પાર્કિંગ સમસ્યા:ચાર ફ્લાઈટને ડાઈવર્ટ કરાઈ, બે મોડી પડી, બપોર સુધી એકપણ વિમાન રાજકોટ ન આવ્યું

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખરાબ વાતાવરણ અને પાર્કિંગ સમસ્યાને કારણે હવાઇ સેવા પ્રભાવિત થઇ

ગુરુવારે રાજકોટમાં ખરાબ વાતાવરણ અને પાર્કિંગ સમસ્યાને કારણે સવાર- સાંજે દિલ્હી, મુંબઈ, ગોવા ફ્લાઇટ શિડ્યૂલ ડિસ્ટર્બ થયા હતા. સામાન્ય રીતે સવારે 6.10 કલાકે જ મુંબઈની ફ્લાઈટ લેન્ડ થઈ જાય છે પરંતુ ગુરુવારે બપોરે 12.30 કલાક સુધી એક પણ ફ્લાઇટ આવી નહોતી. ચાર ફ્લાઇટ ડાઇવર્ટ થઈ હતી, બે ફ્લાઈટ મોડી પડી. સાંજે ગોવાથી આવતી ફ્લાઇટ સિંગલ પાર્કિંગને કારણે મોડી પડી, મુંબઈથી રાજકોટ આવેલી ફ્લાઈટે આકાશમાં 7 ચક્કર લગાવ્યા બાદ પાર્કિંગ પર જગ્યા મળી હતી.

આ અંગે એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યાનુસાર રાજકોટ-મુંબઈ ફ્લાઈટ સવારે 6.10 કલાકે આવી જાય છે, પરંતુ આ ફ્લાઈટને જામનગર ડાઇવર્ટ કરવામાં આવી હતી. જેથી આ ફ્લાઇટ તેના નિયત સમય કરતા છ કલાક મોડી હતી. આ ફ્લાઈટ બપોરે 12.00 કલાક બાદ લેન્ડ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યાનુસાર આ ફ્લાઈટ હાલ મુંબઈ-જામનગર-રાજકોટ એમ કમ્બાઈન્ડથી ચાલે છે. ટ્રાફિક નહિ મળતા હાલ આ ફ્લાઇટ કમ્બાઈન્ડ ચાલે છે. ફ્લાઈટ ડાઇવર્ટ કરાશે તેની જાણ આગલા દિવસે જ કરી દેવાઈ હતી.

વાતાવરણ ખરાબ હોવાને કારણે આ ફ્લાઇટ જામનગરથી જ મોડી ટેક ઓફ થઈ હતી અને રાજકોટમાં પણ મોડી લેન્ડ થઈ હતી. ત્યાર બાદ તમામ ફ્લાઈટ મોડી પડી હતી. એ સિવાયની સવારની દિલ્હીની બે અને મુંબઇની એક ફ્લાઈટ અમદાવાદ ડાઇવર્ટ થઈ હતી અને ત્યાંથી વાતાવરણ ચોખ્ખું થયા બાદ ફ્લાઇટ ફરી ટેક ઓફ થઇ હતી. જ્યારે સાંજના સમયે ગોવાની ફ્લાઇટ 4.00 કલાકે આવે છે, પરંતુ આ સમયે સિંગલ પાર્કિંગને કારણે પાર્કિંગ નહિ મળતા આ ફ્લાઇટને ચક્કર લગાવવા પડ્યા હતા.

રાજકોટ એરપોર્ટ પર સિંગલ પાર્કિંગની સમસ્યા
રાજકોટ એરપોર્ટ પર છેલ્લા ઘણા સમયથી સિંગલ પાર્કિંગની સમસ્યા છે. જેથી અનેકવાર ફ્લાઇટ મોડી પડી છે. ત્યારે વધુ એક વખત ફ્લાઇટ મોડી પડતા મુસાફરોને મુશ્કેલી સહન કરવી પડી હતી. ફ્લાઈટ શિડ્યૂલ બદલાતા ટર્મિનલ બિલ્ડિંગમાં પણ બેસવા માટે ખુરશી ઓછી પડી હતી અને મુસાફરોને ઊભા રહેવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...