલર અને ગૃહપતી સહિત હોસ્ટેલમાં ગયા હતા. આ સમયે રીક્રીએશન રૂમમાં રાખેલી ચીજવસ્તુઓ ચેક કરી એક તરફ મુકી દીધી હતી. ત્યારબાદ ગઈકાલે આ ચીજવસ્તુઓ ગાંધીનગર ઓફિસે મોકલવાની હોવાથી તે તેના પુત્ર ઉપરાંત બેડમીન્ટન ટ્રેલર વહેલી સવારે હોસ્ટેલના સ્ટોર રૂમની ચાવી લઈ સ્ટોર રૂમ ખોલી આ માલ બહાર કાઢી જોતા હતા ત્યારે 6 લેપટોપ પૈકી રૂ. 1.80 લાખની કિંમતના ચાર લેપટોપ જોવા મળ્યા ન હતા અને ચોરી થયાની જાણ થતા અંતે ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટમાં ગુનેગારો બેખૌફ
ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં સતત વધતી જતી ચોરી જેવી ઘટનાઓ બનતા રાજકોટ પોલીસની નાઈટ પેટ્રોલિંગની કામગીરી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. જે જગ્યાથી ચોરી થવા પામી છે ત્યાંથી પોલીસ સ્ટેશન નજીક છે ખુદ પોલીસ કમિશનર સહીત એસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓના બંગલો ત્યાં આવેલ છે ત્યારે આ બનાવથી રાજકોટમાં ગુનેગારો બેખૌફ થઇ પોલીસનો ડર જ ના હોય તેવું સાબિત કરતો વધુ એક બનાવ માનવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.