કોળી અગ્રણી ફતેપરાની હૈયાવરાળ:'મારા રામે (કુંવરજી) જ તેમના લક્ષ્મણને (ફતેપરા) પોતાનાથી અળગો કરીને જોડી તોડી નાખી'

રાજકોટ13 દિવસ પહેલા
  • સી.આર.પાટીલ સાથેની કોળી સમાજની બેઠક પહેલાં જ પૂર્વ સાંસદ ફતેપરા થયા નારાજ
  • મને અલગ પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, હવે જિલ્લાવાઇઝ સંમેલન થશે: દેવજી ફતેપરા
  • પૂર્વ MP બાવળિયા પર મોટા કોળી આગેવાનોની અવગણના કર્યાનો દેવજી ફતેપરાનો આક્ષેપ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાંની સાથે એક પછી એક સમાજ-સંગઠનો સંગઠિત થઈ મીટિંગો યોજી રહ્યાં છે અને પોતાની માગણી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સામે રજૂ કરી રહ્યા છે. ત્યારે આજે સી.આર.પાટીલ સાથેની કોળી સમાજની બેઠક થવાની હતી, એ પહેલા જ પૂર્વ સાંસદ અને કોળી સમાજના અગ્રણી દેવજી ફતેપરા નારાજ થયા છે. તેમણે મીડિયાને જણાવ્યું હતું કે બાવળિયાએ રામ-લક્ષ્મણની જોડી તોડી છે. ઉલ્લેખનીય છે કે અહીં રામ તરીકે કુંવરજી બાવળિયા અને ફતેપરાએ પોતાને લક્ષ્મણ તરીકે ગણાવ્યા હતા.

સૌરાષ્ટ્રના અગ્રણીઓને સાથે લઈ જવા જોઈએ
ફતેપરાના જણાવ્યા મુજબ, આજરોજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સાથે સમાજના મુખ્ય આગેવાનોની એક બેઠક મળવાની છે. પાટીલ બોલાવે તો કોને જવું એ અમે બન્નેએ નકકી કરવાનું હતું, પણ કુંવરજીભાઈ એમાં ફરી ગયા હોય એમ લાગે છે. ​કુંવરજીભાઈએ આ મીટિંગ માટે મારા સહિત સૌરાષ્ટ્રના અગ્રણીઓને સાથે લઈ જવા જોઈએ, પરંતુ તેઓ અચાનક મોટા ભાગના આગેવાનોને પડતા મૂકીને પાટીલને મળવા માટે નીકળી ગયા છે. આ સાથે જ કુંવરજીભાઈએ પડતા મૂકેલા સમાજના આગેવાનો અને ભાજપના નેતાઓનાં નામ પણ તેમણે જણાવ્યાં હતાં. અને રામ-લક્ષ્મણની (કુંવરજી-ફતેપરા) જોડી કુંવરજીભાઈએ તોડી હોવાનો આક્ષેપ કર્યો હતો.

પૂર્વ MP કુંવરજીભાઈ બાવળિયાની ફાઈલ તસવીર.
પૂર્વ MP કુંવરજીભાઈ બાવળિયાની ફાઈલ તસવીર.

સમાજના હિતમાં આગામી ચૂંટણી માટેની રણનીતિ ઘડવામાં આવશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ જોડી તોડવાનું કારણ તો કુંવરજીભાઇ જ કહી શકે. આગામી સમયમાં મારી ભૂમિકા એક જ રહેશે કે વેલનાથ સેનાના નામે જિલ્લાવાઇઝ સંમેલન યોજવામાં આવશે. એમાં વેલનાથ સેનાના આગેવાનો સાથે બેઠક કરી સમાજના હિતમાં આગામી ચૂંટણી માટેની રણનીતિ ઘડવામાં આવશે.

3 દિવસ પહેલાં દેવજી ફતેપરા અને કુંવરજી બાવળિયા રાજકોટ ખાતે સાથે જોવા મળ્યા હતા.
3 દિવસ પહેલાં દેવજી ફતેપરા અને કુંવરજી બાવળિયા રાજકોટ ખાતે સાથે જોવા મળ્યા હતા.

સૌરાષ્ટ્રના આગેવાનો સાથે ચર્ચા બાદ આગળનો કાર્યક્રમ નક્કી કરીશું
તેમણે જણાવ્યું હતું કે હવે હું પણ આગામી સમયમાં સીઆર પાટીલને મળીશ. હવે કુંવરજીભાઈ તેમની રીતે મળશે અને હું મારી રીતે મળીશ. કુંવરજીભાઈને સાથે રાખવાનો પ્રશ્ન જ નથી થતો. મોટા કોળી આગેવાનોની અવગણના થઈ છે. સૌરાષ્ટ્રના કોળી સમાજના મોટા નેતા બેઠકમાં નથી ગયા. હું ભાજપ સાથે છું અને રહીશ. સૌરાષ્ટ્રના આગેવાનો સાથે ચર્ચા બાદ આગળનો કાર્યક્રમ નક્કી કરીશું. આમ, સીઆર પાટીલ કોળી સમાજના આગેવાનો સાથે બેઠક યોજવાના છે અને એ પહેલાં જ કોળી સમાજમાં બે ફાંટા પડ્યા છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ફાઈલ તસવીર.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ફાઈલ તસવીર.

સરકારનાં 'ચહેરા' અને 'મહોરા' બદલાઈ ગયાં
સૌરાષ્ટ્રમાં સામાજિક સંમેલન થવાં નવી વાત નથી, પણ ચૂંટણીના મહિનાઓ પહેલાં સંમેલનો યોજાવા પાછળ ઘણાં ગણિત હોય છે. ખોડલધામમાં પાંચ વર્ષ પહેલાં નિર્માણ પામેલા આસ્થાના ધામમાં ખોડલ ધામથી સામાજિક યાત્રાનાં મંડાણ થયાં છે, ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલથી થયા છે. નરેશ પટેલે 2022માં થનારી ચૂંટણીમાં ભાજપ પાસે પાટીદાર મુખ્યમંત્રીની માગ કરી, ગુજરાતની સ્થિર રાજનીતિના બે મહિનામાં જ રાજ્યની સરકારનાં 'ચહેરા' અને 'મહોરા' બદલાઈ ગયાં.

3 દિવસ પહેલાં દેવજી ફતેપરા અને કુંવરજી બાવળિયા કોળી સમાજની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
3 દિવસ પહેલાં દેવજી ફતેપરા અને કુંવરજી બાવળિયા કોળી સમાજની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

કોળી સમાજને પ્રભુત્વ મળે એ માટે મળી હતી બેઠક
વિધાનસભા-2022ની ચૂંટણીના સંદર્ભમાં સમાજની સીડીએ ચઢીને ફરી 'ખુરશી ગ્રહણ'નો તખતો છેલ્લા બે મહિનાથી જુદા-જુદા સમાજના આગેવાનો ઘડી રહ્યા છે. રાજકોટમાં આવું જ એક વધુ સંમેલન 3 દિવસ પહેલાં રાજકોટ ખાતે મળ્યું હતું. રાજ્યના પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા, પૂર્વ સાંસદ દેવજી ફતેપરા ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે મહિના અગાઉ કુંવરજી બાવળિયાએ અમરેલીના જાફરાબાદમાં પણ સમાજનું સંમેલન બોલાવ્યું હતું. આ સંમેલન બાદ તરત જ કોળી સમાજના મોભી મનાતા, ભાજપના દિગ્ગજ 'સોલંકી' બંધુઓએ પણ રાજુલા-જાફરા બાદનો 'લાકડિયો' પ્રવાસ ગોઠવી નાખ્યો હતો. પ્રવર્તમાન પરિસ્થિતિઓ અને ભાજપના નેતાઓના સમાજ સંપર્ક એ ઇશારા તરફ મજબૂરી અને મજબૂતીથી દોરી જાય છે કે ચૂંટણી સમય કરતાં વહેલી આવી રહી છે.

3 દિવસ પહેલાં બેઠકમાં સૌરાષ્ટ્રભરમાંથી કોળી સમાજના લોકો ઊમટ્યા હતા.
3 દિવસ પહેલાં બેઠકમાં સૌરાષ્ટ્રભરમાંથી કોળી સમાજના લોકો ઊમટ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...