રાજકોટમાં કોળી સમાજની બેઠક:આગામી વિધાનસભા ચૂંટણીમાં અન્યાય સાંખી નહીં લેવા સૂર, પૂર્વ MPએ કહ્યું- અન્ય સમાજના આગેવાનના નિવેદનથી નેતાઓ ચા પીવા જાય

રાજકોટ18 દિવસ પહેલા
બેઠકમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરા અને જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા.
  • બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં કોળી સમાજ સાથે અન્યાય સાંખી નહીં લેવા સૂર
  • સમાજને ન્યાય મળે એ દિશામાં પ્રયત્નો કરવા આજની બેઠકમાં ચર્ચા કરાઇઃ બાવળિયા

વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્ર કોળી સમાજના આગેવાનો દ્વારા રાજકોટ ખાતે એકઠા થઇ એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટીંગના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા , ધારાસભ્ય કુંવરજી બાવળિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્રમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં કોળી સમાજને અન્યાય સાંખી નહીં લેવા સૂર સાથે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. એટલું જ નહીં દેવજી ફતેપરાએ નરેશ પટેલનું નામ લીધા વગર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે અન્ય સમાજના નિવેદન પર ભાજપ-કોંગ્રેસના પ્રમુખ આગેવાનો ચા પીવા જાય છે.

આગામી દિવસોમાં તાલુકા લેવલે મિટીંગનું આયોજન
ગુજરાતમાં કોળી સમાજ અને ઠાકોર સમાજની બહુમતિ હોવાથી આવતા દિવસોમાં તાલુકા લેવલે મિટીંગ આયોજન કરી સમાજને આવતા દિવસોમાં સ્થાન અપાવવા સંગઠન મજબૂત કરવા સૂર આજની મિટીંગમાં રેલાયો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે એક બાદ એક સમાજ સંગઠનો સંગઠિત થઇ મિટીંગો યોજી રહ્યા છે. આજે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી ચૂંટણીમાં સમાજને સ્થાન અપાવવા માટે સંગઠન મજબૂત કરી એક થવા સૂર રેલાયો હતો. આજની આ મિટીંગમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્ય આગેવાનોમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરા અને પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં સૌરાષ્ટ્રભરમાંથી કોળી સમાજના લોકો ઉમટ્યા.
બેઠકમાં સૌરાષ્ટ્રભરમાંથી કોળી સમાજના લોકો ઉમટ્યા.

સમાજ સાથે અન્યાય કરવામાં આવે તે સાંખી લેવામાં નહીં આવે
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાયેલા પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી સમાજની બેઠક મળી ન હતી. માટે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક બિન રાજકીય છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ, આગેવાનો આજની મિટીંગમાં ઉપસ્થિત રહ્યા છે. દેવજી ફતેપરાએ નરેશ પટેલનું નામ લીધા વગર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, અન્ય સમાજના આગેવાન નિવેદન કરે તો ભાજપના પ્રમુખ ચા પીવા જાય, કોંગ્રેસના આગેવાન ચા પીવા જાય જ્યારે અમે પક્ષ સાથે સંકળાયેલા હોવા છતાં અમારી અવગણના કરવામાં આવે અને અમારા સમાજની સાથે અન્યાય કરવામાં આવે તે સાંખી લેવામાં નહીં આવે.

ભાજપ પક્ષ અન્યાય કરશે તો રણનીતિ નક્કી કરવામાં આવશે
દેવજી ફતેપરાએ વધુમાં જણાવ્યું હતું કે, આવતા દિવસોમાં જરૂર જણાયે સમયાંતરે તાલુકા લેવલે મિટીંગ યોજી સંગઠન મજબૂત કરી આવતી ચૂંટણીમાં વિધાનસભા બેઠક દિઠ મિટીંગ અને સંગઠન મજબૂત કરવામાં આવશે. હાલના સમયે અમારા કોળી સમાજની સાથે અન્યાય થતો હોય તેવું અમને લાગી રહ્યું છે. અમે ભરોસો રાખીએ છીએ કે આવતા દિવસોમાં ભાજપ અમને અન્યાય નહીં કરે. પરંતુ જો ભાજપ પક્ષ અન્યાય કરશે અવગણના કરશે તો સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે.

મોટી સંખ્યામાં કોળી સમાજના લોકોની ઉપસ્થિતિ.
મોટી સંખ્યામાં કોળી સમાજના લોકોની ઉપસ્થિતિ.

સમાજને ન્યાય મળે એ દિશામાં પ્રયત્નોઃ બાવળિયા
જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ કેબિનેટ મંત્રી અને જસદણ વીંછિયા વિસ્તારના ધારાસભ્ય કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, સમાજના કોળી સમાજના સૌરાષ્ટ્રના આગેવાનોની આ બિન રાજકીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજની આર્થિક અને રાજકીય ક્ષેત્રે સમાજને કેવી રીતે ફાયદો થઇ શકે તેની ચર્ચા વિચારણા કરવા આજે સૌ એકઠા થયા છીએ. આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ સમાજને સાથે રાખી સમાજને ન્યાય મળે એ દિશામાં પ્રયત્નો કરવા આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...