રાજકોટના જસદણ તાલુકાના મોટાદડવા ગામે પાલક પિતાએ અપંગ પુત્રી પર દુષ્કર્મ આચાર્યાની આટકોટ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. માતાએ બીજા લગ્ન કર્યા હોય અપંગ પુત્રી પાલક પિતા સાથે રહે છે. પરંતુ એકલતાનો લાભ લઈ પાલક પિતા મારી નાખવાની ધમકી આપી અપંગ પુત્રી પર બે વખત દુષ્કર્મ આચર્યાની પોલીસમાં ફરિયાદ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે પોલીસે ટ્રક ડ્રાઇવર પાલક પિતાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
પાલક પિતા ટ્રક ડ્રાઇવર
મૂળ વિસાવદરની વતની અને જસદણના મોટાદડવા ગામે માતા અને પાલક પિતા સાથે રહેતી 21 વર્ષની અપંગ યુવતીએ આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે ટ્રક ડ્રાઇવિંગ કરતા 48 વર્ષના પાલક પિતાનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ત્રણ વર્ષ પહેલા ફરિયાદી યુવતીની માતાએ તેના પતિ સાથે અણબનાવ બનતા મોટાદડવાના ટ્રક ડ્રાઇવર સાથે લગ્ન કરી લીધા હતા.
મારી નાખવાની ધમકી આપતો
છ મહિના પહેલા જ બંને પગે અપંગ 21 વર્ષની પુત્રી પણ માતા અને પાલક પિતા સાથે મોટા દડવા ગામે રહેવા આવી હતી. ત્યારે ગત 5 એપ્રિલના રોજ માતા કામ અર્થે બહાર ગઈ હોય ત્યારે પુત્રી ઘરે એકલી હતી. એકલતાનો લાભ લઈ પાલક પિતાએ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં જો કોઈને કહીશ તો તને અને તારી માતાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
ધમકીથી પુત્રી ડરી ગઈ હતી
પાલક પિતાની ધમકીથી ડરી ગયેલી પુત્રએ માતાને કાંઈ જાણ નહીં કરતા પાલક પિતાની હિંમત વધી ગઈ હતી. બાદમાં 7 એપ્રિલના રોજ ફરી પુત્રી પર પાલક પિતાએ નજર બગાડી હતી અને દુષ્કર્મ આચર્યું હતું. બે બે વખત દુષ્કર્મનો ભોગ બનેલી પુત્રીએ અંતે માતાને જાણ કરતા ગઈકાલે આટકોટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આટકોટ પોલીસના PSI કે.પી. મેતાએ ગુનો નોંધી આરોપી પાલક પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.