દબાણ:પૂર્વ ગાર્ડન ડાયરેક્ટરના ભાઈનો રેસકોર્સના મહિલા ગાર્ડનમાં કબજો

રાજકોટ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
રેસકોર્સમાં આવેલા મહિલાઓ માટેના બગીચાના ઝૂપડામાં આરામ ફરમાવતા કોન્ટ્રાક્ટરના મજૂરો. - Divya Bhaskar
રેસકોર્સમાં આવેલા મહિલાઓ માટેના બગીચાના ઝૂપડામાં આરામ ફરમાવતા કોન્ટ્રાક્ટરના મજૂરો.
  • કોન્ટ્રાક્ટ મળી ગયા બાદ બગીચામાં વાહનો રાખ્યા હવે મજૂરોના ઝૂંપડાં પણ બનાવી દીધા
  • ડો.હાપલિયાએ​​​​​​​ તેના ભાઈને વિવિધ લાભો અપાવ્યા બાદ દબાણ કરવાની પણ છૂટ આપી હતી!

રાજકોટની ગાર્ડન શાખામાં છેલ્લા ઘણા સમયથી પુષ્કળ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે જેમાં ડો. કે.ડી. હાપલિયા કે જેઓ તાજેતરમાં જ ડાયરેક્ટર પદેથી નિવૃત્ત થયા છે તેમનું નામ વારંવાર બહાર આવતું હતું પણ તેમના કાળ દરમિયાન નાણાકીય ગેરરીતિ ઉપરાંત જમીન દબાણ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ પણ થઈ હોવાનો પર્દાફાશ થયો છે.

મહિલા ગાર્ડનમાં માત્રને માત્ર મહિલાઓને જ પ્રવેશ અપાય છે. તેમાં પેશકદમી તો દૂર કોઈને ડોકાવા પણ દેવાતા નથી પણ તેની અંદર જતા 750 વાર જેટલી જગ્યામાં જાણે ખાનગી નર્સરી ઊભી કરી દીધી છે. ત્યાં ટ્રેક્ટર અને રિક્ષા જેવા વાહનો હોય છે તેમજ મજૂરોના ઝૂંપડાં તેમજ અન્ય સામાન પણ ભંગારના રૂપમાં પડ્યો છે. આ જગ્યા કોઇ ભૂમાફિયાએ પચાવી પાડી હોય તેવું લાગે પણ હકીકતે ડો. હાપલિયાના ભાઈ મોહન પાસે આ જગ્યાનો કબજો છે. મોહનને રેસકોર્સમાં વૃક્ષોના પાંદડાં સાફ કરવાનો વિચિત્ર કોન્ટ્રાક્ટ અપાયો છે અને તેનો લાભ લઈને તેણે મહિલા ગાર્ડનમાં જગ્યા દબાવી પોતાનો હક જમાવ્યો છે.

મનપાનું જ પરિસર હોવાથી ગાર્ડનના કનેક્શનમાંથી પાણી અને વીજળીનો પણ બેફામ મફતમાં ઉપયોગ કરાઈ રહ્યો છે જેનું બિલ આખરે તો મનપાએ જ ભરવાનું થાય છે. અત્યાર સુધી ટાંકાનું કામ ચાલુ છે તેના બહાને ઝૂંપડાઓ રાખ્યા હતા પણ હકીકત એ સામે આવી છે કે ટાંકાના કામ અને મોહનને કશું લાગતું વળગતું નથી તે તો આ જગ્યાનો ઉપયોગ પોતાના ખાનગી ડેલા તરીકે પોતાનો સામાન અને ભંગાર રાખવા તેમજ મનપાના ખાતર અને માટી મફતમાં વાપરી નર્સરી તરીકે પણ કરી રહ્યો છે. છેલ્લા 24 કે 48 કલાકમાં ગેરકાયદે કબજો નથી કરાયો આમ છતા મનપાના જવાબદાર અધિકારીઓ જાણે દબાણ થયું જ ન હોય તેવી રીતે પૂર્વ ગાર્ડન ડાયરેક્ટરના ભાઇને પ્રોત્સાહન આપી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...